હત્યા કરનાર આરોપીના ઘરને આગ ચાંપી દેવામાં આવી, પ્રશાસનની બુલડોઝર કાર્યવાહી, શહેરમાં ઇન્ટરનેટ બંધ
ગઈ કાલે દેહરાદૂનના બૈરાગીવાલા ગામમાં હત્યાના આરોપીનું ઘર લોકોએ સળગાવી દીધું હતું.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના સહસપુર પોલીસ-સ્ટેશન વિસ્તાર હેઠળના બૈરાગીવાલા ગામમાં શનિવારે મોડી સાંજે હિન્દુ યુવાન વિનોદ કશ્યપની હત્યા કરવામાં આવી હતી. પાણીના વિવાદ અને જૂના વિખવાદને પગલે થયેલી હત્યા બાદ કોમી હિંસા ફાટી નીકળી હતી. દેહરાદૂનમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિનોદ બજરંગ દળનો કાર્યકર હોવાનું માનવામાં આવે છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ અને બજરંગ દળના કાર્યકરોએ આરોપીના ઘરને આગ લગાવી દીધી હતી અને મોટા પાયે તોડફોડ કરી હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ૧૨ લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
બીજી તરફ દેહરાદૂનના પ્રશાસને પણ કાર્યવાહી શરૂ કરીને મુખ્ય આરોપી મનાતા ઇમ્તિયાઝના ઘરના ગેરકાયદે બાંધકામને બુલડોઝરથી તોડી પાડ્યું હતું. પ્રશાસને સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. બૈરાગીવાલાના રહેવાસી વસીમ અને ભાગવતના પરિવારો વચ્ચે શનિવારે સાંજે કૂવાના પાણી વિશે ઝઘડો થયો હતો. આરોપીઓએ ઘરમાં ઘૂસીને વિનોદના માથા પર હથોડાથી વારંવાર ઘા મારીને તેની હત્યા કરી હતી, જ્યારે એક મહિલા સહિત ૩ અન્ય લોકોને ઈજા પહોંચાડીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
