Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઠેર-ઠેર પાળવામાં આવ્યો નો UPI ડે

ઠેર-ઠેર પાળવામાં આવ્યો નો UPI ડે

Published : 03 October, 2026 10:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ સહિત વિવિધ સ્થળે QR કોડ-સાઉન્ડ બૉક્સ પર કાળાં કપડાં; વેપારીઓએ કહ્યું કે UPIનો નહીં પણ વધારાના MDR સામે વિરોધ

વિવિધ ઠેકાણે QR કોડ પર કાળું કપડું ઢાંકીને કૅશમાં વહેવાર કરવામાં આવ્યો હતો

વિવિધ ઠેકાણે QR કોડ પર કાળું કપડું ઢાંકીને કૅશમાં વહેવાર કરવામાં આવ્યો હતો


ગઈ કાલે મુંબઈ અને દેશભરનાં અનેક વેપારી સંગઠનોએ કેન્દ્ર સરકાર દ્વારા UPI વ્યવહારો પર પ્રસ્તાવિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના વિરોધમાં ‘નો UPI ડે’ની પ્રતીકાત્મક ઉજવણી કરી હતી. જોકે આ મુદ્દે વેપારી સંગઠનોમાં મતભેદ પણ જોવા મળ્યા હતા. ઑલ ઇન્ડિયા મોબાઇલ રીટેલર્સ અસોસિએશન (AIMRA), કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન (AICPDF) સહિત કેટલીક મોટી સંસ્થાઓએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથેની બેઠક બાદ સરકાર તરફથી આશ્વાસન મળતાં તેમનો વિરોધ પાછો ખેંચ્યો હતો. બીજી તરફ ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (FRTWA)ના પ્રમુખ વીરેન શાહના જણાવ્યા મુજબ મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય વિસ્તારોનાં અનેક વેપારી સંગઠનોએ પ્રતીકાત્મક રીતે ‘નો UPI ડે’માં ભાગ લીધો હતો. કેટલાક સ્થળે વેપારીઓએ QR કોડ અને UPI સાઉન્ડબૉક્સ પર કાળાં કપડાં ઢાંકીને વિરોધ નોંધાવ્યો હતો.

આ સંદર્ભની માહિતી આપતાં વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓનો મુખ્ય વિરોધ UPI સામે નહીં, પ્રસ્તાવિત MDR સામે છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ ૧૫ ઑક્ટોબરથી ચોક્કસ પ્રકારના ૨૦૦૦ રૂપિયાથી વધુના મર્ચન્ટ UPI વ્યવહારો પર ૦.૪  ટકા MDR લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ચાર્જ વેપારી તરફથી ચૂકવવાનો રહેશે. દર વ્યવહારદીઠ મહત્તમ ચાર્જ ૩૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે જેની સામે વેપારીઓનું માનવું છે કે આ ચાર્જથી નાના વેપારીઓ અને રીટેલરોના નફાનું માર્જિન મર્યાદિત હોવાથી અને આવા વધારાના ખર્ચની અસર તેમના વ્યવસાય પર પડી શકે છે.’



ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM)ના પ્રમુખ જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MDR લાગુ કરવામાં આવશે તો એનો વધારાનો ખર્ચ વેપારીઓ પર પડશે અને લાંબા ગાળે એનો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે. આથી અમે UPIને MDRથી મુક્ત રાખવાની માગણી કરી હતી. ગઈ કાલના ‘નો UPI ડે’માં વિવિધ રાજ્યોમાં આશરે ૯૦ ટકા વેપારીઓએ UPI પેમેન્ટ સ્વીકાર્યું નહોતું. વિરોધના ભાગરૂપે કેટલાક વેપારીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી હતી, જ્યારે QR કોડ અને UPI મશીનોને કાળાં કપડાંથી ઢાંકીને ગ્રાહકોને રોકડમાં પેમેન્ટ કરવા વિનંતી કરવામાં આવી હતી. વિવિધ વેપારી સંગઠનોએ સ્થાનિક સંસદસભ્યો, વિધાનસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓને આવેદનપત્રો આપી પ્રસ્તાવિત MDR પાછો ખેંચવાની માગણી પણ કરી હતી.’ 


