ફૂડ-સેફ્ટી વિભાગના મેગા ઑપરેશનમાં ઍમૅઝૉન અને સ્વિગી ઇન્સ્ટામાર્ટમાંથી ૧.૪૩ કરોડનો એક્સપાયર થયેલો માલ જપ્ત
તુકારામ મુંઢે
કર્ણાટક ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને બૅન્ગલોરમાં ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ પર વેચાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે કડક ઑપરેશન હાથ ધર્યું હતું. ઍમૅઝૉન અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ સહિતનાં ગોદામો પર દરોડા પાડીને ફૂડ-સેફ્ટી વિભાગે ૧.૩૮ કરોડ રૂપિયાની કિંમતની એક્સપાયર થયેલી અને ખોટા લેબલવાળી ફૂડ-પ્રોડક્ટ્સ જપ્ત કરી હતી. આ ઉપરાંત લાઇસન્સ વગર રાખવામાં આવેલી ૪.૦૨ લાખ રૂપિયાની દવાઓ પણ સીઝ કરવામાં આવી હતી.
દેવનહલ્લી અને અનેકલ ખાતે આવેલા ઍમૅઝૉનના ગોદામોમાંથી લેબલિંગના નિયમોના ભંગ અને એક્સપાયરી ડેટવાળી અંદાજે ૫૬ લાખ રૂપિયાની ફૂડ-પ્રોડક્ટ્સ મળી આવી હતી. બીજી તરફ હોસ્કોટેમાં આવેલા સ્વિગી ઇન્સ્ટામાર્ટના ફૅસિલિટી સેન્ટરમાંથી ૪૨ લાખ રૂપિયાનો એક્સપાયર થયેલો સામાન પકડાયો હતો. ગંદકી અને ફૂડ-સેફ્ટીના નિયમોના ભંગ બદલ આ સેન્ટરને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યું છે.
