Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના ગુજરાતી વેપારીને પોલીસે આપી દિવાળી-ગિફ્ટ

થાણેના ગુજરાતી વેપારીને પોલીસે આપી દિવાળી-ગિફ્ટ

Published : 21 October, 2025 07:32 AM | Modified : 21 October, 2025 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરમાંથી પાંચ લાખ રૂપિયાની માલમતા તફડાવી જનારી બે મહિલાઓની ધરપકડ કરીને બધું પાછું મેળવી આપ્યું

નૌપાડા પોલીસે ધરપકડ કરેલી મહિલાઓ અને તેમની પાસેથી રિકવર કરેલી માલમતા.

નૌપાડા પોલીસે ધરપકડ કરેલી મહિલાઓ અને તેમની પાસેથી રિકવર કરેલી માલમતા.


થાણેના નૌપાડામાં આવેલા વંદના થિયેટર નજીકના એવરગ્રીન બિલ્ડિંગમાં રહેતા ૨૭ વર્ષના નીરજ કારિયાના ઘરેથી પાંચ લાખ રૂપિયાની માલમતા તફડાવી ગયેલી ૩૫ વર્ષની સારિકા સંકટ અને ૩૩ વર્ષની સુજાતા સંકટની પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. ઘાટકોપરમાં કપડાની દુકાન ધરાવતા નીરજ કારિયા ૭ ઑક્ટોબરે સવારે દુકાને ગયા હતા અને તેમની પત્ની બાળકોને ટ્યુશન કરાવવા ઘરને તાળું મારીને ગઈ હતી. એ પછી રાતે નીરજભાઈએ દુકાનના વર્કરને પગાર ચૂકવવા માટેના રાખેલા પૈસા શોધ્યા હતા, પણ ઘરમાં ક્યાંય ન મળતાં ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી. આ કેસમાં બન્ને મહિલા આરોપીઓએ ચાલાકીપૂર્વક ઑટોમૅટિક દરવાજાનાં લૉક ખોલ્યાં હતાં. એ પછી ચોરી કરીને દરવાજો પાછો વ્યવસ્થિત બંધ કરી દીધો હતો એટલે પ્રાથમિક તપાસના આધારે પોલીસને કોઈ પુરાવા મળ્યા નહોતા. જોકે અંતે નીરજભાઈએ પોતે તેમની સોસાયટીના ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવીને મહિલા આરોપીઓ વિશે માહિતી આપી હતી. એ પછી પોલીસે શોધખોળ કરીને બન્ને મહિલાઓને ઝડપી લીધી હતી. 

નૌપાડાના પોલીસ-ઇન્સ્પેક્ટર મંગેશ બાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એવરગ્રીન બિલ્ડિંગમાં ચોથા માળે રહેતા નીરજ કારિયાના ઘરે ૪ લાખ રૂપિયાના દાગીના અને એક લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાની ફરિયાદ મળતાં આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની અમને શંકા હતી, કારણ કે ઘરના લૉક સાથે કોઈ છેડછાડ થઈ નહોતી. એ ઉપરાંત ચોથે માળે ઘર હોવાથી બીજી કોઈ જગ્યાએથી આરોપી ઘરમાં પ્રવેશે એવી કોઈ શક્યતા નહોતી. આ કેસમાં બિલ્ડિંગમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજમાં બે મહિલાઓ બિલ્ડિંગમાં આવીને ૧૫ મિનિટમાં પાછી જતી દેખાઈ હતી એટલે મહિલાઓ શંકાસ્પદ જણાતાં અમે તેમની આગળની મૂવમેન્ટ તપાસવા માટે થાણે સ્ટેશન સુધીના આશરે ૧૦૦ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં અને એના આધારે બન્ને મહિલાના ફોટો મળી આવતાં કુર્લામાંથી અમે તેમની ધરપકડ કરી હતી. બન્ને મહિલા પાસેથી ૧૩ તોલા સોનું રિકવર કરવામાં આવ્યું છે. અમારા કેસમાં માત્ર ૪ તોલા સોનું છે, પણ થાણેની હદમાં થયેલા બીજા ગુનાઓમાં પણ આ મહિલાઓ આરોપી છે.’



કોણ છે આરોપી મહિલાઓ?


મંગેશ બાંગેએ વધુમાં કહ્યું હતું કે ‘આરોપી સારિકા અને સુજાતા બન્ને સગી બહેનો છે. બન્નેએ એક જ યુવક સાથે લગ્ન કર્યાં છે અને બન્નેને બે-બે બાળકો છે. બન્ને મહિલાઓ સામે મુંબઈ, થાણે અને નવી મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં દસથી વધુ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. સારિકા અને સુજાતા બાળકો સાથે દિવસભર અલગ-અલગ વિસ્તારમાં ફરીને રેકી કરતી હતી અને પછી ટાર્ગેટ સેટ કરીને ચોરી કરતી હતી. મહિલાઓ મોજમજા કરવા અને લક્ઝરી લાઇફ જીવવા માટે ચોરીચપાટી કરતી હતી.’

કઈ રીતે હાથસફાઈ કરતી?


મહિલાઓની મોડસ ઑપરૅન્ડી વિશે માહિતી આપતાં મંગેશ બાંગેએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગના ઘરના દરવાજામાં લૅચ-લૉક લાગેલાં હોય છે. લોકો ઘરમાંથી નીકળતી વખતે માત્ર દરવાજો ખેંચીને લૅચ-લૉક લગાડી દેતા હોય છે. એ પછી તાળું મારતા નથી. આરોપી મહિલા આવાં જ ઘરને ટાર્ગેટ કરી લૅચ-લૉકવાળા દરવાજા પિનથી ખોલી નાખતી હતી. એક દરવાજાનું લૉક ખોલવા માટે તેમને વધુમાં વધુ બે મિનિટ લાગતી હતી.’

વેપારીને મળી દિવાળી-ગિફ્ટ

નીરજ કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરી થયા બાદ કોઈ જાણભેદુએ ચોરી કરી હોવાની શંકા પોલીસને હતી એટલે શરૂઆતમાં તેમની કામગીરી ધીમી ચાલી હતી. એ પછી મેં સોસાયટી પાસેથી CCTV કૅમેરાનાં ફુટેજ મેળવીને તપાસી જોયાં હતાં જેમાં ભારે વરસાદમાં બે મહિલાઓ મારા બિલ્ડિંગમાં સ્કાર્ફ પહેરીને જતી દેખાઈ હતી. એ પછી ૧૫ મિનિટમાં જ પાછી બહાર જતી દેખાઈ હતી એટલે મેં પોલીસને એ મહિલાઓનો વિડિયો આપ્યો હતો. એના આધારે પોલીસે તપાસ કરીને ચોરી કરનાર મહિલાઓને શોધી કાઢી હતી. આ ચોરીની પૂરેપૂરી રકમ પોલીસે રિકવર કરીને એક પ્રકારે મને દિવાળીની ગિફટ આપી છે. કારણ કે સતત મેં અને મારી પત્નીએ મહેનત કરીને દાગીનાના પૈસા ભેગા કર્યા હતા. એ ઉપરાંત મેં મારા વર્કરોને પગાર આપવા માટેના પૈસા ઘરમાં રાખ્યા હતા એ પણ ચોરાઈ ગયા હતા.’

 

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK