લોકલ ટ્રેનમાં પ્રસૂતાને પીડાતી જોઈને ચેઇન-પુલિંગ કર્યું, ડૉક્ટરમિત્રને વિડિયોકૉલ કરીને બાળકની ડિલિવરી કરાવી
વિકાસ બેન્દ્રે, અંબિકા ઝા
વિરાર-ઈસ્ટના જીવદાની ક્રૉસ રોડ પર સાકાનગરમાં રહેતી ૨૪ વર્ષની અંબિકા ઝા અને તેના પરિવાર માટે મંગળવારની રાત ક્યારેય ન ભુલાય એવી હતી. આ રાતે રામ મંદિર સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ‘3 ઇડિયટ્સ’ ફિલ્મનો ક્લાઇમૅક્સ સીન ખરેખર સાચાં પાત્રો સાથે ભજવાયો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ૯ મહિનાની ગર્ભવતી અંબિકા પ્રસૂતિની પીડાથી કણસતી હતી અને તેને તાત્કાલિક કોઈ દવાખાને પહોંચાડી શકાય એમ નહોતું ત્યારે ૩૪ વર્ષનો વિકાસ બેન્દ્રે ‘3 ઇડિયટ્સ’નો રૅન્ચો (આમિર ખાન) બનીને આવ્યો હતો અને તેણે ડૉક્ટરમિત્ર પાસેથી વિડિયોકૉલમાં માર્ગદર્શન મેળવીને અંબિકાની ડિલિવરી કરાવી હતી.
આ ઘટના બાદ સોશ્યલ મીડિયા પર વિકાસની હિંમતે લાખો નાગરિકોનાં દિલ જીતી લીધાં છે. અત્યારે માતા અને નવજાત પુત્રની હાલત સ્વસ્થ હોવાની માહિતી મળી હતી. બન્ને અંધેરીની કૂપર હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
અંબિકાનો ઇલાજ નાયર હૉસ્પિટલમાં ચાલી રહ્યો હતો અંબિકાના ભાણેજ પ્રિન્સ મિશ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી માસીનો ઇલાજ વિરારની જીવદાની હૉસ્પિટલમાં ચાલી રહ્યો હતો, પણ સાડાસાત મહિના પછીની સોનોગ્રાફીમાં બાળકના હાર્ટમાં કૉમ્પ્લિકેશન હોવાની જાણકારી ડૉક્ટરે આપી હતી અને આગળની ટ્રીટમેન્ટ બૉમ્બે સેન્ટ્રલની નાયર હૉસ્પિટલમાં લેવાની સલાહ આપી હતી. એ મુજબ છેલ્લા દોઢ મહિનાથી માસીની ટ્રીટમેન્ટ નાયર હૉસ્પિટલમાં ચાલી રહી હતી. માસીને ૯ મહિના બીજી ઑક્ટોબરે પૂરા થયા હતા. ડૉક્ટરે ૧૫ ઑક્ટોબર સુધીમાં ડિલિવરી ન થાય તો ઍડ્મિટ થવાની સૂચના આપી હતી.’
હૉસ્પિટલમાં પહોંચવા ટ્રેનનો પ્રવાસ કેમ કર્યો?
૧૮ વર્ષના પ્રિન્સ મિશ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવાર રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ માસીને પેટમાં જોરદાર દુખાવો શરૂ થયો હતો. ત્યારે અમે તાત્કાલિક નાયર હૉસ્પિટલ જવા માટે કૅબ બુક કરી હતી. જોકે કૅબના ડ્રાઇવરે ફોન કરી કહ્યું કે ઘોડબંદર રોડ પર બ્લૉક હોવાથી ટ્રાફિકને કારણે સવારે પાંચ વાગ્યાનો ડ્રૉપિંગ સમય દેખાડી રહ્યો છે. એટલે અમે માસીને લઈને વિરારથી છેલ્લી લોકલ ટ્રેનમાં રવાના થયા હતા. વિરારથી ધીરે-ધીરે મુંબઈની દિશામાં જેમ-જેમ ટ્રેન આગળ વધી રહી હતી એમ-એમ માસીને દુખાવો વધી રહ્યો હતો. માસી ચીસો પાડી રહી હતી. ત્યારે તેમને જલદી હૉસ્પિટલમાં લઈ જવામાં આવે એ માટે દરેક રેલવે-સ્ટેશન પર મેં પોલીસ શોધવાની કોશિશ કરી હતી. જોકે મોડી રાત હોવાથી એક પણ સ્ટેશન પર પોલીસ ન દેખાતાં હું ટ્રેનમાંથી ઊતર્યો નહોતો.’
રામ મંદિર રેલવે-સ્ટેશન આવતાં રામ ભગવાન મદદે આવ્યા
પ્રિન્સ મિશ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોરેગામથી અમારા જનરલ ડબ્બાની બાજુના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં ચડેલા વિકાસ બેન્દ્રેએ મારી માસીની પીડાઓ જોઈ હતી. એ સમયે તેણે ચાલુ ટ્રેનમાં વચ્ચેની જાળીમાંથી જ મારી સાથે વાત કરી હતી. મારી માસીની હાલત જોઈને રામ મંદિર સ્ટેશન આવતાં તેણે ચેઇન-પુલિંગ કરીને ટ્રેનને ઊભી રખાવી હતી અને તાત્કાલિક અમારી મદદે આવ્યો હતો. તેણે શરૂઆતમાં ટ્રેનમાંથી માસીને નીચે ઉતારીને પોલીસ અને નજીકની હૉસ્પિટલનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. આ સમયે પોલીસ પણ આવી પહોંચી હતી. જોકે નજીકમાં કોઈ પણ હૉસ્પિટલનો સંપર્ક થયો નહોતો એટલે બધા ચિંતામાં હતા. રાતે બે વાગી ગયા હતા. આ દરમ્યાન માસીની ડિલિવરી થવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે વિકાસે ડિલિવરી કરવાનું નક્કી કરીને તેની ડૉક્ટરમિત્રની મદદ લીધી હતી.’
માતા-બાળક બન્ને સ્વસ્થ
બોરીવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તા ખોપેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પીડિત માતા અને બાળક બન્ને હાલમાં સ્વસ્થ છે. આ કેસમાં ડિલિવરી કરનાર યુવાન અને મહિલા ડૉક્ટરે કરેલી કામગીરીને સૌએ બિરદાવી છે. તેમનો સત્કાર કરવામાં આવશે.’
વગર અનુભવે વિકાસે કઈ રીતે ડિલિવરી કરાવી?
નાલાસોપારામાં રહેતા અને સિનેમૅટિક ફોટોગ્રાફી કરતા વિકાસ બેન્દ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે વહેલી સવારે ૪ વાગ્યાની મારી અમદાવાદ જવાની ફ્લાઇટ હતી. ઍરપોર્ટ પહોંચવા માટે મંગળવારે રાતે હું ગોરેગામથી ટ્રેનમાં ચડ્યો હતો. ત્યારે બાજુના કોચમાં એક મહિલા ખૂબ જ પીડાઈ રહી હતી. મહિલાની સાથે રહેલા બે લોકો ખૂબ ડરેલા હતા. મેં ચાલુ ટ્રેનમાં તેમની સાથે વાત કરી. તેમની સ્થિતિ જાણીને સ્ટેશનની નજીકની કોઈ હૉસ્પિટલમાં મહિલાને સારવાર માટે ઍડ્મિટ કરાવી દઈશ એવું વિચારીને મેં ચેઇન-પુલિંગ કર્યું હતું. મને ખબર હતી કે આવું કરીશ તો તાત્કાલિક પોલીસ મદદે આવશે. આ સમયે પોલીસ મદદે તો આવી હતી, પણ મહિલાને જ્યારે અમે બહાર લઈ જવાની કોશિશ કરી ત્યારે તેની