Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીએ કૅપ્ટન સ્મિત મચ્છરને કર્યો વિડિયો-કૉલ

નરેન્દ્ર મોદીએ કૅપ્ટન સ્મિત મચ્છરને કર્યો વિડિયો-કૉલ

Published : 03 October, 2026 08:41 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમે એટલું મોટું કામ કર્યું છે કે આજે દરેક દેશવાસી જ નહીં, દુનિયાના લોકો પણ તમને જોવા અને તમારી સાથે વાત કરવા માટે ખૂબ આતુર છે : કૅપ્ટન સ્મિત મચ્છરે વડા પ્રધાનને કહ્યું કે તમે મારા સૌથી મોટા આદર્શ છો, તમારો ફોન આવ્યો એ વાતનો મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે

અબુધાબીની હૉસ્પિટલમાંથી નરેન્દ્ર મોદી સાથે વાત કરતો કૅપ્ટન સ્મિત મચ્છર

અબુધાબીની હૉસ્પિટલમાંથી નરેન્દ્ર મોદી સાથે વાત કરતો કૅપ્ટન સ્મિત મચ્છર


નરેન્દ્ર મોદીએ કરેલા વિડિયો-કૉલમાં કૅપ્ટન સ્મિત મચ્છરે કહ્યું... કોઈ મુશ્કેલી આવે ત્યારે હું હનુમાનચાલીસાનું પઠન કરું છું... અને મારા પર અટૅક થયો ત્યારે પણ હું માત્ર હનુમાનચાલીસા બોલી રહ્યો હતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિડિયો-કૉલ મારફતે ફ્લાયદુબઈના જાંબાઝ ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર સાથે વાતચીત કરીને તેમની બહાદુરી અને સમયસૂચકતાને બિરદાવી હતી. ઇઝરાયલ જતી ફ્લાઇટને ક્રૅશ કરવાના કો-પાઇલટના પ્રયાસને નિષ્ફળ બનાવનારા કૅપ્ટન સ્મિત મચ્છરે વડા પ્રધાનને જણાવ્યું હતું કે હું સંકટના સમયે હંમેશાં હનુમાનચાલીસાનું પઠન કરું છું અને ફ્લાઇટની તણાવપૂર્ણ પળોમાં પણ હનુમાનચાલીસાનો જ પાઠ કરી રહ્યો હતો.



વાતચીત દરમિયાન ભાવુક થયેલા કૅપ્ટન સ્મિત મચ્છરે વડા પ્રધાન મોદીને પોતાના સૌથી મોટા આદર્શ ગણાવીને આ વાતચીતને ગૌરવપૂર્ણ ગણાવી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે સમગ્ર દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે. તેમણે પાઇલટનાં માતા-પિતા ગીતાબહેન અને ભૂપેન્દ્રભાઈને બિરદાવ્યાં હતાં અને કહ્યું હતું કે તેમણે પુત્રનું ભગવદ્ગીતાના સંસ્કારોથી ઘડતર કર્યું છે. નરેન્દ્ર મોદીએ કૅપ્ટન સ્મિત મચ્છરનાં પત્ની સોનલને પણ હિંમતવાળાં ગણાવ્યાં હતાં.


પ્રસ્તુત છે નરેન્દ્ર મોદી અને કૅપ્ટન સ્મિત મચ્છર વચ્ચેનો સંવાદ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી : સ્મિત, નમસ્તે.


સ્મિત મચ્છર : નમસ્તે સર.

નરેન્દ્ર મોદી : કેમ છો અત્યારે? તબિયત કેવી છે?

સ્મિત : બધું ઠીક છે સર, બધું ઠીક છે.

નરેન્દ્ર મોદી : જુઓ, આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. મહામૃત્યુંજય મંત્રના જાપ થઈ રહ્યા છે. તમારી હિંમત, ધૈર્ય અને સૂઝબૂઝથી તમે ક્ષણભરમાં નિર્ણય લઈને તમારી અને આટલા બધા લોકોની જિંદગી બચાવી છે. આજે આખો દેશ ગર્વથી કહી શકે છે કે આપણે હિન્દુસ્તાની જીવ લેવાવાળા લોકો નથી પરંતુ જીવ બચાવવાવાળા લોકો છીએ. તમારા શરીર પર આટલો મોટો ઘા થયો, તમે પોતે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા છતાં એ સમયે પણ તમે પોતાના જીવનની પરવા ન કરીને તમામ મુસાફરોના જીવનની પરવા કરી.

સ્મિત : જી, જી.

નરેન્દ્ર મોદી : અને સૌથી મોટી વાત એ છે કે તમે ૧૪૦ કરોડ દેશવાસીઓનું માન વધાર્યું છે અને એ માટે હું ખૂબ દિલથી ગર્વ અનુભવું છું... સ્મિત, હું આપની પાસેથી સાંભળવા માગું છું.

