નેપાલ-બંગલાદેશમાં યુવાનો સરકાર ઊથલાવી શકે તો ભારતીય યુવાનો પેપર લીકના દોષીઓને જેલમાં મોકલી જ શકે
અરવિંદ કેજરીવાલ
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર-લીકના મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના ફાઉન્ડર અરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે પાડોશી દેશોનાં ઉદાહરણો આપીને ભારતીય યુવાનોને પડકાર ફેંક્યો છે કે જો એ દેશોના યુવાનો સત્તાપરિવર્તન લાવી શકે છે તો ભારતના યુવાનો પેપર-લીકમાં સંડોવાયેલા પ્રધાનોને જેલના સળિયા પાછળ ધકેલી જ શકે છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે ‘જો નેપાલ અને બંગલાદેશમાં જેન-ઝી યુવાનો એકઠા થઈને સરકારોને સત્તા પરથી હટાવી શકે છે તો ભારતના યુવાનોમાં પણ એટલી તાકાત છે કે તેઓ પેપર-લીક કૌભાંડમાં સામેલ પ્રધાનોને જેલભેગા કરી શકે.’
ADVERTISEMENT
કેજરીવાલે યુવાનોને અન્યાય સામે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું. તેમણે ગંભીર આરોપ લગાવતાં દાવો કર્યો હતો કે ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં કુલ ૯૩ પરીક્ષાનાં પેપરો લીક થયાં છે જે શિક્ષણવ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘રાજકારણીઓને ભારતના શિક્ષણ કે ભવિષ્યમાં કોઈ વાસ્તવિક રસ નથી, કારણ કે તેમનાં પોતાનાં બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. સામાન્ય વર્ગનાં બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે.’
NEET-UG રદ થવાને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે. કેજરીવાલના આ નિવેદને રાજકીય ગરમાવો વધારી દીધો છે. વિપક્ષ આ મુદ્દે સતત સરકારને ઘેરી રહ્યો છે ત્યારે કેજરીવાલની આ સરકાર ઉથલાવવાવાળી ટિપ્પણીએ ચર્ચા જગાવી છે.
