વડા પ્રધાન તરીકે ભલે બહુ વગોવાયા હોય, પણ ડૉ. મનમોહન સિંહનું વ્યક્તિત્વ મુઠ્ઠીઊંચેરું હતું : આજે સવારે ૧૧.૪૫ વાગ્યે નિગમબોધ ઘાટ પર થશે ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર : ડૉ. મનમોહન સિંહના માનમાં ૧ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક
ગઈ કાલે ડૉ. મનમોહન સિંહના દિલ્હીના ઘરે જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમનાં અંતિમ દર્શન કર્યાં હતાં
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે સવારે ૧૧.૪૫ વાગ્યે દિલ્હીમાં નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. આ સંદર્ભે ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે ‘સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ માટે સંરક્ષણ મંત્રાલયને જરૂરી વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે.’
ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને સવારે ૮ વાગ્યે કૉન્ગ્રેસ મુખ્યાલયમાં લાવવામાં આવશે. અહીં ૮.૩૦થી ૯.૩૦ વાગ્યા સુધી લોકો તેમનાં અંતિમ દર્શન કરી શકશે. સવારે ૯.૩૦ વાગ્યે અંતિમયાત્રાની શરૂઆત થશે અને ૧૧.૪૫ વાગ્યે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ADVERTISEMENT
ડૉ. મનમોહન સિંહની ત્રણ દીકરી છે. સૌથી મોટાં ૬૫ વર્ષનાં પુત્રી ઉપિંદર સિંહ અશોકા યુનિવર્સિટીનાં પ્રોફેસર છે તો બીજા નંબરનાં ૬૧ વર્ષનાં પુત્રી દમન સિંહ લેખિકા છે, જ્યારે ૫૮ વર્ષનાં ત્રીજા નંબરનાં પુત્રી અમૃત સિંહ હ્યુમન રાઇટ્સનાં લૉયર છે. અમૃત સિંહ અમેરિકામાં રહે છે, જેઓ પિતાના અવસાનના સમાચાર મળ્યા બાદ ભારત આવવા માટે નીકળી ગયાં હતાં અને રાતે એક વાગ્યે તેઓ દિલ્હી પહોંચવાનાં હતાં.
ડૉ. મનમોહન સિંહના માનમાં ૧ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક
મુંબઈમાં મંત્રાલય પર અડધી કાઠીએ ફરકતો રાષ્ટ્રધ્વજ (તસવીર : સૈયદ સમીર અબેદી)
૯૨ વર્ષની વયે ગુરુવારે રાત્રે છેલ્લા શ્વાસ લેનારા ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના માનમાં કેન્દ્ર સરકારે ગઈ કાલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી.
આ સંદર્ભમાં ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીઓને મોકલેલા એક નોટિફિકેશન જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ વડા પ્રધાનના નિધનને ધ્યાનમાં રાખીને આખા દેશમાં ૨૦૨૫ની પહેલી જાન્યુઆરી સુધી સાત દિવસનો શોક મનાવવામાં આવશે. સરકારી ઑફિસો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. શોકના સમયગાળા દરમ્યાન સત્તાવાર મનોરંજનના કાર્યક્રમો પણ યોજાશે નહીં.’