વસઈ રોડ સ્ટેશન પર બે ટ્રેન વચ્ચેની રેલિંગમાં લપસ્યો યુવક
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં જીવલેણ શૉર્ટકટ લેતો યુવાન
વસઈ રોડ રેલવે-સ્ટેશન પર એક યુવક ફુટ ઓવર બ્રિજનો ઉપયોગ કરવાને બદલે પ્લૅટફૉર્મ બદલવા માટે પાટા ઓળંગવાનો જીવલેણ શૉર્ટકટ અપનાવી રહ્યો છે એવો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. યુવક લોકલ ટ્રેનમાંથી રૉન્ગ સાઇડ પર ઊતરીને બે ટ્રૅક વચ્ચેની લોખંડની રેલિંગ ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ સામેના ટ્રૅક પરથી પૂરપાટ ઝડપે એક મેલ-એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ હતી. આ જોઈને પ્લૅટફૉર્મ પરના મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી. રેલિંગ ઓળંગતી વખતે યુવકનો પગ પણ લપસ્યો હતો, પરંતુ સદ્નસીબે તે આબાદ બચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
વસઈમાં બ્રિજ તૂટી પડ્યો, બે વાહનો પુલ પરથી નીચે પડ્યાં
ADVERTISEMENT

વસઈ-ઈસ્ટમાં વડઘર ગામ ખાતે એક બ્રિજ ગઈ કાલે બપોરે ૩ વાગ્યે તૂટી પડ્યો હતો. એ વખતે એના પરથી પસાર થઈ રહેલી માટી ભરેલી એક ટ્રક અને એક કાર એમાં ફસાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. જોકે આ બ્રિજ તૂટી પડ્યો હોવાથી નજીકના ગામના લોકોએ હાલાકી ભોગવવી પડશે. મૂળમાં માટી ભરેલી હેવી ટ્રકો એના પરથી રોજેરોજ પસાર થતી હતી એટલે વર્ષો જૂનો એ બ્રિજ નબળો પડી ગયો હતો એમ ગામના લોકોનું કહેવું હતું.
