આ દિવાળીએ ઉજવો સકારાત્મકતાનો પર્વ, ઉજાસ, પ્રકાશનો પર્વ દિવાળી એક પારંપરિક અને સકારાત્મક ઉર્જાના પ્રવાહ સાથે. એનર્જી માત્ર તહેવારોમાં જ નહીં પણ હંમેશા મહત્ત્વની રહે છે.
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
આ દિવાળીએ ઉજવો સકારાત્મકતાનો પર્વ, ઉજાસ, પ્રકાશનો પર્વ દિવાળી એક પારંપરિક અને સકારાત્મક ઉર્જાના પ્રવાહ સાથે. એનર્જી માત્ર તહેવારોમાં જ નહીં પણ હંમેશા મહત્ત્વની રહે છે. આજે દિવાળી 2025ના આ ખાસ પાવન પ્રસંગે તમારા જીવનમાં એકતા અને સકારાત્મકતા સાથે જાણો વાસ્તુ વિશે કેટલીક મહત્ત્વની ટિપ્સ...
ADVERTISEMENT
કૉન્શિયસ વાસ્તુ આપણને સમજવામાં મદદ કરે છે કે દિવાળીનો ખરો અર્થ ફક્ત દીવા પ્રગટાવવાનો નથી, પણ અંતરના અંધારાને દૂર કરીને આંતરિક પ્રકાશને જાગૃત કરવા અને આપણા સંબંધોમાં સુમેળ લાવવાનો છે. દિવાળી હંમેશા અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન અને અલગતા પર એકતાના વિજયનું પ્રતીક રહી છે. સફાઈ, રંગોળી, સજાવટ અને દીવા પ્રગટાવવા જેવી પરંપરાઓ ફક્ત ધાર્મિક વિધિઓ નથી, પરંતુ ઊર્જાને સંતુલિત કરવા અને આપણા ઘરોમાં સકારાત્મકતા લાવવાના રસ્તાઓ છે.
આ દિવાળીએ એકતા અને એકતાની ભાવનાનો આપો સંદેશ
કોઈપણ તહેવાર જ્યારે પરિવાર અને મિત્રો સાથે ઉજવવામાં આવે છે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે, એટલું જ નહીં એકતામાં દરેક મુશ્કેલી સરળ બને છે. ઘર, સંબંધ અને ક્ષણો એકબીજા સાથે જોડાય છે અને ઉર્જા એક ફ્લોમાં વહે છે, ત્યારે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના માર્ગો મોકળા થાય છે.
આ દિવાળીએ આટલું કરો ખાસ
ઉત્તર દિશાની ઉર્જાને સક્રિય કરવા માટે કરો આમ
ઉત્તર દિશા સ્પષ્ટતા, નવી શરૂઆત અને તકોની દિશા છે. આ દિશા સંબંધો, સહયોગ અને ભાવનાત્મક જોડાણને વધારે છે. જો યોગ્ય રીતે ઉત્તર દિશાને સક્રિય કરવામાં આવે, તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા અને એકતા લાવે છે.
ઉત્તર દિશાને સક્રિય કરવાની સરળ ટિપ્સ:
1. દિશા ઓળખો: ઘરના સેન્ટરમાં ઊભા રહો અને હોકાયંત્ર (કમ્પાસ) વડે ઉત્તર દિશા ક્યાં આવે છે તે જુઓ. જો ત્યાં કોઈપણ વસ્તુઓ કે કચરો કે બીજું કંઈ મૂકવામાં આવ્યું છે તો તેને ત્યાંથી ખસેડીને તે જગ્યા ખાલી કરો. ઉત્તર દિશાને સ્વચ્છ રાખો, ત્યાં પૂરતો ઉજાસ પથરાય તેનું ધ્યાન રાખો. આ દિશામાં જો કોઈ ફર્નિચર મૂક્યા છે તો પ્રયત્ન કરો કે તેને ખસેડી શકાય.
2. ધ્યાન કરો- દરરોજ 15થી 20 મિનિટ આ દિશામાં બેસીને ધ્યાન અથવા મેડિટેશન કરી શકો છો.
3. જો કોઈ જૂની અથવા ઉપયોગમાં ન લેવાતી વસ્તુઓ છે તો તેમાંથી છૂટકારો મેળવો. આમ કરવાથી ઉર્જાનું વહન સરળતાથી થશે. નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતા વધશે.
4. આ નાના પરંતુ અસરકારક ફેરફારો ઉત્તર દિશાને નવી ઉર્જા અને એકતાની ભાવનાથી ભરી દેશે - દિવાળીના નવી શરૂઆતના સંદેશ સાથે સંપૂર્ણપણે સુસંગત.
કૉન્શિયસ વાસ્તુ આપણને સમજાવે છે કે દિવાળીમાં જે સામાન્ય માનવામાં આવતા કામ છે જેમ કે, સફાઈ કરવી, દીવા પ્રગટાવવા અને ઘર શણગારવું- આ બધું જ ઘરની સાથે સાથે આપણી આંતરિક અને બાહ્ય બન્ને ઉર્જાને સંતુલિત કરવામાં કારગર માનવામાં આવે છે.
1. ગંદકી દૂર કરવી:
બાહ્ય સફાઈ: દિવાળીની સફાઈ ઘરમાંથી જૂની અને અટકેલી ઉર્જાને દૂર કરે છે. આ નવી વાઇબ્સ લાવે છે.
આંતરિક સફાઈ: મનમાંથી નકારાત્મક લાગણીઓ, ભૂતકાળના દ્વેષ અને ડરને દૂર કરીને મનની સફાઈ પણ કરવી જોઈએ. આ સંબંધોમાં માનસિક શાંતિ અને મીઠાશ વધારે છે.
2. મેઇન ડોરની ઉર્જા વધારો
આઉટર ડેકોરેશન: દરવાજા પર તોરણ, ફૂલો અને દીવા મૂકો. આ સકારાત્મકતા અને સમૃદ્ધિનું સ્વાગત કરે છે.
આંતરિક જાગૃતિ: જેમ તમે બહાર દીવા પ્રગટાવો છો, તેમ તમારા મનની અંદર એક એવો દીવો પ્રગટાવો જે તમારા મનમાં પ્રેમ, એકતા અને શાંતિનો પ્રકાશ પાથરે.
દિવાળીનો ખાસ સંદેશ
આ દિવાળીએ વાસ્તુને ફક્ત દિશાઓનું અને સ્થાપત્યનું વિજ્ઞાન ન માનીને તેને જીવન જીવવાની કળા તરીકે સ્વીકારો. તમારું ઘર, મન અને મસ્તિષ્ક ત્રણેય વચ્ચે એક બૅલેન્સ બનાવો. જૂની વસ્તુઓ, વાતોને છોડીને આગળ વધો, અંતરનો ઉજાસ પાથરો, મોકળા મને પ્રેમ અને સકારાત્મકતાનો સ્વીકાર કરો.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui

