ગઈ કાલે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એક વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો લોકોમાં પ્રિય બની છે ત્યારે હવે વંદે ભારત સ્લીપરનું પરીક્ષણ થઈ રહ્યું છે. ગઈ કાલે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એક વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જેમાં કોટા ડિવિઝનમાં ૧૮૦ કિલોમીટરની ઝડપે દોડી રહેલી વંદે ભારત સ્લીપરમાં મૂકવામાં આવેલા પાણી ભરેલા ગ્લાસમાંથી ટીપુંય પાણી નીચે ઢોળાયું નહોતું કે ગ્લાસ છલકાયો પણ નહોતો. તેમની પોસ્ટમાં વંદે ભારત સ્લીપર ટ્રેનમાં એક સમતલ જગ્યાએ મોબાઇલની બાજુમાં પાણી ભરેલો ગ્લાસ રાખેલો દેખાય છે. વિડિયોમાં દેખાય છે કે જેવી ટ્રેન ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે ત્યારે પણ ગ્લાસમાં પાણીનું સ્તર સ્થિર રહે છે.
આ ટ્રાયલમાં ઍર-સસ્પેન્શન અને બ્રેકિંગ-સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. વળાંકવાળા પાટા પર પણ એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. લાંબા અંતરના પ્રવાસ માટે વંદે ભારત સ્લીપર ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા ૪ દિવસથી એની મહત્તમ ઝડપ વિશે ટ્રાયલ લેવામાં આવી રહી છે જે આ મહિનાની આખર સુધી ચાલતી રહેશે.