સ્મિત : સર, હું શરૂઆતથી જ કહેતો હતો કે તમે મારા સૌથી મોટા આદર્શ છો. મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે સર. એ ક્ષણે હું મારા જીવન માટે લડી રહ્યો હતો, પરંતુ એક એવો સમય આવ્યો કે જો મેં કંઈ ન કર્યું હોત... (ભાવુક થઈ જાય છે) હું પડી ગયો હતો, મને ઘણા ઘા લાગ્યા હતા અને હું નીચે ફસાઈ ગયો હતો. એ સમયે મેં વિચાર્યું કે હું ૧૭ વર્ષથી ફ્લાઇટ ઉડાવી રહ્યો છું અને છેલ્લાં ૧૧ વર્ષથી કૅપ્ટન છું, મને એટલી તો ખબર પડે છે કે આંખો બંધ કરીને પણ ફ્લાઇટમાં શું થઈ રહ્યું છે. હું જ્યારે નીચે પડેલો હતો ત્યારે મને અહેસાસ થઈ રહ્યો હતો કે ઍરક્રાફ્ટ નીચે જઈ રહ્યું છે. મને બિલકુલ ખબર હતી કે કદાચ આ છેલ્લી ક્ષણ છે... જોકે... મને એટલી ખબર હતી કે હું એ બધાને મરવા નહીં દઉં. એ પછી લોકોએ મને ખૂબ સારી રીતે સંભાળ્યો. જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું હનુમાનચાલીસાનો પાઠ કરું છું અને એ સમયે પણ હું માત્ર હનુમાન ચાલીસા જ બોલી રહ્યો હતો. મને ખબર છે કે ભગવાને જ મને બચાવ્યો છે. તમારો એક ફોન આવ્યો એ વાતનો મને ખૂબ-ખૂબ ગર્વ થઈ રહ્યો છે. સૉરી સર, હું તમારી સામે રડી રહ્યો છું.

નરેન્દ્ર મોદી : સ્મિત, જો મારી સામે તમે ભાવુક નહીં થાઓ તો ક્યાં થશો?

સ્મિત : સર, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી તમારી સાથે વાત થશે. ક્યારેય નહોતું વિચાર્યું.

નરેન્દ્ર મોદી : તમે એટલું મોટું કામ કર્યું છે કે આજે દરેક દેશવાસી જ નહીં, દુનિયાના લોકો પણ તમને જોવા અને તમારી સાથે વાત કરવા માટે ખૂબ આતુર છે. તમે હનુમાનચાલીસાની જે વાત કરી છે એના માટે હું ગીતાબહેનને પ્રણામ કરીશ કે તેમણે તમને આવા સંસ્કાર આપ્યા. ભૂપેન્દ્રભાઈને પણ પ્રણામ કરીશ. હું તમને એક વાત કહું સ્મિત. ગઈ કાલે મારી સોનલબહેન સાથે વાત થઈ ત્યારે હું આશ્ચર્યચકિત હતો કે આટલી સ્વસ્થતા અને આટલી હિંમતથી તેઓ વાત કરી રહ્યાં હતાં. આવી પરિસ્થિતિમાં સોનલબહેન આટલી સ્વસ્થતાથી વાત કરી શકશે એવી મેં ખરેખર કલ્પના નહોતી કરી. એટલે હું સમજું છું કે તમે એક પરિવાર તરીકે ખરેખર આખા દેશનું નામ રોશન કર્યું છે.

સ્મિત : સર, હું રોજ સવારે પૂજા કરું છું. મારો બે વર્ષનો દીકરો છે. તેને હું ખોળામાં બેસાડીને રોજ હનુમાનચાલીસાનો પાઠ સંભળાવું છું, કારણ કે આજે પણ લોકો દેશથી દૂર છે પરંતુ આપણી સંસ્કૃતિથી દૂર નથી.

નરેન્દ્ર મોદી : સાચી વાત છે.

સ્મિત : અત્યારે તો અહીં પણ એવું નથી લાગતું કે અમે દેશથી દૂર છીએ. અહીંના લોકો અમને ખૂબ પ્રેમથી અને ખૂબ ધ્યાનથી રાખી રહ્યા છે.

નરેન્દ્ર મોદી : તમને કદાચ ખબર નહીં હોય; પરંતુ સાવરકુંડલામાં, વઢવાણમાં અને સમગ્ર હિન્દુસ્તાનમાં લોકોએ એક ભાવુક વાતાવરણ બનાવી દીધું છે. ગઈ કાલે તમામ મંદિરોમાં પૂજા, પ્રાર્થના અને આરતી થઈ. તમામ તીર્થક્ષેત્રોમાં આરતી થઈ. બધા તમારા દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે એટલે તમે જલદી સ્વસ્થ થવાના જ છો. ભારત તમારું સ્વાગત કરવા માટે ખૂબ આતુર છે. તમારા શરીરમાં જે તકલીફ છે એ હું સમજી શકું છું. તમે વીર છો.

સ્મિત : સર, હું એ ઘાને ઘાની જેમ નથી વિચારતો. પછી એ વધુ મુશ્કેલ બની જાય. હું એને એક યાત્રા તરીકે વિચારું છું, જે ધીમે-ધીમે આગળ વધવાની છે. એમાં સમય લાગશે, પરંતુ મને

ખૂબ- ખૂબ વિશ્વાસ છે કે હું સંપૂર્ણ રીતે સાજો થઈ જઈશ.

નરેન્દ્ર મોદી : હું સાઉદી સરકારનો અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સરકારનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે તમારી ખૂબ કાળજી લીધી. હું તેમનો પણ આભારી છું.

સ્મિત, તમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે હું ફોન પર ઉપલબ્ધ છું, પરંતુ તમે ખરેખર જે કરી બતાવ્યું છે એ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પણ જોવા મળ્યું. લોકોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કહ્યું કે જો આવું ન થયું હોત તો ખબર નહીં હિન્દુસ્તાન પર શું વીત્યું હોત? ભારતના પાઇલટો પર શું વીત્યું હોત? ભારતીય પાઇલટોને કઈ રીતે જોવામાં આવ્યા હોત? તમે બધાને બચાવી લીધા એટલે તમે ખૂબ મોટું કામ કર્યું છે.

સ્મિત : થૅન્ક્સ સર.

નરેન્દ્ર મોદી : જ્યારે મળીશ ત્યારે અંદરની વાતો પછી સાંભળીશ, કારણ કે હું મોબાઇલ પર તમારી સાથે આવી બધી વાતો કરવા માગતો નથી. તમે પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાઓ. આખો દેશ તમારી સાથે છે.

સ્મિત : થૅન્ક્સ સર.

નરેન્દ્ર મોદી : હું તમને વધારે પરેશાન કરવા નથી માગતો. મારા તરફથી ખૂબ શુભકામનાઓ. આજે ગાંધી જયંતી છે. અહિંસા શું હોય છે એ તમે જીવીને બતાવ્યું છે.

સ્મિત : થૅન્ક યુ સર.

નરેન્દ્ર મોદી : ચાલો, જય શ્રીકૃષ્ણ. થોડી ગુજરાતીમાં પણ વાત કરી લઈએ.

સ્મિત : જય શ્રીકૃષ્ણ સર.

નરેન્દ્ર મોદી : બૉબી અને જીવા ગુજરાતી બોલે છે કે નથી બોલતાં?

સ્મિત : બોલે છે સર.

નરેન્દ્ર મોદી : જોરદાર ગુજરાતી બોલે છે?

સ્મિત : પહેલાં ગુજરાતી શીખવાડ્યું છે, પછી જ અંગ્રેજી શીખવાડ્યું.

નરેન્દ્ર મોદી : બાળકોને મળવાનું થઈ ગયું? ડૉક્ટરોએ મળવા માટે મંજૂરી આપી?

સ્મિત : મારી મોટી દીકરી આવી હતી, પરંતુ તે આ બધું જોઈને ડરી ગઈ.

નરેન્દ્ર મોદી : અચ્છા, અચ્છા.

સ્મિત : તે મારી ખૂબ નજીક છે અને મારો નાનો દીકરો બે વર્ષનો છે. તેને મળવાની મંજૂરી નથી આપી.

નરેન્દ્ર મોદી : હા, હમણાં તો

સાચવવું જોઈએ. સોનલબહેન ખૂબ જ હિંમતવાળાં છે.

સ્મિત : યસ સર.

નરેન્દ્ર મોદી : એટલી સ્વસ્થતાથી મારી સાથે વાત કરી. નહીં તો મેં અનુભવ્યું છે કે આવી પરિસ્થિતિમાં કોઈ વાત પણ ન કરી શકે અને ફરિયાદનું તો નામોનિશાન પણ નહીં.

ભૂપેન્દ્રભાઈ અને ગીતાબહેન સાથે ગઈ કાલે તેઓ મુંબઈ ઍરપોર્ટ પર હતાં ત્યારે વાત કરી. ત્યારે પણ ફરિયાદનું એક પણ નામોનિશાન નહોતું. બસ, તેમની એક જ વાત હતી - ભગવાન સારું જ કરશે.

સ્મિત : બસ સર. તેઓ ગમે તે પરિસ્થિતિમાં પણ એ જ વાતમાં રહે છે સર.

નરેન્દ્ર મોદી : ચાલો, જય શ્રીકૃષ્ણ. ખૂબ જલદી સાજા થાઓ અને આપણે મળીએ છીએ.

