મેટ્રો સિનેમાથી BMCના હેડક્વૉર્ટર સુધી જશે, જ્યાં જાહેર સભા થશે
આજના મોરચાને કઈ રીતે હૅન્ડલ કરવો એની ગઈ કાલે આઝાદ મેદાનમાં તૈયારી કરતી પોલીસ. તસવીરો : આશિષ રાજે
ઇલેક્શન કમિશનના કારભારના વિરોધમાં શુક્રવારે શિવાજી પાર્ક પર કૉક્રૉચ જનતા પાર્ટી દ્વારા કરાયેલા આંદોલન બાદ હવે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા આજે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની આગેવાનીમાં મેટ્રો સિનેમાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટર સુધી ‘ગર્જના’ મોરચો કાઢવામાં આવશે. પહેલાં એ ભાયખલાથી આઝાદ મેદાન લઈ જવાનો પ્લાન હતો, પણ હવે એનો રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે એવી માહિતી શિવસેના (UBT)ના નેતા અનિલ પરબ અને MNSના નેતા બાળા નાંદગાવકરે પ્રેસ-કૉન્ફરન્સ લઈને આપી હતી.
બન્ને પક્ષના નેતાઓ ગુરુવારે મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને મળ્યા હતા. ત્યારે તેમને મોરચાનો રૂટ બદલવાની વિનંતી કરવામાં આવી હતી. એ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ચર્ચા કરીને રૂટ બદલવાનો નિર્ણય લીધો હતો.
‘ગર્જના’ મોરચા માટે કાર્યકરો અને સમર્થકો સવારના ૧૦ વાગ્યે મેટ્રો સિનેમા પાસે ભેગા થશે. ૧૧ વાગ્યે મોરચો BMC હેડક્વૉર્ટર તરફ કૂચ કરશે. મોરચો ત્યાં પહોંચ્યા બાદ સભામાં ફેરવાઈ જશે. વળી આ મોરચામાં પક્ષનો ઝંડો નહીં પણ દેશનો તિરંગો લાવવાનું કહેવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે લોકોને સંબોધવાના હોવાથી મોટી સંખ્યામાં તેમના સમર્થકો આ મોરચામાં જોડાય એવી શક્યતા છે. એથી મુંબઈ પોલીસનો મોટો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. ઠાકરે બંધુઓ હવે કઈ રીતે ઇલેક્શન કમિશનના મુદ્દાની રજૂઆત કરે છે એના પર દેશભરના નાગરિકોની નજર છે.
