સંજય લીલા ભણસાલી સાથે મળીને તૈયાર થઈ છે સિનેમાને સેલિબ્રેટ કરતી ઝાંખી, ઑસ્કર-વિનિંગ કમ્પોઝર એમ. એમ. કીરાવની પણ કરશે વંદે માતરમ્ની રજૂઆત
રિપબ્લિક ડેની પરેડમાં ભાગ લેનારા ટૅબ્લોનો ગઈ કાલે મીડિયા માટે પ્રીવ્યુ રાખવામાં આવ્યો હતો.
રિપબ્લિક ડેની તૈયારીઓ હવે ઑલમોસ્ટ અંતિમ તબક્કામાં છે ત્યારે દર વર્ષની જેમ રાજધાની દિલ્હીના કર્તવ્યપથ પર ભારતીય સંસ્કૃતિનું નિરૂપણ કરતા ટૅબ્લો રજૂ કરવામાં આવશે. જોકે આ વખતે સૂચના અને પ્રસારણ મંત્રાલયે સંજય લીલા ભણસાલી સાથે મળીને ઇન્ડિયન સિનેમાને સેલિબ્રેટ કરતી એક ખાસ ઝાંખી તૈયાર કરી છે. આ ઝાંખી એટલા માટે પણ ખાસ છે કેમ કે પહેલી વાર કોઈ ઇન્ડિયન ફિલ્મ-ડિરેક્ટર દેશના સૌથી મોટા રાષ્ટ્રીય સમારોહમાં સિનેમાને રિપ્રેઝન્ટ કરશે.
આ પહેલ ઇન્ડિયન સિનેમાની સાંસ્કૃતિક સમૃદ્ધિ, ક્રીએટિવ એક્સલન્સ અને ગ્લોબલ લેવલ પર એની અસરોને ઉજાગર કરશે. દુનિયાભરમાં ભારત સૌથી મજબૂત કલ્ચરલ ઍમ્બેસેડર રહ્યું છે. પહેલી વાર ભારતીય સિનેમાને રાષ્ટ્રીય કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી રહ્યું છે અને એમાં સૌથી પહેલા ફ્લૅગબેરર સંજય લીલા ભણસાલી છે. આ ઝાંખીમાં ભારતીય સિનેમાની ૧૧૦ વર્ષની લાંબી સફરને દર્શાવવામાં આવશે, એની શરૂઆતથી લઈને આજ સુધીની વિરાસત જોવા મળશે. સંજય લીલા ભણસાલી ઉપરાંત ઑસ્કર-વિનિંગ મ્યુઝિક-કમ્પોઝર એમ. એમ. કીરાવની પણ કર્તવ્યપથ પર તેમનું નવું મ્યુઝિક-કમ્પોઝિશન રજૂ કરશે. આ વર્ષે વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે એમ. એમ. કીરાવનીના મ્યુઝિક-કમ્પોઝિશનને દેશના લગભગ ૨૫૦૦ કલાકારોનો સાથ મળશે.


