ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે ઔરંગઝેબની કબર અને સ્મૃતિસ્થળો હટાવવાની માગણી સાથે રાજ્યભરમાં આંદોલન કર્યું હતું
ભડકાનું દૃશ્ય
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ જયંતીના દિવસે ઔરંગઝેબની કબર અને સ્મૃતિસ્થળ હટાવવાનું આંદોલન શરૂ કર્યું ત્યારે બપોર બાદ બે જૂથ વચ્ચે શરૂ થયેલો તનાવ મોડી સાંજે થોડા સમય માટે નિયંત્રણ બહાર જતો રહ્યો : જોકે પથ્થરમારા અને આગના બનાવની વચ્ચે નાગપુરની પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે ઔરંગઝેબની કબર અને સ્મૃતિસ્થળો હટાવવાની માગણી સાથે રાજ્યભરમાં આંદોલન કર્યું હતું ત્યારે નાગપુરમાં મહાલ અને ચિટણીસ પાર્ક વિસ્તારમાં બપોર બાદ બે જૂથ સામસામે આવી ગયાં હતાં. તેમણે પથ્થરમારો અને વાહનોને આગ લગાવતાં તનાવ ઊભો થયો હતો. આંદોલન કરી રહેલા લોકોએ મુસ્લિમોનું પવિત્ર ગ્રંથ કુરાન સળગાવ્યું હોવાની અફવા ફેલાયા બાદ પથ્થરમારાની શરૂઆત થઈ હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં પથ્થરમારાને લીધે અમુક પોલીસ અને બે વ્યક્તિને ઈજા થઈ હતી.
ADVERTISEMENT
આંદોલન પછી ફેલાયેલી અશાંતિને કાબૂમાં લેતી પોલીસ.
મહાલ અને ચિટણીસ પાર્ક બાદ નાગપુરના કોતવાલી અને ગણેશપેઠ વિસ્તારમાં પણ હિંસક ઘટના બની હતી જેમાં ટોળાએ પોલીસની સામે વિરોધ-પ્રદર્શન કરીને રસ્તા પરનાં વાહનોની તોડફોડ કરીને આગ ચાંપી હતી. લોકોએ ઑટોરિક્ષાઓ પણ ઊંધી વાળી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બપોર બાદ શિવાજી ચોકમાં ઔરંગઝેબની કબર હટાવવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા બાદ મુસ્લિમ સંપ્રદાયના લોકોએ પણ સૂત્રોચ્ચાર કરતાં મામલો બીચક્યો હતો. ચિટણીસ પાર્કમાંથી લોકોએ પોલીસ પર પથ્થરમારો કરવાની શરૂઆત કરી હતી. પોલીસે લોકોને વિખેરવા માટે અશ્રુ ગૅસના સેલ ફોડ્યા હતા. આમ છતાં પથ્થરમારો ચાલુ રહેતાં હળવો લાઠીચાર્જ કરીને લોકોને વિખેર્યા હતા.
મુખ્ય પ્રધાને શાંતિની અપીલ કરી
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘નાગપુરમાં મહાલ વિસ્તારમાં પથ્થરમારો અને તનાવની સ્થિતિ પેદા થયા બાદ પોલીસ-પ્રશાસને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. નાગપુર શાંતિપ્રિય અને સહકાર્યશીલ શહેર છે. આ જ નાગપુરની પરંપરા છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરો અને પ્રશાસનને સહયોગ કરો. શાંતિ જાળવી રાખવાની સૌને અપીલ છે.’

