રૂમમાંથી એક જ પરિવારના ૪ મૃતદેહ મળી આવતાં ખળભળાટ: પોલીસ-તપાસમાં આ પરિવારે આત્મહત્યા કરી હોવાની આશંકા
રાજગીરની દિગંબર ધર્મશાળામાં તપાસ કરી રહેલી નાલંદા-પોલીસ
બિહારના આંતરરાષ્ટ્રીય પર્યટનસ્થળ રાજગીરમાં ગઈ કાલે સવારે પ્રખ્યાત દિગંબર જૈન ધર્મશાળાની એક રૂમમાંથી બૅન્ગલોર પાસે આવેલા ગુબ્બી ગામના એક જ જૈન પરિવારના ૪ લોકોના મૃતદેહ મળી આવતાં રાજગીરમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ-તપાસમાં આ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
નાલંદા જિલ્લાના રાજગીર પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર રમણ કુમારે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કર્ણાટકના ગુબ્બી ગામના ૫૦ વર્ષના જી. આર. નાગા પ્રસાદ તેમની ૭૮ વર્ષની માતા જી. આર. મંગલા અને બે બહેનો ૪૮ વર્ષની શિલ્પા અને ૪૩ વર્ષની શ્રુથા સાથે નેપાલ ફરીને ૩૧ જાન્યુઆરીએ રાજગીરની દિગંબર જૈન ધર્મશાળામાં આવ્યા હતા. રાજગીરથી તેઓ જૈનોના તીર્થ પાવાપુરી જવાનાં હતાં. જોકે ગઈ કાલે સવારે પોણાદસ વાગ્યે તેમની રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં ધર્મશાળાના કર્મચારીઓએ ધર્મશાળાના મૅનેજરને આ જાણકારી આપી હતી. મૅનેજર મુકેશ જૈને તરત જ પોલીસને ઇન્ફર્મેશન આપી હતી. અમને આ માહિતી મળતાં જ અમે અમારા વરિષ્ઠ અધિકારીઓ, ફૉરેન્સિક સાયન્સ લૅબ (FSL)ની ટીમ અને ટેક્નિકલ યુનિટ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમે જઈને જી. આર. નાગા પ્રસાદ અને તેનો પરિવાર જ્યાં ઊતર્યો હતો એ રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. અમે અંદર જઈને જોયું તો નાગા પ્રસાદ પરિવારના નાગા પ્રસાદ અને તેની સાથેની ત્રણ મહિલાઓના મૃતદેહ ગળામાં ફાંસા સાથે પંખા પર લટકતા હતા. તેમના હાથ બાંધેલા હતા અને મોઢા પર પટ્ટી લગાડેલી હતી. અમુક સહેલાણીઓએ આ પરિવારને બે દિવસ પહેલાં જ માર્કેટમાં સાથે જોયો હતો. અચાનક તેમના મૃતદેહ જોતાં ધર્મશાળામાં સનસનાટી મચી ગઈ હતી. અમને પ્રાથમિક તપાસમાં જ આ આ પરિવારે આત્મહત્યા કરી હોવાની શંકા ગઈ હતી. આમ છતાં અમે પોસ્ટમૉર્ટમના રિપોર્ટની રાહ જોઈ હતી. તેમના સામાનમાંથી અમને પચીસથી વધુ ઊંઘવાની દવાની સ્ટ્રિપ મળી હતી.’
ADVERTISEMENT
રમણકુમારે વધુમાં કહ્યું હતું કે આ પરિવાર પાસેથી કોઈ જ સુસાઇડ નોટ મળી નહોતી. આથી કેસ ગૂંચવણભર્યો બની ગયો હતો. જોકે પરિવાર પાસેથી રોકડ ૧,૧૮,૦૦૦ રૂપિયા સાથે મળેલાં આધાર-કાર્ડ, પૅન-કાર્ડ, એટીએમ કાર્ડ પરથી ચારેય જણની ઓળખ થઈ હતી. તેમના ગામમાં તપાસ કરતાં ગુબ્બી પોલીસે કહ્યું હતું કે ‘જી. આર. નાગા પ્રસાદની એક બહેન ડિવૉર્સી છે અને એક બહેન કુંવારી છે. થોડા વખત પહેલાં નાગા પ્રસાદે તેમના કૌટુંબિક ઝઘડામાં તેના ભાણિયાનું મર્ડર કરી નાખ્યું હતું. જોકે એમાં તેને જામીન મળી ગયા હતા. આમ છતાં આત્મહત્યા પાછળ આ મર્ડર-કેસ કારણભૂત હોઈ શકે. અમે આ માહિતી પછી ગુબ્બી પોલીસને તેમના અન્ય પરિવારજનોનો સંપર્ક કરીને ડેડબૉડી લઈ જવાની સૂચના આપી છે. પોલીસ આ બાબતની વધુ તપાસ કરી રહી છે.’


