આ ઘટનાને પગલે ૧૪ ડમ્પરની તોડફોડ કરનારાઓ સામે પોલીસે નોંધ્યો રમખાણનો કેસ
ભોગ બનેલી મહિલા
થાણેના સી. પી. તળાવ પાસે આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે કચરો છૂટો પાડી રહેલી મહિલાને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કામ કરી રહેલા JCBએ અડફેટમાં લેતાં મહિલાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે JCBના ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો હતો. સોમવારે બનેલી ઘટના બાદ ઉશ્કેરાયેલા ૮ જણે JCB અને ડમ્પર પર પથ્થરમારો કરીને એની તોડફોડ કરી હતી. આ તોડફોડમાં ૧૪ ડમ્પરને નુકસાન થયું હતું. તોડફોડની ઘટના સંદર્ભે પોલીસે પથ્થરમારો કરનારાઓ સામે રમખાણનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાના દિવસે ડમ્પિંગ ગ્રાઉન્ડ પર અંદાજે ૫૦ જેટલી મહિલાઓ કચરો છૂટો પાડી રહી હતી. રાજશ્રી યાદવ તેઓમાંની એક હતી. એ વખતે JCB ચલાવી રહેલા મોહમ્મદ સનાઉલ્લાહ ફારુખને લીધે રાજશ્રીને JCBનો ફટકો લાગતાં એ જમીન પર પટકાઈ હતી. જોકે મોહમ્મદ સનાઉલ્લાહને એની જાણ ન થતાં તેણે કચરો ઉપાડીને ડમ્પરમાં નાખવાની સાથોસાથ રાજશ્રીને પણ કચરા સાથે ઉપાડીને ડમ્પરમાં ઠાલવી દેતાં રાજશ્રીનું મોત થયું હતું. આ ઘટનાને કારણે ભડકેલા લોકોએ JCB અને ડમ્પર પર પથ્થરમારો કરી વિરોધ દર્શાવ્યો હતો.

