Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઈ–ચલાનને લઈને અકળાયેલા ટ્રાન્સપોર્ટરોની હડતાળનો મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો

ઈ–ચલાનને લઈને અકળાયેલા ટ્રાન્સપોર્ટરોની હડતાળનો મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો

Published : 06 March, 2026 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં ઍફિડેવિટ પણ દાખલ કરવામાં આવી હોવાનું અમીન પટેલે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટર્સ ઍક્શન કમિટીના સભ્યો ગઈ કાલે આઝાદ મેદાનમાં આંદોલન પર ઊતર્યા હતા. તસવીર : સૈયદ સમીર અબેદી

મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટર્સ ઍક્શન કમિટીના સભ્યો ગઈ કાલે આઝાદ મેદાનમાં આંદોલન પર ઊતર્યા હતા. તસવીર : સૈયદ સમીર અબેદી


ટૅક્સી, રિક્ષા, ટ્રકો અને અન્ય વાહનો દ્વારા થતા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ટ્રાફિક-પોલીસ દ્વારા મોકલવામાં આવતા ઈ–ચલાનને લઈને તેમનામાં ભારે અસંતોષ છે અને એથી જ ગઈ કાલે મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ઍક્શન કમિટીના નેજા હેઠળ રાજ્યભરમાં ચક્કા જૅમની હાકલ કરીને હડતાળ પાડવામાં આવી હતી. આ બાબત ગઈ કાલે વિધાનસભામાં પણ ચર્ચાઈ હતી.

વિધાનસભ્ય અમીન પટેલ અને હારૂન ખાન સહિત ઘણાબધા વિધાનસભ્યોએ સરકારને આ બાબતે વહેલી તકે ઉકેલ લાવવા કહ્યું હતું. અમીન પટેલે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૭માં ઈ-ચલાનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. આ પ્રોસેસ અંતર્ગત ૯૦ દિવસમાં ૩ ફોટો સાથેનો પુરાવો ન આપવામાં આવે તો ઈ-ચલાન રદ કરવાની જોગવાઈ છે. એમ છતાં આ કાર્યવાહી ચાલતી જ રહે છે. આજે અનેક વાહનો પર લાખો રૂપિયાનો દંડ છે. ૪૫૦૦ કરોડ રૂપિયાનાં ઈ-ચલાન પેન્ડિંગ છે. એમાંથી ૩૫૦૦ કરોડ રૂપિયાનાં ઈ-ચલાન તો ફક્ત કમર્શિયલ વ્હીકલ સામે જ ઇશ્યુ કરવામાં આવ્યાં છે, જ્યારે બાકીનાં અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનાં ઈ-ચલાન પ્રાઇવેટ વ્હીકલ્સને ઇશ્યુ કરવામાં આવ્યાં છે.’ 



આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં ઍફિડેવિટ પણ દાખલ કરવામાં આવી હોવાનું અમીન પટેલે જણાવ્યું હતું. એથી વિધાનસભાના અધ્યક્ષે રાજ્ય સરકારને આ બાબતની ગંભીર દખલ લઈને કાર્યવાહી કરવાની સૂચના આપી છે.


મુખ્ય પ્રધાનની અપીલને પગલે ટ્રાન્સપોર્ટર્સની હડતાળ મુલતવી

ઈ-ચલાન રદ કરવા ઉપરાંત અનેક માગણીઓ સાથે આંદોલન પર ઊતરેલા મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટર્સ ઍક્શન કમિટી (M-TAC)ના સભ્યોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અપીલ બાદ રાજ્યવ્યાપી હડતાળ મુલતવી રાખી છે. ગઈ કાલે મધરાતથી સ્કૂલ-બસ, ટ્રક, લક્ઝરી બસો જેવા પ્રાઇવેટ અને કમર્શિયલ ટ્રાન્સપોર્ટર્સ બેમુદત હડતાળ પર ઊતરવાના હતા. જોકે દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે ફરી વિચાર કરવાની અપીલ કરતાં હડતાળ એક અઠવાડિયા સુધી પાછી ઠેલવામાં આવી છે. ગલ્ફ દેશોમાં યુદ્ધને લીધે એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટને ફટકો પડ્યો છે અને અત્યારે મોટા ભાગની સ્કૂલોમાં એક્ઝામ ચાલે છે એટલે સ્કૂલ-બસોને રોકવી પણ ઉચિત ન ગણીને M-TACએ આ નિર્ણય લીધો હતો. જોકે સરકાર સાથે વાટાઘાટોમાં માગણીઓ પૂરી નહીં થાય તો ફરી હડતાળનો નિર્ણય લેવાની તૈયારી પણ M-TACએ બતાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK