ટીચર્સ વારંવાર અપમાન કરતા હોવાથી મેટ્રો સામે કૂદીને આત્મહત્યા કરનારા ટીનેજરની હૃદયદ્રાવક સુસાઇડ-નોટ
દિલ્હીની સેન્ટ કોલંબાઝ સ્કૂલની બહાર સ્ટુડન્ટ્સ અને તેમના પેરન્ટ્સે ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
દિલ્હીમાં મંગળવારે મેટ્રો સામે કૂદીને ૧૬ વર્ષના ટીનેજરે સુસાઇડ કર્યું હતું. પોલીસને તેની પાસેથી એક સુસાઇડ-નોટ મળી હતી જેમાં તેણે પોતાના ટીચરો લાંબા સમયથી માનસિક હેરાનગતિ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હીના રાજેન્દ્ર પ્લેસ મેટ્રો સ્ટેશન પર મંગળવારે બપોરે ૨.૩૪ વાગ્યે શૌર્ય પાટીલ નામનો ટીનેજર મેટ્રોની સામે પ્લૅટફૉર્મ પરથી કૂદી ગયો હતો. એ પછી શૌર્યને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. પોલીસને શૌર્ય પાસેથી એક સુસાઇડ-નોટ મળી આવી હતી જેમાં તેણે પોતાની ઓળખ આપી હતી અને કયા નંબર પર સંપર્ક કરવો એ નોંધીને આ પગલું સ્કૂલનો સ્ટાફ તેને ખૂબ વઢે છે એટલે લીધું હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
શૌર્ય દિલ્હીના રાજેન્દ્રનગરમાં રહે છે. તેના પિતા પ્રદીપ પાટીલનું જ્વેલરીનું કામ છે. તેઓ ૧૮ નવેમ્બરે તેમનાં મમ્મીના ઇલાજ માટે કોલ્હાપુર ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘દીકરો રોજની જેમ સવારે ૭.૧૫ વાગ્યે સ્કૂલે ગયો હતો. બપોરે ૨.૪૫ વાગ્યે મને ફોન આવ્યો કે તે મેટ્રો સ્ટેશનથી પડી ગયો છે.’
શૌર્યના પિતા પ્રદીપ પાટીલે કહ્યું હતું કે ‘શૌર્યના ક્લાસમેટ્સના કહેવા મુજબ ૧૮ નવેમ્બરે સ્કૂલમાં સ્ટેજ પર ડાન્સની પ્રૅક્ટિસ દરમ્યાન શૌર્ય લપસીને પડી ગયો હતો. એ વખતે ટીચરે તેને મદદ કરવાને બદલે ધક્કો માર્યો હતો અને અપમાનિત કર્યો હતો. તે રડી પડ્યો તો બીજા ટીચરે કહ્યું કે જેટલું રડવું હોય એટલું રડી લે, મને ફરક નથી પડતો. આ ઘટના સમયે સ્કૂલના પ્રિન્સિપાલ ત્યાં હાજર હતા, પણ કોઈએ ટીચરને રોક્યા નહીં. મારો દીકરો સ્કૂલમાં તેની સાથે વારંવાર થતા અપમાનજનક વર્તનથી પરેશાન હતો. અમે સ્કૂલના અધિકારીઓ સામે તેની મેન્ટલ હેલ્થને લગતી વાત મૂકી હતી, પરંતુ સ્કૂલમાં કોઈએ અમારી વાત પર ધ્યાન આપ્યું નહીં.’
શૌર્યના પિતાએ કહ્યું હતું કે ‘તેના દોસ્તોએ મને કહ્યું હતું કે એક ટીચર તેને ધમકાવી રહ્યા હતા અને કહેતા હતા કે તેને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી દેશે અને અમને (પેરન્ટ્સને) સ્કૂલમાં બોલાવશે. માત્ર તેની સાથે જ નહીં, બીજા ત્રણ-ચાર સ્ટુડન્ટ્સ સાથે પર આવો વર્તાવ કરવામાં આવ્યો હતો.’
બુધવારે તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ, કો-ઑર્ડિનેટર અને બે શિક્ષકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો.
ગુરુવારે સેન્ટ કોલંબાઝ સ્કૂલની બહાર શૌર્યના સહાધ્યાયીઓના પેરન્ટ્સે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.


