Gopal Khemka Murder Case: બિઝનેસમેન ગોપાલ ખેમકા હત્યા કેસનો મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે રાજા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો; બિહાર પોલીસની સ્પેશિયલ ટીમ અને ગોપાલ ખેમકા હત્યા કેસના ગુનેગાર વચ્ચે એન્કાઉન્ટર થયું
ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ગોપાલ ખેમકા હત્યા કેસના બીજા આરોપીનું એન્કાઉન્ટર, પોલીસે જવાબી ગોળીબારમાં ઠાર માર્યો
- પટનાના માલસલામી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ એન્કાઉન્ટરમાં વિકાસ ઉર્ફે રાજા માર્યો ગયો
- અગાઉ પોલીસે શૂટર ઉમેશ ઉર્ફે વિજયની ધરપકડ કરી હતી
બિહાર (Bihar)ના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા (Gopal Khemka)ની હત્યાના બીજા આરોપીને પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. પટના (Patna) શહેરના માલસલામી વિસ્તારમાં મંગળવારે સવારે ૪ વાગ્યે થયેલા એન્કાઉન્ટરમાં એક ગુનેગાર ઠાર મરાયો હતો. બિહારના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા કેસ (Gopal Khemka Murder Case)માં પૂછપરછ માટે પોલીસ વિકાસ ઉર્ફે રાજાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન રાજાએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસની જવાબી કાર્યવાહીમાં વિકાસ માર્યો ગયો.
બિહારના ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યાના બીજા આરોપીને પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. પોલીસ તેની પૂછપરછ કરવા ગઈ હતી પરંતુ તેણે પોલીસકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી ગોળીબાર દરમિયાન તેને પોલીસની ગોળી વાગી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પટનામાં હંગામો મચી ગયો હતો. પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના સમયે ઉમેશ સાથે વિકાસ પણ હાજર હતો. સૂત્રોનું માનીએ તો, પટના પોલીસે ગોપાલ ખેમકા હત્યાકાંડમાં વપરાયેલ ટુ-વ્હીલર, હથિયારો અને સુપારી તરીકે આપવામાં આવેલા લગભગ ત્રણ લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે.
ADVERTISEMENT
સોમવારે મોડી સાંજે પટના પોલીસે દરોડો પાડીને ગોપાલ ખેમકા હત્યા કેસના શૂટર ઉમેશ કુમાર ઉર્ફે વિજય સાહનીની ધરપકડ કરી હતી. ઉમેશ કુમાર ઉર્ફે વિજય સાહની પટના શહેરના માલસલામીનો રહેવાસી છે. તેના પર ગોપાલ ખેમકાની હત્યાનો આરોપ છે. તેની પૂછપરછના આધારે પટના પોલીસને મોટી કડી મળી. આ પછી, પટના પોલીસની ટીમ દરોડો પાડવા માટે વિકાસના ઠેકાણા પર પહોંચી હતી. પોલીસ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા માંગતી હતી. પરંતુ, વિકાસે પોલીસ ટીમને જોતા જ ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી, પોલીસે વળતો પ્રહાર કર્યો.
પટના પોલીસ (Patna Police)ના જણાવ્યા અનુસાર, સોમવારે મધ્યરાત્રિએ સ્પેશિયલ ટીમ દમડિયા ઘાટ પહોંચી હતી. પોલીસને જોતા જ વિકાસે ગોળીબાર શરૂ કરી દીધો અને ભાગી ગયો. આ પછી પોલીસે પણ ગોળીબાર કર્યો. આમાં તેનું મોત નીપજ્યું. જોકે, આ ઘટનામાં કોઈ પોલીસકર્મીને ઈજા થઈ નથી.
પોલીસનું કહેવું છે કે, ૨૯ વર્ષીય વિકાસ ઉર્ફે રાજા વિરુદ્ધ ઘણા અન્ય ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસ લાંબા સમયથી તેની શોધ કરી રહી હતી. ઘટનાસ્થળેથી એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. પોલીસને શંકા છે કે, વિકાસે ગોપાલ ખેમકાની હત્યા માટે હથિયાર પૂરા પાડ્યા હતા.
બીજી બાજુ, શૂટર વિજયની પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું કે હત્યાનો કોન્ટ્રાક્ટ આપનાર વ્યક્તિ નાલંદાનો રહેવાસી અશોક સો છે, જે હજી પણ પોલીસની પકડમાંથી ફરાર છે. પોલીસ ટીમ તેને પકડવા માટે તેના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. હાલમાં, પોલીસ ઉમેશ કુમાર ઉર્ફે વિજય સાહનીની પૂછપરછ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, ૪ જુલાઈની મોડી રાત્રે જ્યારે ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા પોતાની કારમાં બાંકીપુર ક્લબથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ગુનેગારે ગાંધી મેદાન વિસ્તારમાં રામગુલામ ચોક સ્થિત તેમના ઘર સામે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

