‘સત્યાચા મોરચા’માં ચોરાયેલી સોનાની ચેઇન કુરિયરથી MNSની ઑફિસમાં પાછી આવી ગઈ : ખભે હાથ મૂકીને પાછળ ઊભેલા ચોરનો વિડિયો MNSના કાર્યકરે વાઇરલ કર્યો તો ચોરે નામ વગરનું કુરિયર મોકલીને ત્રણ લાખ રૂપિયાની અમાનત પાછી મોકલી દીધી
પ્રતીકાત્મક તસવીર
થોડા દિવસ પહેલાં મુંબઈમાં વિરોધ પક્ષોએ કાઢેલા ‘સત્યાચા મોરચા’ની રૅલીમાં સોનાની ચેઇન લૂંટતા એક ગઠિયાનો વિડિયો વાઇરલ થયો હતો. આ વાઇરલ વિડિયોને લીધે ચોરે ૩.૦૬ લાખ રૂપિયાની ચોરેલી ચેઇન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની થાણેની ઑફિસમાં કુરિયર કરીને પાછી મોકલી દીધી હતી. ચેઇન પાછી મળતાં ચેઇન ગુમાવનાર રૂપેશ સાબળેને હાશકારો થયો હતો. રૅલી દરમ્યાન થાણેનો MNSનો કાર્યકર રૂપેશ સાબળે રાજ ઠાકરેનો વિડિયો લેતો હતો ત્યારે ભૂલથી તેના મોબાઇલમાં સેલ્ફી મોડ ઑન થઈ ગયો હતો. ઘરે જઈને તેને ખ્યાલ આવ્યો કે તેના ગળામાં પહેરેલી ચેઇન ગાયબ થઈ ગઈ છે એટલું જ નહીં, તેણે રેકૉર્ડ કરેલા વિડિયો જોતાં ખબર પડી કે એક માણસ તેની પાછળ ખભા પર હાથ રાખીને ઊભો હતો તેણે જ ચેઇન ચોરી હોય એવી શક્યતા દેખાતી હતી. રૂપેશે આ વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. એ પછી સોમવારે MNSની થાણેની ઑફિસમાં સેન્ડરની ઓળખ વગર એક કુરિયર મળ્યું હતું જેમાં તૂટેલી ચેઇન પાછી મોકલવામાં આવી હતી.


