એની સાથે-સાથે જવાબદારીનો ભાર પણ વધ્યો છે અને એ જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડવામાં અમે કોઈ કચાશ બાકી રાખીશું નહીં.
રમણીકલાલ જાદવજી છેડા
મુંબઈ શહેરમાં અનાજ-કરિયાણાના રીટેલ વેપારીઓની ૧૧૨ વર્ષ જૂની સંસ્થા ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખપદે સતત પાંચમી ટર્મમાં રમણીકલાલ જાદવજી છેડાની બિનહરીફ વરણી થઈ છે. તેમની પૅનલના બધા જ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
આ બાબતે રમણીકભાઈએ કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૫ વર્ષથી હું સંસ્થાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું. આ સમય દરમ્યાન સંસ્થાને પ્રગતિના પંથે આગળ ધપાવવા મેં અને મારા સહકાર્યકર્તાઓએ ભરચક મહેનત કરી છે અને તેથી જ સંસ્થાના મેમ્બરોનો વિશ્વાસ અમે સંપાદન કરી શક્યા છીએ. આગળનાં ત્રણ વર્ષ માટે પણ સંસ્થાના હિતનાં કાર્યોનો રોડમૅપ અમારી પાસે તૈયાર છે. સંસ્થા અને સંસ્થાના સભ્યોના વિકાસ માટે અમે હંમેશાં પ્રયત્નશીલ રહીશું. સતત પાંચમી વખત ચૂંટાઈ આવવું એ આનંદ અને ગર્વની બાબત છે. એની સાથે-સાથે જવાબદારીનો ભાર પણ વધ્યો છે અને એ જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડવામાં અમે કોઈ કચાશ બાકી રાખીશું નહીં.’

