ફૉર્ચ્યુનર કારથી ટક્કર મારનારા NRI અમૃતપાલ સિંહ ઢિલ્લોંની ૩૦ કલાક બાદ ધરપકડ
ફૌજા સિંહને ટક્કર મારનારી ફૉર્ચ્યુનર અને આરોપી અમૃતપાલ સિંહ ઢિલ્લોં.
વિશ્વવિખ્યાત મૅરથૉન-રનર ૧૧૪ વર્ષના ફૌજા સિંહને સોમવારે પંજાબના જાલંધર જિલ્લાના બિયાસ ગામમાં ફૉર્ચ્યુનરથી ટક્કર મારનારા ૩૨ વર્ષના નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) અમૃતપાલ સિંહ ઢિલ્લોંની પંજાબ પોલીસે ઘટનાના ૩૦ કલાક બાદ ધરપકડ કરી હતી. અમૃતપાલ સિંહ થોડા સમય પહેલાં જ કૅનેડાથી પાછો ફર્યો હતો અને અકસ્માત સમયે તે કાર ચલાવતો હતો. પોલીસે વાહન પણ જપ્ત કર્યું છે. આરોપી સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને હત્યા ન ગણાતા બિન-ઇરાદાપૂર્વકની હત્યા બદલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે.
અમૃતપાલ સિંહને મંગળવારે મોડી રાત્રે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘જાલંધર-પઠાણકોટ હાઇવે પર ફૌજા સિંહને ટક્કર મારી ત્યારે કાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી અને બ્રેક લગાવવી મુશ્કેલ હતી. મને ખબર નહોતી કે મેં જે વ્યક્તિને ટક્કર મારી હતી તે ફૌજા સિંહ છે. ટીવી પર જોયા બાદ મને ખબર પડી હતી.’

