‘નાની તોપ’ તરીકે ઓળખાતી પ્રતિબંધિત કાર્બાઇડ ગન ફોડવાનો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ ચાલ્યો, ૧૨૨થી વધુ બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં, ઈજાગ્રસ્તોમાં આઠથી ૧૪ વર્ષનાં બાળકોની સંખ્યા સૌથી વધુ
મધ્ય પ્રદેશમાં દિવાળીના દિવસોમાં કાર્બાઇડ ગન ફોડવાના પ્રયાસમાં અનેક બાળકોની આંખોમાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં.
દિવાળીમાં બાળકોને રમવા માટે ફટાકડા તરીકે વપરાતી કાર્બાઇડ ગન મધ્ય પ્રદેશનાં લગભગ દોઢસો જેટલાં બાળકો માટે જોખમી નીવડી હતી. દેશી ફટાકડા બંદૂક તરીકે ઓળખાતી આ ગન પર પ્રતિબંધ હોવા છતાં એ ઘણા વિસ્તારોમાં વેચાઈ હતી અને એનાથી રમતી વખતે બાળકોને ગંભીર ઈજા થઈ હતી. ટિન પાઇપ અને ગનપાઉડરથી બનતી આ બંદૂક મોટો ધડાકો કરે છે. આ બંદૂકથી રમતી વખતે અનેક બાળકો જખમી થયાં હોવાના અહેવાલ મધ્ય પ્રદેશના જુદા-જુદા વિસ્તારોમાંથી આવ્યા હતા.
પાછલા ૩ દિવસમાં મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછાં ૧૨૨ જેટલાં બાળકોને ગંભીર ઈજાને લીધે હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હોવાની અને ઓછામાં ઓછાં ૧૪ બાળકોએ આંખની રોશની ગુમાવી હોવાની વિગતો સામે આવી હતી. અમુક અહેવાલો પ્રમાણે ઈજાગ્રસ્ત બાળકોની સંખ્યા ૨૦૦થી પણ વધુ હોઈ શકે છે.
ADVERTISEMENT
રમકડું નહીં, જોખમ છે આ ગન
ભોપાલ, ઇન્દોર, જબલપુર અને ગ્વાલિયર સહિત અનેક વિસ્તારોમાં ડૉક્ટરોએ આ જ પ્રકારના કેસ નોંધ્યા હતા. સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે પ્રતિબંધ હોવાથી આવી બંદૂકો ઘરગથ્થુ રીતે સાવધાની વગર બનાવીને ૧૫૦થી ૨૦૦ રૂપિયામાં વેચવામાં આવતી હતી અને એને કારણે જ બંદૂકો બાળકોના ચહેરા સામે જ ફૂટી ગઈ હોવાના અનેક બનાવ બન્યા હતા. ગનપાઉડર અને પ્લાસ્ટિક વાપરીને અનેક છોકરાઓ આવી બંદૂકો જાતે પણ બનાવવા લાગ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બીજી તરફ ડૉક્ટરોનું કહેવું હતું કે આ ગન રમકડું નથી પણ જોખમી વસ્તુ છે અને એ રેટિનાને બાળી પણ શકે છે.
કેમ ચાલ્યો આવી ગન ફોડવાનો ટ્રેન્ડ?
પોલીસનું કહેવું હતું કે આ બંદૂકોને વેપારીઓ નાની તોપ તરીકે વેચે છે એટલું જ નહીં, આ વખતે સોશ્યલ મીડિયા પર પણ આ ગન ફોડવાની ચૅલેન્જનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો એને લીધે પણ છોકરાઓએ બંદૂકો ખરીદી હતી.