ડિલિવરી શરૂ થઈ ગઈ હોવાની જાણ મહિલાએ કરી હતી. અંતે મેં મારી ડૉક્ટરમિત્ર દેવિકા દેશમુખને ફોન કરીને આખી ઘટના સમજાવી હતી. ત્યારે તેણે મને ડિલિવરી કઈ રીતે કરવી એનું માર્ગદર્શન વિડિયોકૉલમાં જ આપવાનું કહ્યું હતું. તેણે એક પછી એક જેમ કહ્યું એમ હું કરતો ગયો હતો. લગભગ એક કલાકની મહેનત બાદ બાળકની ડિલિવરી થઈ શકી હતી. પછી તો ઍમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી એટલે એમાં બાળક અને તેની મમ્મીને કૂપર હૉસ્પિટલમાં ઇલાજ માટે મોકલવામાં આવ્યાં હતાં. હું પણ સાથે ગયો હતો. ત્યાં એક કલાક પછી માતા અને બાળક બન્ને સ્વસ્થ હોવાની માહિતી ડૉક્ટરે આપી એ પછી હું ઍરપોર્ટ માટે નીકળી ગયો હતો.’
આ ડૉક્ટરે વિકાસને કેવી રીતે ગાઇડ કર્યો?
વિલે પાર્લે-ઈસ્ટમાં કેરલા આયુર્વેદિક ક્લિનિક ચલાવતાં MD આયુર્વેદ (પંચકર્મ) ડૉક્ટર દેવિકા દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવાર રાતે ૧૨.૪૦ વાગ્યે મને વિકાસનો ફોન આવ્યો હતો. તેણે મને મહિલા વિશે જાણકારી આપી હતી. વિડિયોકૉલમાં મહિલાને જોઈને હું સમજી ગઈ હતી કે તેની ડિલિવરી શરૂ થઈ ગઈ છે એટલે બાળકનું માથું બહાર આવી ગયું હતું. આ પરિસ્થિતિમાં મહિલા અને બાળક બન્નેને જોખમ હોવાની શક્યતા જોઈને વિકાસને ડિલિવરી કરવા માટે મેં તૈયાર કર્યો હતો. જોકે એ સમયે ડિલિવરી માટેની બધી વસ્તુઓ ભેગી કરવી મુશ્કેલ હતી. એમ છતાં મેં તેને કાતર, લાઇટર, પાણી, સાકર, મીઠું વગેરે ભેગું કરવાનું કહેતાં ત્યાં ઊભેલા તમામ લોકોએ દોડાદોડ કરીને વસ્તુઓ ભેગી કરી હતી. મેં કાતરને લાઇટરથી ગરમ કરવા કહ્યું હતું, કારણ કે જો કાતરમાં કોઈ બૅક્ટેરિયા લાગેલા હોય અને એનાથી નાળ કાપવામાં આવે તો બાળકને ઇન્ફેક્શન થવાના ચાન્સ હોય છે. કાતરને ગરમ કર્યા બાદ વિકાસે એને ઠંડી કરી. પછી જે રીતે મેં કહ્યું એ જ રીતે તેણે બાળકની નાળ કાપી હતી. નાળ કાપ્યા બાદ મહિલાના શરીરમાંથી પાણી ઓછું થઈ જતાં મેં શરૂઆતમાં મગાવેલા પાણીમાં સાકર અને મીઠું નાખીને તેને પીવા માટે આપવા કહ્યું હતું. પછી બાળકને એક કપડામાં લપેટ્યા બાદ થોડી વાર માટે તેની માતાની છાતીએ રાખવા માટે કહ્યું હતું. એટલી વારમાં ગોરેગામના એક ડૉક્ટર પણ ત્યાં આવી પહોંચી હતા. તેમણે બન્નેને તપાસ્યાં હતાં.’

