પૉન્ઝી સ્કીમ દ્વારા સેંકડો નિર્દોષ રોકાણકારોને ફસાવવાનું કામ ટોરેસ જેવી લેભાગુ કંપનીઓ કરતી હોય છે
તસવીર- આશિષ રાજે
વરલીની બીડીડી ચાલમાં આવેલા વીર નેતાજી ક્રીડા મંડળ દ્વારા આજે હોળી નિમિત્તે ટોરેસ કૌભાંડનું પૂતળું બાળવામાં આવશે. મંડળનું કહેવું છે કે લોકોના કરોડો રૂપિયા લઈને ભાગી ગયેલા આ રાક્ષસના પૂતળાને આજે બાળીને લોકોને અમે સંદેશ આપવા માગીએ છીએ કે કોઈએ પણ લોભામણી જાહેરાત કે વાતોમાં આવીને પોતાની મહેનતની કમાઈ દાવ પર ન લગાવવી જોઈએ.
પૉન્ઝી સ્કીમ દ્વારા સેંકડો નિર્દોષ રોકાણકારોને ફસાવવાનું કામ ટોરેસ જેવી લેભાગુ કંપનીઓ કરતી હોય છે. ટોરેસ કૌભાંડની તપાસ કરી રહેલી પોલીસે અત્યાર સુધીમાં ૭ જણની ધરપકડ કરી છે. પોલીસને ૧૬,૭૮૬ રોકાણકારોએ અઢી હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં ૪૯ કરોડ રૂપિયાની માલમતા હસ્તગત કરી છે જે કોર્ટના નિર્દેશ અનુસાર રોકાણકારોને આપવામાં આવશે.

