ગયા વર્ષે ભારતીયોએ ટર્કી અને અઝરબૈજાનને અધધધ ૪૦૦૦+ કરોડ રૂપિયા આપ્યા, આજે તેઓ પાકિસ્તાન સાથે ઊભાં છે; બૉયકૉટ કરો બન્નેનો
ટોચના ઉદ્યોગપતિ હર્ષ ગોયનકા
બાવીસમી એપ્રિલે પહલગામમાં નિર્દોષ ટૂરિસ્ટો પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ટેકો આપનારાં ટર્કી અને અઝરબૈજાનનો બૉયકોટ કરવાનો જુવાળ દેશભરમાં ફાટી નીકળ્યો છે ત્યારે ટોચના ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ પણ આવી અપીલ કરી છે.
RPG ગ્રુપના અધ્યક્ષ હર્ષ ગોયનકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર લખ્યું હતું કે ‘ભારતીયોએ પ્રવાસન દ્વારા ટર્કી અને અઝરબૈજાનને ગયા વર્ષે ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ આપ્યો છે. તેમને નોકરીઓ આપી; તેમની અર્થવ્યવસ્થા, હોટેલ, ડેસ્ટિનેશન વેડિંગ અને ફ્લાઇટ્સને બિઝનેસ આપ્યો. આજે પહલગામ હુમલા પછી બેઉ દેશો પાકિસ્તાન સાથે ઊભા છે. ભારત અને વિશ્વમાં ઘણી સુંદર જગ્યાઓ છે. કૃપા કરીને આ બે જગ્યાઓ છોડી દો. જય હિન્દ.’
ADVERTISEMENT
હર્ષ ગોયનકાની આ પોસ્ટ કેટલીયે ભારતીય ટ્રાવેલ કંપનીઓએ આ બે દેશો માટે બુકિંગ સ્થગિત કર્યા બાદ આવી છે. ભારતથી અઝરબૈજાન અને ટર્કીના બુકિંગમાં જોરદાર ઘટાડો થવાની ધારણા છે. ઘણા લોકોએ આ સ્થળો પર જવાને બદલે હવે બાલી અને મલેશિયા જવા માટે બુકિંગ કરાવ્યાં છે.
કેટલીક ભારતીય ટ્રાવેલ વેબસાઇટ્સે તો એવું પણ કહ્યું હતું કે તેઓ ન તો ટર્કિશ ઍરલાઇન્સ સાથે ફ્લાઇટ બુક કરશે કે ન તો ટર્કી અને અઝરબૈજાનના નાગરિકોને રહેવાની સુવિધા આપશે.
૨૦૨૪માં ૩.૩ લાખ ભારતીયોએ ટર્કીની મુલાકાત લીધી
૨૦૨૪માં ૩.૩ લાખ ભારતીય પ્રવાસીઓએ ટર્કીની મુલાકાત લીધી હતી, જ્યારે ૨૦૨૩માં આ આંકડો ૨.૭૪ લાખ હતો. આમ એમાં આશરે ૨૦ ટકાનો વધારો થયો હતો. અઝરબૈજાનમાં ૨૦૨૩માં ૧.૧૭ લાખ અને ૨૦૨૪માં ૨.૪૩ લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા. આમ એક વર્ષમાં અહીં પ્રવાસી સંખ્યામાં ૧૦૮ ટકાનો વધારો થયો હતો.
ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની તમામ ભારતીય સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુએન્સર્સ અને પ્રવાસીઓને અપીલ : બૉયકૉટ ટર્કી
લોકપ્રિય ટીવી-ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ સોશ્યલ મીડિયા પર ટર્કીના બૉયકૉટની જાહેરમાં અપીલ કરી છે. ખુલ્લેઆમ આવી અપીલ કરનાર તે પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની છે. તેણે સાથી-સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુઅેન્સર્સ અને પ્રવાસીઓને ટર્કીની ટૂર રદ કરવાની વિનંતી કરી છે. રૂપાલીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અપીલ કરી છે કે ‘શું આપણે ટર્કી માટેનું આપણું બુકિંગ રદ કરી શકીએ? આ મારી તમામ ભારતીય સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુએન્સર્સ અને પ્રવાસીઓને વિનંતી છે. ભારતીય હોવાના નાતે આપણે ઓછામાં ઓછું આ તો કરી જ શકીએ... #BoycottTurkey.’
આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને ઘણા લોકોએ રૂપાલીની આ પહેલની પ્રશંસા કરી છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે ‘તમે આપણા દેશ અને સેના સાથે ઊભાં રહેનાર સૌથી સક્રિય સેલિબ્રિટીઓમાંનાં એક છો. હું હંમેશાં આને માટે તમારું સન્માન કરીશ.’ બીજા યુઝરે લખ્યું છે, ‘કેટલાક ઍક્ટર્સમાં આગળ આવવાની હિંમત છે, નહીં તો બાકીના બધા તો કઠપૂતળી બનીને બેઠા છે અને ફક્ત પોતાના ચાહકો અને પૈસા વિશે જ વિચારે છે.’

