તિરુપતિ બાલાજી મંદિરમાં એક ભાવિક ગુરુવારે ૧૬૦ કરોડ રૂપિયાના ૧૨૧ કિલોગ્રામ સોનાના દાગીનાનું દાન કરશે
TTDના એક્ઝિક્યુટિવ ઑફિસર (EO) વેંકૈયા ચૌધરી
આંધ્ર પ્રદેશના તિરુમલા તિરુપતિ મંદિરમાં ૨૬ નવેમ્બરે એક ભક્ત ભગવાન વેંકટેશ્વરને આશરે ૧૬૦ કરોડ રૂપિયાની કિંમતના ૧૨૧ કિલોગ્રામ સોનાના દાગીનાનું દાન કરશે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુની હાજરીમાં આ દાન સ્વીકારશે. તિરુપતિના પ્રખ્યાત બાલાજી મંદિરના ઇતિહાસમાં ભગવાન વેંકટેશ્વરને સોનાનું આ સૌથી મોટું વ્યક્તિગત દાન બની રહેશે.
ભક્તનું નામ હાલમાં ગુપ્ત રાખવામાં આવી રહ્યું છે. આ દાન મહત્ત્વપૂર્ણ છે કારણ કે એમાં મુખ્ય મૂર્તિ માટે ૧૨૧ કિલોગ્રામ વજનના ૪૫ અલગ-અલગ સોનાના દાગીનાના સેટનો સમાવેશ થાય છે. આ દાગીના ચેન્નઈ સ્થિત એક પ્રખ્યાત ઝવેરી દ્વારા બનાવવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ૨૦૨૫ના ઑગસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકામાં રહેતા એક ભક્તે ભગવાન બાલાજીની મૂળ મૂર્તિ માટે બધાં આભૂષણોનો સેટ દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને આ દાગીના તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
મળતી જાણકારી મુજબ આ ભાવિકે તેની કંપનીનો થોડો હિસ્સો વેચ્યો હતો અને એમાંથી મળેલાં નાણાંમાંથી આ સોનાનાં આભૂષણો ભગવાન વેંકટેશ્વર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આ દાગીના વિશેષ તહેવારોના દિવસે ભગવાનને પહેરાવવામાં આવશે.
તિરુમલામાં એસ.વી. અન્નપ્રસાદમ ટ્રસ્ટને છેલ્લાં બે વર્ષમાં ૧૧૦૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ રકમ TTD દ્વારા પ્રાપ્ત કુલ દાનના ૫૩ ટકાથી વધુ છે. આ સાથે ટ્રસ્ટનું ભંડોળ લગભગ ૩૧૦૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. અન્નદાનમ (ખાદ્ય દાન) કાર્યક્રમની શરૂઆત ૧૯૮૫માં ૨૦૦૦ લોકોની સાથે શરૂ થઈ હતી અને હવે એનો નોંધપાત્ર રીતે વિસ્તાર થયો છે. - TTDના એક્ઝિક્યુટિવ ઑફિસર (EO) વેંકૈયા ચૌધરી
