અખિલેશ યાદવ મુગલ શાસનના આખરી શાસક, હવે તેઓ ફરી સત્તામાં નહીં આવે
અખિલેશ યાદવ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગીત સોમે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને મુગલ યુગના છેલ્લા શાસક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ સત્તામાં પાછા નહીં આવે.
સંગીત સોમ રવિવારે ૪૫ વર્ષની મમતા વિશ્વકર્માના પરિવારને મળવા મુઝફ્ફરનગર પહોંચ્યા હતા. મમતાની હત્યા બે દિવસ પહેલાં તેના પ્રેમી સંદીપે કરી હતી અને ડેડ-બૉડીને ગંગા નદીની નહેર પાસે ફેંકી દીધી હતી. પોલીસે સંદીપની ધરપકડ કરી છે. મમતા વિશ્વકર્માના બીમાર પતિ, સાસુ અને ચાર દીકરીઓને મળ્યા બાદ સંગીત સોમે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘સમાજવાદી પાર્ટી ફક્ત રાજનીતિ કરે છે અને જાતિના નામે લોકોને વિભાજિત કરવાનું કામ કરે છે. પાર્ટી ઘણા મુદ્દે ધરણાં કરે છે પણ આ મુદ્દે શા માટે ધરણાં કરતી નથી? અખિલેશ યાદવ મુગલ શાસનના છેલ્લા શાસક છે અને તેઓ હવે ફરી સત્તામાં ક્યારેય નહીં આવી શકે. આ પ્રકારના કેસમાં રાજકારણ નહીં પણ પીડિત વ્યક્તિના પરિવારને ન્યાય મળે અને અપરાધીને સજા મળે એ કામ કરવાનું હોય છે.’


