મોટા ભાગના લોકો દંડના ડરથી હેલ્મેટ તો પહેરે છે, પણ બેલ્ટ બાંધતા ન હોવાથી મુશ્કેલીમાં મુકાતા હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસ હવે આવા લોકોને દંડ કરશે
પ્રતીકાત્મક તસવીર
ટૂ-વ્હીલર પર પ્રવાસ કરતા લોકો પોલીસના દંડના ડરથી હેલ્મેટ પહેરે છે, પણ હેલ્મેટ પહેરી હોવા છતાં ૨૦૨૫ના નવા ટ્રાફિક નિયમ મુજબ પોલીસ ચલાન કાપી શકે છે. ટ્રાફિક-પોલીસના નવા નિયમમાં હેલ્મેટ પહેરી હોય, પણ હેલ્મેટનો બેલ્ટ વ્યવસ્થિત રીતે બાંધ્યો નહીં હોય તો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રાફિક-પોલીસના જણાવ્યા મુજબ ટૂ-વ્હીલર પર પ્રવાસ કરતા લોકો હેલ્મેટ તો પહેરે છે, પણ અનેક લોકો માથા પર હેલ્મેટ મૂકી દે છે. અકસ્માત થાય છે ત્યારે હેલ્મેટ માથા પરથી નીકળી જઈને ફંગોળાઈ જાય છે. આથી હેલ્મેટ પહેરવાનો કોઈ અર્થ નથી રહેતો અને પ્રવાસીને માથામાં ઈજા થાય છે. હેલ્મેટ પહેરવાની સાથે માથાની સલામતી માટે બેલ્ટને યોગ્ય રીતે બાંધવો પણ જરૂરી છે. આથી નવા ટ્રાફિકના નિયમમાં બ્રૅન્ડેડ હેલ્મેટ પહેરી હશે, પણ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

