Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સબ કા બૅન્ડ બજેગા

સબ કા બૅન્ડ બજેગા

Published : 17 July, 2026 07:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અસ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના કાયદાઓના ગંભીર ઉલ્લંઘનને પગલે લેવાઈ આ ઍક્શન : ગોવંડી અને મુલુંડમાં પણ જોખમી દૂધ, પનીર, ચીઝ જપ્ત

પારસી ડેરી ફાર્મ

પારસી ડેરી ફાર્મ


તુકારામ મુંઢેના નેતૃત્વમાં હવે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશને આઇકૉનિક પારસી ડેરી ફાર્મના પ્રિન્સેસ સ્ટ્રીટના આઉટલેટનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મુંબઈ, પાલઘર અને નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાં મંગળવારે અને બુધવારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને નિયમોના ઉલ્લંઘન વિશે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ વિશેષ કાર્યવાહી દરમ્યાન મુંબઈની પ્રખ્યાત પારસી ડેરી ફાર્મના પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતેના આઉટલેટમાં ભારે અસ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન જોવા મળતાં એનું FSSAI લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તપાસ દરમ્યાન ડેરીના પ્રોડક્શન વિભાગમાં ગંદકી, માખીઓનો ભારે ઉપદ્રવ, દીવાલો પર ફૂગ, અને ડ્રેનેજ સિસ્ટમનો અભાવ જેવી ગંભીર ત્રુટિઓ મળી આવી હતી. આ સિવાય ઉંદર-જીવજંતુના નિયંત્રણ માટે કોઈ જાળી ન હોવા જેવી ગંભીર બેદરકારી સામે આવી છે. ડેરીમાં વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)નો અભાવ, કર્મચારીઓના અધૂરા મેડિકલ રેકૉર્ડ અને ખાદ્ય પદાર્થો પર એક્સપાયરી ડેટ જેવી અનિવાર્ય માહિતી ગેરહાજર જોવા મળી હતી. FDAના મતે આ ગંદકીથી ખોરાકમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાવાનું અને ગ્રાહકોના સ્વાસ્થ્યને મોટું જોખમ હોવાથી સાર્વજનિક હિતમાં આગામી આદેશ સુધી ડેરીમાં ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત તલાસરી ખાતે આવેલા આ જ ડેરીના મૅન્યુફૅક્ચરિંગ યુનિટ પર પણ દરોડો પાડીને ભ્રામક લેબલિંગ અને શંકાસ્પદ ગુણવત્તાના આધારે ૩૨.૧૧ લાખ રૂપિયાની કિંમતનું બટર, પનીર અને કોલોસ્ટ્રમ જપ્ત કરવામાં આવ્યું છે.




પારસી ડેરી ફાર્મમાંથી જપ્ત કરવામાં આવેલી ખાદ્ય સામગ્રી.

બીજી એક મોટી કાર્યવાહીમાં મુંબઈના ગોવંડી વિસ્તારમાં આવેલી મેસર્સ સૂફી ડેરી પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. અહીં આદેશોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ખુલ્લી ટૅન્ક, પ્લાસ્ટિકની થેલીઓ અને કૅનમાં ભેંસના ભેળસેળયુક્ત પાશ્ચરાઇઝ્ડ દૂધનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. કાયદા અનુસાર પાશ્ચરાઇઝ્ડ દૂધ માત્ર સીલબંધ અને લેબલવાળા પૅકિંગમાં જ વેચી શકાય છે. આ નિયમના ભંગ બદલ અધિકારીઓએ સ્થળ પર જ ૧.૦૭ લાખ રૂપિયાની કિંમતનું ૧૬૮૩ લીટર ખુલ્લું દૂધ સીલબંધ ડ્રેનેજ સિસ્ટમમાં વહાવીને નાશ કર્યું હતું. આ સાથે જ ડેરીને સ્ટૉપ બિઝનેસ નોટિસ ફટકારીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સિવાય વસઈની શિવ ડેરીમાં લાઇસન્સ વગર ચાલતા ઉત્પાદન પર ત્રાટકીને ૫૭,૯૨૦ રૂપિયાનું ૧૮૧ કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરાયું છે.
એવી જ રીતે મુલુંડના વીણાનગરમાં આવેલી મેસર્સ અગ્રવાલ એન્ટરપ્રાઇઝિસ પર દરોડો પાડીને એક્સપાયરી ડેટ વગરના અને લેબલિંગના નિયમોનું ઉલ્લંઘન કરતા ચીઝ અને પનીર સહિત આશરે ૬૧ કિલો ડેરી-પ્રોડક્ટ્સનો જથ્થો જપ્ત કરાયો છે. અધિકારીઓને આશંકા છે કે વેચાણ માટે રાખવામાં આવેલું ખુલ્લું પનીર વાસ્તવમાં નકલી પનીર હોઈ શકે છે, જેના નમૂના લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ નવી મુંબઈના વાશીમાં APMC મસાલા માર્કેટમાં કાલી મહાકાલી મસાલા ઍન્ડ ડ્રાયફ્રૂટ્સ પર કાર્યવાહી કરીને ૧૧.૨૪ લાખ રૂપિયાની કિંમતની ૪૩૯ કિલો હલકી ગુણવત્તાની લીલી એલચી જપ્ત કરવામાં આવી છે. વડાલા વિસ્તારમાં પણ એક મૅન્ગો પલ્પ પ્રોસેસિંગ યુનિટમાંથી અંદાજે ૧૭.૯ લાખ રૂપિયાની કિંમતનો ૬૩૨૦ કિલો મૅન્ગો પલ્પ તપાસ અર્થે લૅબોરેટરીમાં મોકલાયો છે.


ઘાટકોપરના આર સિટી મૉલ નજીક રોડ પર ચાલતા ૮ ફૂડ-સ્ટૉલ્સની ઓચિંતી તપાસ કરાઈ હતી જેમાં લાઇસન્સ વગર અને અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય પદાર્થો વેચનારાઓ પાસેથી દંડ લઈને વ્યવસાય શરૂ ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK