ઇન્દોરના કિન્નર સમુદાયના ૨૪ લોકોએ એકસાથે ફિનાઇલ પી લેતાં તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
ઇન્દોરના કિન્નર સમુદાયના ૨૪ લોકોએ એકસાથે ફિનાઇલ પી લેતાં તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. બે કિન્નર જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે એકસાથે કિન્નરોએ સમૂહમાં આ પગલું લીધું હતું. એક કિન્નર સાથે રેપ અને બ્લૅકમેઇલિંગ પણ થયું હતું. પોલીસના કહેવા મુજબ પાયલ ગુરુ અને સપના હાજી નામનાં બે જૂથો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. એનો ફાયદો ઉઠાવીને પંકજ નામનો કહેવાતો પત્રકાર તેના સાથી અક્ષય સાથે એક જૂથ પાસે પહોંચ્યો હતો. તેણે પોતાને પત્રકાર કહીને તેમનું નામ ખરાબ કરવાની ધમકી આપીને રૂપિયાની ડિમાન્ડ કરી હતી. પૈસા આપવાનો ઇનકાર કરતાં પંકજ એક કિન્નરને બિલ્ડિંગમાં લઈ ગયો અને તેના પર રેપ કર્યો હતો. તેણે ધમકી આપી હતી કે જો પોલીસમાં કેસ કરીશ તો બરબાદ કરી દઈશ. આ પ્રતાડનાથી તંગ આવીને આખા જૂથના ૨૪ કિન્નરોએ એક રૂમમાં બંધ થઈને ફિનાઇલ પી લીધું હતું. એ જૂથના બીજા કિન્નરોને ખબર પડતાં તેમણે દરવાજો તોડીને બધાને તરત જ હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તાત્કાલિક સારવાર મળી જતાં તમામ કિન્નરોની તબિયત સુધારા પર છે.

