ટીનેજરની મમ્મીએ ૧૮ માર્ચે વિરાર પોલીસમાં સાંજે ૬ વાગ્યે ફરિયાદ કરી કે તેની ૧૪ વર્ષની દીકરી સવારે ૭ વાગ્યે સ્કૂલમાં ગઈ હતી, પણ એ પછી ઘરે પાછી ફરી નથી
પ્રતીકાત્મક તસવીર
વિરારમાં રહેતી માત્ર ૧૪ વર્ષની ટીનેજરનું ૧૮ માર્ચે અપહરણ કરીને આરોપીઓ ટ્રેનમાં તેને રાજસ્થાન લઈ જતા હતા. જોકે તેની મમ્મીએ વિરાર પોલીસમાં આ બાબતે ફરિયાદ કરતાં પોલીસે ઝડપી તપાસ કરીને તેને ફરિયાદ નોંધાયાના ૩ કલાકમાં જ અમદાવાદથી બચાવી લીધી હતી.
ટીનેજરની મમ્મીએ ૧૮ માર્ચે વિરાર પોલીસમાં સાંજે ૬ વાગ્યે ફરિયાદ કરી કે તેની ૧૪ વર્ષની દીકરી સવારે ૭ વાગ્યે સ્કૂલમાં ગઈ હતી, પણ એ પછી ઘરે પાછી ફરી નથી. એથી પહેલાં તેમણે પોતાની રીતે તપાસ કરી હતી. જોકે ત્યાર બાદ ટીનેજરના કાકાને મોબાઇલ પર કોઈ અજાણ્યા નંબર પરથી ‘હેલ્પ’ અને ‘કિડનૅપ’ એમ બે મેસેજ આવ્યા હતા. એથી તેઓ ગભરાઈ ગયા હતા. પોલીસે કેસની ગંભીરતા જોઈને સગીરાના કાકાને એ મેસેજ કયા મોબાઇલ નંબર પરથી મોકલવામાં આવ્યા એ ટ્રેસ કર્યું હતું. એમાં મેસેજ જે નંબર પરથી આવ્યો હતો તે વ્યક્તિ મુંબઈથી જોધપુર જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહી હોવાનું જણાઈ આવ્યું હતું. એ ટ્રેન ત્યારે સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી. એથી તરત જ ભરૂચ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), વડોદરા RPF અને અમદાવાદ RPFને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ RPFએ રાતના ૮.૩૦ વાગ્યે અમદાવાદ સ્ટેશન પર ટ્રેન આવી ત્યારે ટીનેજરને ટ્રેનમાંથી શોધીને સુરક્ષિત બચાવી લીધી હતી અને એ વિશે વિરાર પોલીસને જાણ કરી હતી. આમ પોલીસે કરેલી ઝડપી કાર્યવાહીને કારણે ટીનેજર મળી ગઈ હતી.

