Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑનલાઇન જુગાર રમવા ગ્રાહકોના લૉકરમાંથી કાઢી લીધું ૩.૫ કરોડ રૂપિયાનું સોનું

ઑનલાઇન જુગાર રમવા ગ્રાહકોના લૉકરમાંથી કાઢી લીધું ૩.૫ કરોડ રૂપિયાનું સોનું

Published : 17 February, 2026 09:08 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરની બૅન્કના ડેપ્યુટી મૅનેજરનું ગજબ કારસ્તાન: સટ્ટાબાજીમાં કમાવાને બદલે ડૂબી ગયો

કિરણ કુમાર

કિરણ કુમાર


બૅન્ગલોરમાં ઇન્ડિયન બૅન્કની એક બ્રાન્ચના ડેપ્યુટી મૅનેજરે ગ્રાહકોએ ગીરવી રાખેલું ૩.૫ કરોડ રૂપિયાથી વધુનું સોનું કાઢી લીધું હોવાનો જાણવા મળ્યું છે. ૩૪ વર્ષના કિરણ કુમારે ડેપ્યુટી મૅનેજરના પદનો દુરુપયોગ કરીને ગ્રાહકોના લૉકરમાંથી લગભગ ૨.૭ કિલો સોનાના દાગીના ચોર્યા હતા. પોલીસે કહ્યું હતું કે આરોપીએ ઑનલાઇન જુગારમાં પૈસા ઉડાડી દીધા છે. 

કેવી રીતે ખબર પડી? 



જાન્યુઆરીમાં કેટલાક ગ્રાહકો તેમણે ગીરવી રાખેલાં ઘરેણાં પાછાં લેવા ગયા હતા. જોકે એ વખતે લૉકરની તપાસ દરમ્યાન કેટલાંક પૅકેટમાં ઘરેણાં ઓછાં નીકળ્યાં હતાં. એ પછી તો બૅન્કના મૅનેજરે ગીરવી મુકાયેલાં તમામ લોકોનાં ઘરેણાંનો હિસાબ માંડતાં ખબર પડી હતી કે ૨૪ પૅકેટમાં રાખેલાં ઘણાં ઘરેણાં ગાયબ છે. એમાંય ત્રણ પૅકેટ તો આખેઆખાં ખાલી હતાં. બૅન્ક-મૅનેજરે પાંચમી ફેબ્રુઆરીએ પોલીસને આ બાબતની જાણ કરી હતી. બૅન્કના હિસાબની પ્રાથમિક તપાસમાં લગભગ ૨૭૮૦ ગ્રામ સોનાના દાગીના ચોરાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેની બજારકિંમત આશરે ૩.૫થી ૪ કરોડ રૂપિયા વચ્ચે અંકાય છે. 


કઈ રીતે ચોરી થતી?

પોલીસ-સૂત્રોએ જણાવ્યા અનુસાર કિરણ કુમારે બૅન્ક-મૅનેજરની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને ધીમે-ધીમે અલગ-અલગ લૉકરમાંથી થોડી-થોડી માત્રામાં સોનું કાઢ્યું હતું જેથી કોઈને શક ન જાય. તેણે એવાં જ લૉકરો પસંદ કર્યાં હતાં જે લાંબા સમયથી વારંવાર ઑપરેટ ન થતાં હોય. એ પછી આ ઘરેણાંને તેણે અલગ-અલગ ફાઇનૅન્સ કંપનીઓ અને દુકાનોમાં ગીરવી મૂકીને પૈસાનો ઉપાડ કર્યો હતો. પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે કિરણે ગુનો કબૂલી લીધો હતો અને કહ્યું હતું કે ગીરવી રાખેલા સોનાનાં ઘરેણાંથી મળેલી રકમને બમણી કરવા હું ઑનલાઇન સટ્ટાબાજી કરતો હતો, પણ એમાં કમાવાને બદલે રૂ‌પિયા ડૂબી ગયા હતા. 


ફાઇનૅન્સ કંપનીઓ પર શંકા 

પોલીસનું કહેવું છે કે કિરણ કુમારે જે ફાઇનૅન્સ કંપનીઓ પાસે સોનું ગીરવી રાખ્યું હતું એ કંપનીઓ પણ તપાસમાં સહયોગ નથી આપી રહી એટલે પોલીસ કોર્ટનો દરવાજો ખટખટાવે એવી સંભાવના છે. આ કંપનીઓની પણ આખા મામલામાં સંડોવણી હોવાની શંકા છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 09:08 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK