થાણેના ગોડાઉનમાંથી રાતોરાત તસ્કરો અલગ-અલગ ૧૩ કંપનીઓનો માલ તફડાવી ગયા
સિગારેટની ચોરી
થાણે ખોપટ ફ્લાવર વૅલી નજીક ઠક્કર કમ્પાઉન્ડમાં આવેલા સિદ્ધનાથ ડિસ્ટ્રિબ્યુશન કંપનીના ગોડાઉનમાંથી ચોરો મંગળવારની એક રાતમાં ૫૧,૧૬,૩૩૯ રૂપિયાની સિગારેટનો માલ તફડાવી ગયા હોવાની ફરિયાદ રાબોડી પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. ગોડાઉનમાં ચોરી કરવા આવેલા આરોપી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા માટે લાગેલું ડિજિટલ વિડિયો રેકૉર્ડર (DVR) મશીન પણ પોતાની સાથે લઈ ગયા હતા. જોકે હજારોની સંખ્યામાં સિગારેટનાં બૉક્સ એક રાતમાં ચોરી થતાં થાણેમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જૉઇન્ટ તપાસ હાથ ધરી છે.
રાબોડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હેમંત પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિદ્ધનાથ ડિસ્ટ્રિબ્યુશન કંપની દ્વારા થાણે તેમ જ મુંબઈના વિવિધ વિસ્તારોમાં સિગારેટનો માલ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે એટલે મોટી સંખ્યામાં આ ગોડાઉનમાં માલ રાખવામાં આવ્યો હતો. મંગળવારે રાતે ગોડાઉન યોગ્ય રીતે બંધ કરી કામદારો અને માલિક પ્રમોદ પાટીલ ઘરે ચાલ્યા ગયા હતા. દરમ્યાન ગઈ કાલે સવારે એક કામદાર જ્યારે ગોડાઉન પાસે આવ્યો ત્યારે તેણે શટર તૂટેલી હાલતમાં જોયું હતું. તાત્કાલિક તેણે ઘટનાની જાણ માલિક પ્રમોદને કરતાં તેણે આવીને વિગતવાર તપાસ કરી ત્યારે ગોડાઉનમાં રાખવામાં આવેલાં અલગ-અલગ ૧૩ કંપનીની સિગારેટનાં બૉક્સ ચોરાયાં હોવાની જાણ થઈ હતી. અંતે ઘટનાની જાણ કરતાં અમે ફરિયાદ નોંધી છે. આ કેસમાં ચોરો ગોડાઉનમાં લાગેલું DVR મશીન પણ પોતાની સાથે લઈ ગયા હતા જેથી તેમની ઓળખ કરવા માટે નજીકના વિસ્તારોમાં લાગેલા CCTV કૅમેરાની મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં સિગારેટનાં બૉક્સની ચોરી કરવા માટે તેમણે કઈ ટેક્નિકનો ઉપયોગ કર્યો એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.’

