થાણે-વેસ્ટના ઉથલસરમાં આવેલી થાણે સેન્ટ્રલ જેલમાં સોમવારે સાંજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતાં બૅરેક નંબર ત્રણના આરોપી હેમંત શેઠિયાની થેલીમાં રાખવામાં આવેલા સૅન્ડલમાં મોબાઇલ ફોન મળ્યો હતો
થાણે સેન્ટ્રલ જેલ
થાણે-વેસ્ટના ઉથલસરમાં આવેલી થાણે સેન્ટ્રલ જેલમાં સોમવારે સાંજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતાં બૅરેક નંબર ત્રણના આરોપી હેમંત શેઠિયાની થેલીમાં રાખવામાં આવેલા સૅન્ડલમાં મોબાઇલ ફોન મળ્યો હતો. ત્યાર બાદ થાણે સેન્ટ્રલ જેલ વિભાગ દ્વારા થાણે નગર પોલીસ-સ્ટેશનમાં હેમંત સામે જેલમાં મોબાઇલ રાખવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. મોબાઇલ જેલમાં કઈ રીતે પહોંચ્યો અને એનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો એની તપાસ ટેક્નિકલ ટીમ કરી રહી છે.
સૅન્ડલના સોલમાં મોબાઇલ સંતાડી રાખવામાં આવ્યો હતો એમ જણાવતાં થાણે જેલના સુપરિન્ટેન્ડટ ઑફ પોલીસ રાણી ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે અમારી જેલની ટીમે તમામ બૅરેકની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી એ દરમ્યાન બૅરેક નંબર ત્રણમાં એક કપડાની થેલી જોવા મળી હતી જેમાં અંદર સૅન્ડલ હતાં. એ સૅન્ડલ ચેક કરતાં અંદરથી મોબાઇલ નીકળ્યો હતો. જોકે એમાં સિમ કાર્ડ નહોતું. આ બૅરેકમાં હેમંત શેઠિયાને ૨૦૨૩માં કાશીમીરા પોલીસે ધરપકડ કર્યા બાદ રાખ્યો હતો. હેમંત સામે જેલમાં મોબાઇલ રાખવા બદલ થાણે નગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. સ્થાનિક પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.’