મંગળવારે સંવેદનશીલ BSF અને ભારતીય સૈન્ય મથકોની બહાર થોડા કલાકોમાં જ બે વધુ વિસ્ફોટ થયા હતા
ફાઇલ તસવીર
પંજાબમાં ૧૦ દિવસથી ઓછા સમયમાં ૩ બ્લાસ્ટ થયા હતા જેમાં મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યાં હોવાથી રાજ્ય પોલીસના આતંકવાદવિરોધી અને ગુપ્તચર તંત્રમાં સ્પષ્ટ ખામીઓનો પર્દાફાશ થયો છે
૨૭ એપ્રિલે પટિયાલા નજીક રેલવે-ટ્રૅક પર વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પાંચમી મેની રાત્રે જાલંધરમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના મુખ્યાલય પાસે અને અમ્રિતસરમાં ભારતીય સૈન્યની છાવણી પાસે બે ઓછી તીવ્રતાના વિસ્ફોટો થયા હતા. આના પગલે સમગ્ર રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
પહેલો વિસ્ફોટ ૨૭ એપ્રિલે રાત્રે પટિયાલા જિલ્લામાં ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોરના શંભુ-રાજપુરા વિભાગ પાસે થયો હતો. પોલીસે એને વિસ્ફોટમાં મૃત્યુ પામેલી શંકાસ્પદ વ્યક્તિ દ્વારા વિસ્ફોટનો પ્રયાસ ગણાવ્યો હતો. વિસ્ફોટથી ટ્રૅકને આંશિક નુકસાન થયું હતું, પરંતુ મુસાફરોની સેવાઓમાં કોઈ મોટો વિક્ષેપ પડ્યો નહોતો. પોલીસે એને પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની મૉડ્યુલ સાથે ઝડપથી જોડી દઈને થોડા દિવસમાં ૪ કથિત કાર્યકરોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યાં હતાં. પંજાબ પોલીસે મોટી સફળતાનો દાવો કર્યો હતો અને કહ્યું કે આ મૉડ્યુલ પાકિસ્તાન અને મલેશિયામાં રહેલા હૅન્ડલર્સ હેઠળ કાર્યરત હતું.
જોકે આ ઘટનાના ૮ દિવસ પછી મંગળવારે સંવેદનશીલ BSF અને ભારતીય સૈન્ય મથકોની બહાર થોડા કલાકોમાં જ બે વધુ વિસ્ફોટ થયા હતા. જાલંધરમાં BSF મુખ્યાલય નજીક એક વિસ્ફોટ થયો હતો, જેમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં વિસ્ફોટ દરમ્યાન એક સ્કૂટરમાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. કલાકો પછી રાત્રે ૧૦.૫૦ વાગ્યે અમ્રિતસરના ખાસા કૅન્ટોનમેન્ટ વિસ્તાર નજીક બીજો ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. આમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ વિસ્ફોટ સંવેદનશીલ સ્થળોની આસપાસ થયા હોવાથી મામલો ગંભીર છે.
પોલીસે કહ્યું, ISIનો હાથ હોઈ શકે
કેસની તપાસ કરી રહેલી પંજાબ પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર પંજાબમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના ષડયંત્રનો આ એક ભાગ હોઈ શકે છે. જોકે સંપૂર્ણ સત્ય તપાસ પછી જ બહાર આવશે.’
પંજાબમાં ડબલ બ્લાસ્ટની પાછળ BJPનો હાથ, આ તેમની ચૂંટણી-તૈયારીનો ભાગ : ભગવંત માન
પંજાબમાં મંગળવારે રાત્રે ૩ કલાકમાં બે વિસ્ફોટ થયા બાદ મુખ્ય પ્રધાન ભગવંત માને વિસ્ફોટો પર પ્રતિક્રિયા આપતાં એની પાછળ ભારતીય જનતા પાર્ટી (BJP)નો હાથ હોવાનું જણાવ્યું છે. ભગવંત માને આનંદપુર સાહિબમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘અમ્રિતસર અને જાલંધરમાં થયેલા નાના વિસ્ફોટોની તપાસ ચાલી રહી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે આ BJPની તૈયારી છે. BJP લોકોમાં હિંસા અને ભય ફેલાવીને મત મેળવે છે. હું BJPને કહેવા માગું છું કે આમ કરવાનું બંધ કરે. પંજાબના લોકો હંમેશાં શાંતિ ઇચ્છે છે. જ્યાં પણ BJPને ચૂંટણી લડવાની હોય છે તે ત્યાં જાય છે અને લોકોમાં ઝઘડા કરાવે છે.’