૨૭૦૦ રૂપિયાનું વેચાણ છોડ્યું પણ સમાધાન ન કર્યું : હરેન મહેતા

ઘાટકોપરમાં ડેકોરેટિવ આઇટમનો વેપાર કરતા અને ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ્સ ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી હરેન મહેતાએ ગઈ કાલે ‘નો UPI ડે’ના આહ્‌વાનનો બિઝનેસ છોડીને કડક અમલ કર્યો હતો.


આ બાબતની માહિતી આપતાં હરેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે એક ગ્રાહકે આવીને ૨૭૦૦ રૂપિયાનો માલ પસંદ કર્યો હતો. ગ્રાહક પાસે કૅશ ન હોવાથી તેમણે UPI મારફત પેમેન્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ અમે ગઈ કાલે ‘નો UPI ડે’ની જાહેરાત કરી હોવાથી મારા માટે UPI પેમેન્ટ સ્વીકારવું શક્ય નહોતું. આથી સૈદ્ધાંતિક રીતે અમારા સંગઠનની જાહેરાતની પ્રતિબદ્ધતા જાળવવા તેનું કૅશ પેમેન્ટ લેવાનો મેં ઇનકાર કર્યો હતો અને પરિણામે ગ્રાહક માલ લીધા વિના જ જતો રહ્યો હતો. એક સંસ્થાના હોદ્દેદાર તરીકે અને વેપારી એકતા જ અમારી મોટી શક્તિ છે એ સિદ્ધાંતને પ્રામાણિકપણે અનુસરીને મેં ૨૭૦૦ રૂપિયાનું વેચાણ છોડી દીધું હતું. આ કોઈ અન્ય વેપારીને સમજાવવાનો પ્રયાસ નથી, પરંતુ મારો વ્યક્તિગત અનુભવ છે. મારા મતે કોઈ પણ આંદોલન ત્યારે જ મજબૂત બને છે જ્યારે એમાં ભાગ લેનાર વ્યક્તિ પોતે પણ એની જવાબદારી સ્વીકારે.’

દેશભરનાં ૩૦૦થી વધુ સંગઠનોનું સમર્થન

‘નો UPI ડે’માં મુંબઈ-મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને અન્ય રાજ્યોનાં વિવિધ વેપારી સંગઠનોએ આ અભિયાનને સમર્થન આપ્યું હતું. દેશભરનાં ૩૦૦થી વધુ ફેડરેશન્સ અને અસોસિએશન્સ તથા લાખો વેપારીઓએ ‘નો UPI ડે’ને સમર્થન આપ્યું હતું; જેમાં ગાર્મેન્ટ, મોબાઇલ, જ્વેલરી, કરિયાણા, એડિબલ ઑઇલ, ઑટોમોબાઇલ, હોલસેલ માર્કેટ સહિત વિવિધ ક્ષેત્રનાં સંગઠનોનો સમાવેશ થાય છે.

સરકાર ૧૫ ઑક્ટોબર સુધી નિર્ણય નહીં લે તો બ્લૅક દિવાળી

વીરેન શાહે વધુમાં જણાવ્યું હતું કે ‘જો પ્રસ્તાવિત UPI ચાર્જ ૧૫ ઑક્ટોબર સુધી પાછો ખેંચવામાં નહીં આવે તો વેપારીઓ આગામી દિવાળીને ‘બ્લૅક દિવાળી’ તરીકે મનાવવાનો વિચાર કરી શકે છે. આજના વિરોધ પછી વેપારી સમુદાયની ચિંતાઓને સરકાર ગંભીરતાથી લે અને વધારાનો નાણાકીય બોજ દૂર કરે.’

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK