સાઉન્ડ અને લાઇટ અવરોધાય એવી ટેક્નિક અને પચીસ અન્ડરપાસ દ્વારા વાઇલ્ડલાઇફને જાળવી રાખવાનો અનોખો પ્રયાસ થયો છે જબલપુર-ભોપાલ હાઇવે પર
જબલપુર-ભોપાલ હાઇવે
ટાઇગર રિઝર્વ અને વન્યજીવ અભયારણ્યો માટે વિશેષ ઓળખ ધરાવતા મધ્ય પ્રદેશમાં જંગલી પ્રાણીઓની સુરક્ષા માટે ખાસ રોડ બનાવવામાં આવ્યા છે. નૌરાદેહી વાઇલ્ડલાઇફ અભયારણ્ય પાસેથી પસાર થતા જબલપુર અને ભોપાલને જોડતા નૅશનલ હાઇવે પર જંગલી પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ ટેક્નિક વાપરવામાં આવી છે. જંગલની વચ્ચેથી પસાર થતા હાઇવે પર નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ એક પ્રયોગ તરીકે રોડ પર લાલ રંગના પૅચ લગાવી દીધા છે. એને ટેબલટૉપ માર્કિંગ કહેવાય છે. લાલ પટ્ટાઓને કારણે રોડ પરથી જ્યારે વાહન પસાર થાય છે ત્યારે એને હળવા ઝટકા અનુભવાય છે. એને કારણે ડ્રાઇવરે કારની સ્પીડ ધીમી રાખવી પડે છે અને તે સતર્ક થઈ જાય છે. કોઈ સાઇન-બોર્ડ વાંચ્યા વિના જ લાલ પટ્ટાથી તેને સિગ્નલ મળી જાય છે કે આ વન્યજીવો માટેનો સંવેદનશીલ વિસ્તાર છે.
નૌરાદેહી અભયારણ્યમાં હરણ, સાબર, શિયાળ અને વાઘ જેવાં જંગલી પ્રાણીઓ જોવા મળે છે. આ વિસ્તારમાં વાહનો જો ઝડપથી દોડતાં હોય તો અચાનક આવી ચડેલાં પ્રાણીઓના જીવ પર જોખમ આવી શકે છે. રોડ પર પ્રાણીઓ આવી ન ચડે એ માટે બન્ને તરફ ૮ ફુટ ઊંચી લોખંડની જાળીઓ પણ લગાવવામાં આવી છે. હાઇવે પર ચાલી રહેલાં વાહનોની તીવ્ર લાઇટોથી જંગલનાં પ્રાણીઓને અસર ન થાય એ માટે રોડની બન્ને તરફ અવાજ અને પ્રકાશનાં બૅરિયર્સ પણ લગાવવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
હાઇવે પર ઠેર-ઠેર અન્ડરપાસ તૈયાર કરવામાં આવ્યા છે. જબલપુર-ભોપાલ હાઇવે પર પચીસ અન્ડરપાસ છે જેથી જંગલી પ્રાણીઓ સુરક્ષિત રીતે રોડની નીચેથી આ વિસ્તારમાં અવરજવર કરી શકે. અકસ્માતને કારણે વાહનચાલકો અને પ્રાણીઓ બન્નેના જીવ બચાવી શકાય એ માટે લાંબી દૃષ્ટિથી આ હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે.


