પરિવાર ઋષિને નરેલાની સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હૉસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જોકે, પરિવારનો દાવો છે કે જ્યારે તેઓ હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ઋષિ જીવિત હતો, પરંતુ તેને સમયસર તબીબી સારવાર મળી ન હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હીના નરેલામાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડતી વખતે ૧૦ વર્ષના એક બાળકનું મૃત્યુ થયું હતું. રવિવારે રાત્રે, જ્યારે તે તેના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ફટાકડાનું એક રૉકેટ સીધું તેની છાતીમાં વાગ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને પરિવારજનો તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જોકે, પરિવારે હૉસ્પિટલના સ્ટાફ પર સમયસર તબીબી સારવાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. મૃતક બાળકની ઓળખ ઋષિ તરીકે થઈ છે. અહેવાલ મુજબ, તે તેના પરિવાર સાથે ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે એક રૉકેટ આકાશમાં ઊંચે જવાને બદલે સીધો તેની છાતીમાં વાગ્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.
હૉસ્પિટલમાં સારવારમાં વિલંબ થયાના આક્ષેપો
ADVERTISEMENT
પરિવાર ઋષિને નરેલાની સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હૉસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જોકે, પરિવારનો દાવો છે કે જ્યારે તેઓ હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ઋષિ જીવિત હતો, પરંતુ તેને સમયસર તબીબી સારવાર મળી ન હતી. ઋષિના મોટા ભાઈ મોહિતે ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે ઈમરજન્સીની સ્થિતિ હોવા છતાં, ડૉક્ટરો તાત્કાલિક સારવાર આપવા માટે આગળ આવ્યા ન હતા. મોહિતે આક્ષેપ કર્યો કે મૅડિકલ સ્ટાફ તેના ઘાયલ ભાઈ પાસે ખૂબ ધીમેથી પહોંચ્યો અને માત્ર ચૅસ્ટ કમ્પ્રેશન આપ્યું. મોહિતે કહ્યું, "મારા ભાઈને બચાવી શકાયો હોત; તે જીવિત હતો." તેણે વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે તેના પિતા દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી બેભાન થઈ ગયા હતા ત્યારે ઋષિના મૃતદેહને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યો હતો.
માતાએ પણ સારવારમાં બેદરકારીનો આરોપ લગાવ્યો
ઋષિની માતા અંજલિએ પણ આરોપ લગાવ્યો છે કે હૉસ્પિટલમાં બાળકને યોગ્ય તબીબી સારવાર મળી ન હતી. તેમના જણાવ્યા અનુસાર, બાળક ફટાકડા ફોડતી વખતે અચાનક એક રૉકેટ તેની છાતીમાં વાગ્યું. તેમનો દાવો છે કે જ્યારે તેઓ હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ઋષિ શ્વાસ લઈ રહ્યો હતો, પરંતુ તેને જરૂરી સારવાર મળી શકી નહીં.
દિવાળી દરમિયાન દિલ્હીમાં ૨૫૭ ઈમરજન્સી કૉલ આવ્યા
દરમિયાન, દિવાળીના તહેવાર દરમિયાન દિલ્હી ફાયર સર્વિસને કુલ ૨૫૭ ઈમરજન્સી કૉલ મળ્યા હતા. આમાંથી ૨૧૪ કૉલ આગની ઘટનાઓ સાથે સંબંધિત હતા, જેમાં ફટાકડાને કારણે બનેલી ૨૪ ઘટનાઓનો પણ સમાવેશ થાય છે. સૌથી વધુ ૮૫ કૉલ રાત્રે ૮ થી ૧૦ વાગ્યાની વચ્ચે નોંધાયા હતા, ત્યારબાદ રાત્રે ૧૦ થી મધ્યરાત્રિ સુધીમાં ૬૧ ફોન આવ્યા હતા. રાજધાનીમાં આગ ઓલવતી વખતે અને કટોકટીની પરિસ્થિતિઓમાં કામગીરી કરતી વખતે પાંચ અગ્નિશામકો પણ ઘાયલ થયા હતા.
