Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ભારે તંગદિલી: દેશની રાજધાની પોલીસછાવણીમાં ફેરવાઈ, સરહદો સીલ

દિલ્હીમાં ભારે તંગદિલી: દેશની રાજધાની પોલીસછાવણીમાં ફેરવાઈ, સરહદો સીલ

Published : 10 October, 2026 09:03 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉક્રૉચ જનતા પાર્ટીના આજના વિરોધ-પ્રદર્શનને પોલીસની પરવાનગી નથી મળી, સહભાગી થનારા લોકોને કાનૂની પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી

ગઈ કાલે જંતર-મંતર નજીક ચેકિંગ કરતી પોલીસ

ગઈ કાલે જંતર-મંતર નજીક ચેકિંગ કરતી પોલીસ


કી હાઇલાઇટ્સ

  1. 26,000  જવાનો રાજધાનીમાં ખડેપગે
  2. 150 ફ્રન્ટલાઇન પોલીસોના શરીર પર બૉડીકૅમેરા
  3. 2800 શંકાસ્પદો પર નજર

દિલ્હી પોલીસે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આજના વિરોધ-પ્રદર્શનને પરવાનગી આપવાનો ઇનકાર કરીને એને ગેરકાયદે ગણાવ્યું હતું અને વિરોધ-પ્રદર્શનમાં જોડાવા માગતા લોકોને કાનૂની પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી.

આ મુદ્દે જૉઇન્ટ પોલીસ-કમિશનર નૂપુર પ્રસાદે એક પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે ‘વિરોધ-પ્રદર્શન માટેની અરજી અમને હમણાં મળી હતી. નિયમો અનુસાર પોલીસને ઓછામાં ઓછા ૧૦ દિવસ અગાઉથી સૂચના આપવાની જરૂર હતી. પાર્ટીને અગાઉ પરવાનગી આપવામાં આવી ત્યારે નિયમો અને એની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કર્યું હતું. નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩ અમલમાં છે અને એનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’



CJPના વિરોધ-પ્રદર્શન પહેલા જંતર મંતર, ટૉલ્સ્ટૉય માર્ગ અને જનપથ પર પોલીસ અને રૅપિડ ઍક્શન ફોર્સ (RAF)ના કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.


૨૦૨૦નાં દિલ્હી રમખાણો પછી સૌથી મોટી સુરક્ષા તહેનાત

આજના પ્રસ્તાવિત CJPના વિરોધ-પ્રદર્શન પહેલાં દિલ્હીમાં ૨૬,૦૦૦થી વધુ સુરક્ષા-કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ૨૦૨૦નાં દિલ્હી રમખાણો પછી સુરક્ષાદળોની આ સૌથી મોટી તહેનાતી હોવાનું કહેવાય છે. આમાં અર્ધલશ્કરી દળોના આશરે ૧૫,૦૦૦ જવાનોનો સમાવેશ છે.


દિલ્હીમાં આજે ઑનલાઇન ક્લાસ

જંતર મંતરમાં વિરોધ-પ્રદર્શન અને મેટ્રો સર્વિસ બંધ થવાને કારણે દિલ્હીની ઘણી સ્કૂલો અને કૉલેજોએ આજે ઑનલાઇન ક્લાસ શરૂ કર્યા છે. આજની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. 
દિલ્હીમાં જનપથ અને કર્તવ્ય પથની આસપાસ ૪ કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ ગઈ કાલ રાતથી ૨૪ કલાક માટે બંધ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસની રજાઓ રદ

CJPના વિરોધ-પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ગુરુવારથી જ તમામ પોલીસ-અધિકારીઓ અને કર્મચારીઓની રજા આગામી સૂચના સુધી રદ કરી છે. આ સમયગાળા દરમ્યાન કોઈ રજા આપવામાં આવશે નહીં. માત્ર ઇમર્જન્સી કેસમાં જ રજા મંજૂર થશે.

રાજધાનીમાં નાકાબંધી

દિલ્હી પોલીસે CJPના વિરોધ-પ્રદર્શન પહેલાં જ રાજધાનીમાં નાકાબંધી લાદી દીધી છે. ચારેય સરહદો પર પોલીસ તહેનાત કરવામાં આવી છે. તમામ પોલીસ-સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતપોતાના વિસ્તારોમાં મંદિરો, મસ્જિદો અને અન્ય સ્થળોએ જઈને લોકોને મળે અને તેમને જંતર મંતર ન આવવા અને કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ ન થવા માટે સમજાવે.

વિરોધ-પ્રદર્શન પહેલાં દિલ્હીની હોટેલોમાં સર્ચ-ઑપરેશન

દિલ્હી પોલીસના અધિકારીઓએ ગઈ કાલે રાજધાનીમાં હોટેલ, ગેસ્ટહાઉસ અને અન્ય રહેવાનાં સ્થળોની મુલાકાત લીધી હતી અને આજના કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શનના આહ્‌‍વાન પહેલાં શંકાસ્પદ ગણાતા રહેવાસીઓની પૂછપરછ કરી હતી. ઓછામાં ઓછા એક મહેમાન અને બે હોટેલના સ્ટાફે પુષ્ટિ આપી હતી કે પોલીસ-અધિકારીઓએ હોટેલની મુલાકાત લીધી હતી અને દિલ્હીમાં તેમના રોકાણનું કારણ અને કેટલો સમય રહેશે એની પૂછપરછ કરી હતી.

પોલીસ-અધિકારીઓને હોટેલ, હૉસ્ટેલ, ગેસ્ટહાઉસ અને અન્ય કામચલાઉ રહેઠાણ સંસ્થાઓની મુલાકાત લેવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા. હોટેલમાલિકો અને મૅનેજરો દ્વારા જાળવવામાં આવેલા રજિસ્ટર અથવા લૉગની પોલીસે ચકાસણી કરી હતી. કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓએ એવા મહેમાનોની પૂછપરછ કરી હતી જે તેમને શંકાસ્પદ લાગતા હતા.

દિલ્હીમાં શરાબની દુકાનો બંધ

CJPના વિરોધ-પ્રદર્શન પહેલાં દિલ્હીમાં શરાબની દુકાનો ગઈ કાલે બંધ રાખવામાં આવી હતી અને આજે પણ આ દુકાનો બંધ રહેશે. દિલ્હી સરકારના એક્સાઇઝ વિભાગે ગુરુવારે આ વિશેનો આદેશ આપ્યો હતો. વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર વ્યવસ્થા જાળવવા માટે આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ તરફથી મળેલા ઇનપુટ્સના આધારે દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મધ્ય પ્રદેશમાં પચીસ લોકો ઝડપાયા

મધ્ય પ્રદેશ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (GRP)એ અત્યાર સુધીમાં વિવિધ સ્થળેથી પચીસ લોકોને ટ્રેનોમાંથી નીચે ઉતાર્યા હતા. આ તમામ લોકો વિરોધ-પ્રદર્શન માટે દિલ્હી જઈ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 09:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK