કાર્યવાહીમાં વિલંબ થતાં મહિલાને ૪૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, જ્યારે પોલીસ માત્ર બે લાખ રૂપિયા રિકવર કરી શકી છે.
પ્રતીકાત્મક તસવીર
સાઇબર ફ્રૉડની ફરિયાદો વધતી જાય છે ત્યારે આવા કેસો વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી મુંબઈ પોલીસે બૉમ્બે હાઈ કોર્ટને આપી છે તેમ જ આ બાબતે તમામ પોલીસ અધિકારીઓ સંવેદનશીલ બનશે અને ફરિયાદ નોંધાતાં જ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) લખવામાં તથા આગળની કાર્યવાહી કરવામાં ચપળતા દાખવશે એવી બાંયધરી પણ મુંબઈ પોલીસે આપી હતી.
મુંબઈની એક મહિલાએ હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે ‘હું સાઇબર ફ્રૉડનો ભોગ બની હતી જેની ફરિયાદ મેં સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં કરી હતી, પરંતુ પોલીસે આ બાબતે FIR સુધ્ધાં નોંધ્યો નહોતો તેમ જ સાઇબર ફ્રૉડના કેસ માટે તેમની પાસે યોગ્ય અને પૂરતો સ્ટાફ ન હોવાનું બહાનું પણ આગળ ધર્યું હતું.’
કાર્યવાહીમાં વિલંબ થતાં મહિલાને ૪૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, જ્યારે પોલીસ માત્ર બે લાખ રૂપિયા રિકવર કરી શકી છે. બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ નીલ ગોખલેની ખંડપીઠે કહ્યું હતું કે સાઇબર ફ્રૉડના કેસ સતત વધી રહ્યા છે, ખાસ કરીને સિનિયર સિટિઝનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કેસના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સાઇબરના ઍડિશનલ ડિરેક્ટર જનરલ મહારાષ્ટ્ર સાઇબર સિક્યૉરિટી કૉર્પોરેશનની રચના બાબતે ૨૨ એપ્રિલે હાઈ કોર્ટને નિવેદન આપશે.