સ્મિત : યસ સર.

નરેન્દ્ર મોદી : ગૉડ બ્લેસ યુ. જય હિન્દ.

સ્મિત : જય હિન્દ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન અમારા માટે ગર્વની ક્ષણ : સોનલ મચ્છર

અબુ ધાબીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વાતચીત કર્યા બાદ સ્મિતની પત્ની સોનલ મચ્છરે ખુશી વ્યક્ત કરી હતી. સોનલે કહ્યું હતું કે ‘સ્મિતની બહાદુરી પર પરિવારને અત્યંત ગર્વ છે. વડા પ્રધાનનો ફોન અમારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. કયા દેશના વડા પ્રધાન એક સામાન્ય નાગરિક માટે આવું કરે? મોદીજીએ એ કરી બતાવ્યું એ માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ.’

હુમલાના સમાચારથી પોતે ભાંગી પડી હોવાનું જણાવતાં સોનલે કહ્યું હતું કે ‘ગુરુવારે સ્મિતને મળ્યા બાદ મને રાહત થઈ છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ડૉક્ટરો અને મિલિટરી ડૉક્ટરોની દેખરેખ હેઠળ સ્મિતની તબિયત સારી છે. જોકે ઘટનાના ફ્લૅશબૅક ન આવે તેથી પરિવારે હજી તેને કંઈ પૂછ્યું નથી અને સ્વસ્થ થયા બાદ સ્મિત પોતે જ સૌને જણાવશે.’

દેશવાસીઓની પ્રાર્થનાઓથી ભાવુક થયેલી સોનલે કહ્યું હતું કે ‘આભાર માનવા મારી પાસે શબ્દો નથી. ભગવાનની કૃપાથી સ્મિત તથા પ્રવાસીઓ સુરક્ષિત છે.’ 

પ્લેનમાં ૬ વર્ષની બાળકી અને તેની મમ્મીની બૂમોથી ૧૭૪ પ્રવાસીઓના જીવ બચ્યા

ટૉઇલેટ પાસે ગયેલાં માતા-પુત્રીએ કૉકપિટમાં લોહી અને ઝપાઝપી જોઈને બૂમાબૂમ કરી એટલે પ્રવાસીઓ મદદે દોડ્યા દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટ 1073માં ૬ વર્ષની બાળકી નીના માનેસ અને તેની મમ્મી તાલીએ સમયસર બૂમાબૂમ કરીને ૧૭૪ પ્રવાસીઓને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિમાનને ક્રૅશ કરવાના ઇરાદે ઓમાની કો-પાઇલટે ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો ત્યારે આ માતા-પુત્રીએ જ સૌપ્રથમ પ્રવાસીઓને સાવધ કર્યા હતા.

નીનાએ તેની મમ્મીને આગળના ટૉઇલેટમાં લઈ જવા કહ્યું હતું. તેઓ ટૉઇલેટની બહાર ઊભાં હતાં ત્યારે કૉકપિટમાંથી હિંસક ઝપાઝપી અને ચીસાચીસ સંભળાઈ હતી. બાળકીએ કૉકપિટમાં ચારે તરફ લોહી અને મારામારી જોઈને બૂમો પાડી હતી. પુત્રીની ચીસો સાંભળતાં જ નીનાના પપ્પા અન્ય બે પ્રવાસીઓ સાથે આગળ ધસી ગયા હતા. ઘાયલ કૅપ્ટન સ્મિત મચ્છરે કૉકપિટનો દરવાજો ખોલતાં પ્રવાસીઓએ અંદર ધસીને હુમલાખોરને દબોચી લીધો હતો અને હજારો ફુટ નીચે પટકાયેલા વિમાનને સ્થિર કર્યું હતું.  

ફાર્મા-કંપની એક કરોડ રૂપિયાથી નવાજશે જાંબાઝ કૅપ્ટન સ્મિત મચ્છરને

૧૭૪ પ્રવાસીઓનો જીવ બચાવનારા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવતાં અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મૅનકાઇન્ડ ફાર્માએ એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરીને કંપનીએ જણાવ્યું હતું કે ‘કૅપ્ટન સ્મિત મચ્છરે પોતાના જીવની પરવા કર્યા વગર કૅબિન-ક્રૂની અને પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી. આ જ સાચી લીડરશિપ છે. આભાર વ્યક્ત કરવાના પ્રયાસરૂપે મૅનકાઇન્ડ ફાર્મા તેમને અને તેમના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ આપશે.’ આ જાહેરાત સાથે કંપનીના વાઇસ-ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર (MD) રાજીવ જુનેજાનો એક પત્ર પણ શૅર કરવામાં આવ્યો હતો, જેમાં કૅપ્ટનની વીરતાની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 08:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK