Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુબ્બારા જેવી સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ થકી આત્મરક્ષાનો અભેદ્ય કિલ્લો ધરાવતો પાંચમો દેશ બન્યો ભારત

ગુબ્બારા જેવી સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ થકી આત્મરક્ષાનો અભેદ્ય કિલ્લો ધરાવતો પાંચમો દેશ બન્યો ભારત

Published : 11 May, 2025 02:42 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

આ જૂજ દેશોની યાદીમાં જાતે ડેવલપ કરાયેલા ઍરશિપ પ્લૅટફૉર્મને કારણે ભારતનું નામ પણ સામેલ થઈ ગયું છે. DRDOની આ ઍરશિપને ભારત પોતાના અનેક આયામો પર ઉપયોગમાં લાવશે જ એમાં કોઈ બેમત નથી

ઍરશિપ.

ઍરશિપ.


સ્વરક્ષા કેટલી મહત્ત્વની બાબત છે એ કદાચ હાલની પરિસ્થિતિ દરમિયાન આપણને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું છે. પરંતુ દૂરંદેશી એને જ કહેવાય કે સમજણ કેળવાય એ પહેલાં જ વ્યવસ્થા કરી લેવામાં આવી હોય. ભારતની દૂરંદેશી પણ કંઈક એવી જ સાબિત થઈ રહી છે. ક્યારેય પહેલાં હુમલો નહીં કરવાની એક મૅચ્યોર્ડ માનસિકતા ધરાવતું આપણું રાષ્ટ્ર હવે એ ભલીભાંતિ જાણે છે કે આપણી આ જ મૅચ્યોર્ડ માનસિકતાને ક્યારેય કોઈ ભૂલમાં પણ નબળાઈ નહીં ગણી લે. એથી જ ડિફેન્સ ક્ષેત્રે આપણે હવે એટલા ઍડ્વાન્સ થઈ ચૂક્યા છીએ કે વિશ્વના ચોથા ક્રમાંકની સૌથી વિશાળ, સૌથી મજબૂત અને સૌથી ઍડ્વાન્સ આર્મ્ડ ફોર્સ તરીકે ઊભરી આવ્યા છીએ.


આ જ આત્મરક્ષાના ભાગરૂપે આપણે એક જબરદસ્ત ઍડ્વાન્સ ઍરશિપ વિકસાવી છે. સંપૂર્ણ ઇન્ડિજિનીયસ એવી આ ઍરશિપ બનાવનાર બીજું કોઈ નહીં, આપણું જ જિનીયસ DRDO છે. જી હા, ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા વધુ એક માઇલસ્ટોન રચવામાં આવ્યો, જેનું નામ છે સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ. પાકિસ્તાનની હલકટાઈ હવે હેવાનિયતની એવી કક્ષાએ પહોંચી ચૂકી છે કે પહલગામના હિન્દુ હત્યાકાંડ પછી છેલ્લા પાંચ દિવસથી આપણે એને જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં હમણાં આપણો જુસ્સો અને ગૌરવ એટલાં ઉછાળા મારી રહ્યાં છે કે DRDOની આવી અપ્રતિમ સફળતા વિશે વિગતે જાણવાની ઇચ્છા થયા વિના રહેતી નથી.



સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ છે શું?


આગરામાં સ્થિત આપણા ઍરિયલ ડિલિવરી રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE ) દ્વારા ત્રીજી મેએ  લાઇટર ધૅન ઍર પ્લૅટફૉર્મ અંતર્ગત એક ઍરશિપનું પરીક્ષણ કરવામાં આવ્યું. ૧૭ કિલોમીટરના ઍલ્ટિટ્યુડ સુધી એક ઇન્સ્ટ્રુમેન્ટલ પેલોડને લઈ ૬૨ મિનિટ સુધી ઊડતી રહેલી એ ઍરશિપનું નામ છે સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ. પરીક્ષણ, નિરીક્ષણ, સંભવિત જોખમ કે આપાત્કાલીન પરિસ્થિતિ જેવું કંઈક જણાય તો એ વિશે આપણને સૂચના પહોંચાડવા સુધીનાં અનેક કામો આ ઍરશિપ કરી શકે એમ છે એટલું જ નહીં, એણે ટેક્નૉલૉજિકલી ઍડ્વાન્સમેન્ટ માટેના ભવિષ્યનાં અનેક રસ્તાઓ અને શક્યતાઓ પણ ખોલી નાખ્યાં છે. આ ઍરશિપને કારણે ભારત હવે વિશ્વના એ ગણ્યા ગાંઠ્યા દેશોમાં આવી ચૂક્યો છે કે જેમની પાસે પોતાની ઇન્ડિજિનીયસ સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ ટેક્નૉલૉજી હોય. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શનના આ સમયમાં પણ DRDOએ આ ઍરશિપ પરીક્ષણ કરી પોતાની કટિબદ્ધતા તો દેખાડી જ છે સાથે સિક્યૉરિટી અને સર્વેલન્સ અને સૅટેલાઇટ સિસ્ટમ ક્ષેત્રે ભારત કેટલી મોટી અને કેવી-કેવી હરણફાળ ભરી રહ્યું છે એ પણ વિશ્વને જણાવ્યું છે.

સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ એટલે શું?


આપણે બધા જાણીએ અને સમજીએ છીએ કે વર્તમાન સમયમાં કનેક્ટિવિટી, સર્વેલન્સ અને એન્વાયર્નમેન્ટલ મૉનિટરિંગ કેટલું આવશ્યક થઈ ચૂક્યું છે. એવા સમયમાં એક સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ તરીકે કોઈક એવું પ્લૅટફૉર્મ બનાવવામાં આવે જે હાઈ ઍલ્ટિટ્યુડ સુધી જઈ શકે, ૨૦થી ૩૦ કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં કામ કરી શકે. તો આ એક ટ્રાન્સફૉર્મેશન સોલ્યુશન મળ્યું છે એમ કહી શકાય. માનવરહિત અને છતાં લાંબા સમય સુધી હવામાં ટકી રહી, તરતા રહી કામ કરી શકે એવા આ પ્લૅટફૉર્મને હાઈ ઍલ્ટિટ્યુડ પ્લૅટફૉર્મ સિસ્ટમ (HAPS ) કહેવામાં આવે છે.        

કમર્શિયલ ઍરટ્રાફિક અને વેધર સિસ્ટમ્સની રેન્જથી ઉપરના ભાગમાં હવામાં ટકી રહીને આવી ઍરશિપ, ટેલિકમ્યુનિકેશન, ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, સાયન્ટિફિક રિસર્ચ વગેરે જેવા અનેક આયામોમાં મદદરૂપ થઈ શકે છે.

કઈ ટેક્નૉલૉજી વપરાય છે?

સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ્સ એક ઍરોસ્ટૅટિક વાહન છે જે હિલિયમ ગૅસ ભરેલો એક ફુગ્ગો અથવા એન્વલપ કે કવર છે એમ કહીએ તો ચાલે. હિલિયમ ગૅસથી ભરેલા એ ફુગ્ગાને કારણે જ એ સ્ટ્રૅટોસ્ફિયરની ઓછી ઘનતાવાળી હવામાં પણ તરતું રહી શકે છે.

સામાન્ય રીતે HAPS ટેક્નૉલૉજીમાં ફિક્સ્ડ વિન્ગ અથવા ફુગ્ગો જે રીતે કાર્ય કરે છે એ ટેક્નૉલૉજી અપનાવવામાં આવતી હોય છે. પરંતુ ઍરશિપ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે આવી સિસ્ટમ સૌર ઊર્જા પૅનલ્સ અને હાઇડ્રોજન પર આધારિત રહી પુનર્યોજિત ઈંધણ દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક મોટર્સથી કામ કરે છે. આવી ઍરશિપને સંચાલિત કરતા અથવા કમ્યુનિકેશન કરતા ધરતી પરના સ્ટેશન સાથે સતત સંપર્ક જાળવી રાખી એ જરૂર પડ્યે કોઈક વિશિષ્ટ ક્ષેત્રો તરફ નેવિગેટ સુધ્ધાં થઈ શકે છે. વજનમાં સાવ હલકી અને છતાં યુવી કિરણો પ્રતિરોધક એવી સામગ્રીઓ આ ઍરશિપમાં હોવાને કારણે એ ગમેતેવી કઠોર સ્ટ્રૅટોસ્ફેરિક પરિસ્થિતિમાં પણ ટકી રહી શકે છે. અર્થાત્ એમ સમજો કે માઇનસ ૬૦ ડિગ્રીના ટેમ્પરેચરથી લઈને અત્યંત તીવ્ર એવા અલ્ટ્રાવાયલેટ રેડિએશન અને ઓઝોન કોરોઝન સુધ્ધાં સામે પણ આ ઍરશિપ ટકી રહે છે.

બની કઈ રીતે?

DRDOનું ADRDE જ્યારે આ ઍરશિપ ડેવલપ કરી રહ્યું હતું ત્યારે કેટલીક પાયાની ચૅલેન્જિસ એવી હતી જેનું સોલ્યુશન કઈ રીતે શોધવું એ સમજાતું નહોતું. અને આ જ કારણથી આ પ્રોજેક્ટનું ઑપરેશનલ ડિપ્લૉયમેન્ટ પણ મોડું થતું રહ્યું. જેમ કે ઍરશિપ વજનમાં સાવ હલકી હોય એ પાયાની જરૂરિયાત હતી. તો એ માટે કયું મટીરિયલ વાપરવામાં આવે જેથી એનું વજન હવામાં એકદમ નહીંવત હોય. ત્યાર બાદ શિપ હવામાં જ તરતી રહીને કામ કરવાની હતી આથી એની એનર્જી એફિશિયન્સી પણ એવી બનાવવી પડે જેથી એ લાંબો સમય કામ કરી શકે. વળી સ્ટ્રૅટોસ્ફેરિક વાતાવરણમાં રહેવાની હોવાને કારણે એ શિપનું થર્મલ મૅનેજમેન્ટ, કન્ટ્રોલ અને વૅક્યુમ એન્વાયર્નમેન્ટમાં પણ સુપેરે કામ કરી શકે એવી બનાવવી પડે. પરંતુ જે દેશની સંસ્થામાં એકથી એક જિનીયસ પૂર્ણ ડેડિકેશન સાથે કામ કરી રહ્યા હોય એ સંસ્થા કોઈ પણ મુશ્કેલીનું વહેલા-મોડા સોલ્યુશન તો શોધી જ કાઢે છે.

તો સૌથી પહેલાં આવ્યું શિપનું કવર કયા મટીરિયલમાંથી તૈયાર કરીશું? તો એ માટે હિલિયમ ગૅસથી ભરેલું એક કવર તૈયાર કરવામાં આવ્યું જેને એન્વલપ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા કવર પૉલિથિલિન અથવા માયલરના ઍડ્વાન્સ કૉમ્પોઝિટ્સમાંથી બનાવવામાં આવતા હોય છે જેથી એની સ્ટ્રેન્ગ્થ, વજન અને ડ્યુરેબિલિટીનું સંતુલન જાળવી શકાય. આજની અત્યાધુનિક નૅનો ટેક્નૉલૉજીનો આભાર માનવો પડે કે જેને કારણે એક એવું મલ્ટિલેયર્ડ ફૅબ્રિક તૈયાર કરવામાં આવ્યું જેનો રેઝિસ્ટન્સ પાવર જબરદસ્ત હોય.

ત્યાર બાદ બીજો પ્રશ્ન આવ્યો શિપની પાવર સિસ્ટમ વિશે. એ માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી રિલાયેબલ વિકલ્પ હતો સોલાર પૅનલ્સ અને એનર્જી સ્ટોરેજ એટલે કે બૅટરીઝ કે RFCs. જો બૅટરી વાપરવામાં આવે તો સ્વાભાવિક છે ઍરશિપનું વજન વધી જાય. RFC એટલે એ કે જે હાઇડ્રોજન અને ઑક્સિજનને ભેગા કરી ઇલેક્ટ્રિસિટી ઉત્ત્પન્ન કરે અને એનો ઉપયોગ અને સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકે. જપાનના સ્ટ્રૅટોસ્ફેરિક પ્લૅટફૉર્મ પ્રોગ્રામમાં આ જ ટેક્નૉલૉજી વાપરવામાં આવી હતી.

ત્રીજો પ્રશ્ન આવ્યો, મૉડ્યુલર પેલોડ વિશે. હવે ઍરશિપ એક વાર ઑપરેશનલ થાય પછી શક્ય છે કે એણે ૨૦ કિલોથી લઈને ૧૫૦૦ કિલો સુધીના પેલોડ્સ પણ લઈ જવા પડે. જેમ કે 4G કે 5G કનેક્ટિવિટી માટે ફેઝડ ઍરિયલ એન્ટેના, હાઈ રેઝલ્યુશન કૅમેરા અને એન્વાયર્નમેન્ટ મૉનિટરિંગ માટે સેન્સર્સ પણ લઈ જવાં પડે. તો એ માટે મૉડ્યુલર પેલોડ તૈયાર કરવામાં આવ્યું જે સ્પેસિફિક મિશન પ્રમાણે બદલી શકાય. અને છેલ્લે, કન્ટ્રોલ સિસ્ટમ. ઑટોનોમસ નેવિગેશન સિસ્ટમ અને સૉફિસ્ટિકેટેડ અલ્ગોરિધમ્સ સાથે એવી સિસ્ટમ તો તૈયાર કરવી જ પડે જે સ્ટેશન સાથે કનેક્શન જાળવી રાખે અને છતાં સ્ટ્રૅટોસ્ફેરિક વાતાવરણ અને હવાના દબાવ વગેરે સામે પણ ઝીંક ઝીલી શકે. તો એ માટે એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બનાવવામાં આવી જેનું અનેક વાર પરીક્ષણ થયું અને ત્યાર બાદ આ ઍરશિપમાં મૂકવાને લાયક બની ત્યારે એને મંજૂરી આપવામાં આવી.

ઉપયોગ

તો આપણી આ સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ એક એટલું વર્સેટાઇલ પ્લૅટફૉર્મ છે કે અનેક અલગ-અલગ ઉપયોગ પ્રમાણે કામમાં આવી શકે છે જેમાં સિવિલિયન એટલે કે આપણી રોજિંદી જિંદગીને લગતી બાબતો જેમ કે ટેલિકમ્યુનિકેશન. તો આ ઍરશિપ આપણને દૂરસુદૂરના અવાવરું વિસ્તારોથી લઈને એવી જગ્યાઓ પર પણ બ્રૉડબૅન્ડ કનેક્ટિવિટી પહોંચાડી શકે છે જ્યાં હજી ઇન્ટરનેટ પહોંચ્યું પણ નહીં હોય. આ સિવાય વાતાવરણની આગાહી, વરસાદ કે વાવાઝોડાથી લઈને સુનામી વગેરેની આગોતરી માહિતી પહોંચાડવામાં પણ એ કામ આવી શકે. આ ઍરશિપનાં સેન્સર્સ ગ્રીનહાઉસ ગૅસિસથી લઈને ક્લાઇમેટની પૅટર્ન્સ, નૅચરલ ડિઝૅસ્ટર્સ વગેરે અનેક બાબતોની માહિતી એકઠી કરી શકે છે.  

તો વળી કમર્શિયલ અને મિલિટરીમાં પણ મદદે આવી શકે જેમાં ઇન્ટેલિજન્સ સર્વિસિસ માટે વૉચડૉગ કે સર્વેલન્સ માટે ચોકીદાર તરીકે તો જૅમર્સ લગાડવા સુધીના પણ કામ આ ઍરશિપ કરી શકે છે. કંઈ કેટલાંય જરૂરી સાયન્ટિફિક રિસર્ચમાં પણ આ ઍરશિપ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી શકે. માનો કે વાતાવરણનો અભ્યાસ કરવો હોય, હાઈ ઍલ્ટિટ્યુડ પર થતા ફેરફારો વિશે અભ્યાસ કરવો હોય, વાતાવરણમાં હાજર એવા કોઈક ગૅસનું પ્રમાણ વધી રહ્યું હોય કે ઘટી રહ્યું હોય તો પણ આ ઍરશિપ એના અભ્યાસના આંકડા પણ નોંધી શકે.    

અને સૌથી મોટો ફાયદો તો એ કે આર્થિક બોજો ઓછો કરી શકે છે કારણ કે આ બધાં જ કામો માટે સૅટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે અને જે ખર્ચો થાય એના કરતાં ક્યાંય ઓછો ખર્ચ આવા સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ પાસે કામ કરાવવામાં થાય છે.

આકાશ-૧ઃ ઍર ડિફેન્સ સિસ્ટમ માટેનો ભારતનો દેશી સુપરહીરો છે. ૨૫થી ૪૫ કિલોમીટરના અંતરથી અને ૧૮ કિલોમીટરની ઊંચાઈ સુધી નિશાન લગાવી શકે છે. એના ૧૫૦ કિલોમીટરના રડારમાં એ એકસાથે ૬૪ ટાર્ગેટ્સ જોઈ શકે છે અને ૧૨ મિસાઇલ ગાઇડ કરી શકે છે. મિસાઇલ ગાઇડ કરવામાં પણ માસ્ટર છે આ સિસ્ટમ અને છેક ટાર્ગેટ નજીક આવી જાય ત્યારે પણ ટાર્ગેટ લૉક કરવામાં મદદ કરે છે.

ઍરશિપનો આઇડિયા ક્યાંથી આવ્યો?

સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ જેવું પણ કંઈક હોઈ શકે એવો વિચાર પહેલી વાર ૧૯૬૦ની સાલમાં જન્મ્યો હતો. ત્યાર બાદ એ વિશે અભ્યાસ અને ડેવલપમેન્ટ શરૂ થયા અને ૧૯૬૯ની સાલમાં રાવેન ઍરોસ્ટાર દ્વારા એક એવું પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યું જે ૭૦ હજાર ફીટની ઊંચાઈ સુધી જઈ શક્યું. ધીરે-ધીરે આવી ઍરશિપ માટે વપરાતા કવરના મટીરિયલમાં વધુ શોધખોળ થઈ અને એ શોધ વધુ ને વધુ ઍડ્વાન્સમેન્ટ તરફ આગળ વધી. છેક ૧૯૯૦ની સાલમાં જ્યારે સોલાર ટેક્નૉલૉજી ખૂબ જાણીતી બની ત્યારે આ ઍરશિપમાં એક મોટો બદલાવ આવ્યો. છતાં આવા ફુગ્ગારૂપ ઍરશિપની બનાવટ, ડિઝાઇન અને જટિલતાને કારણે ખર્ચ અને મહેનત બન્ને ખૂબ થતાં હતાં. એમાં પણ સતત સંશોધન થતું રહ્યું અને આખરે ૨૦૧૩ની સાલથી આવી સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપને એક આધુનિક ડિઝાઇન અને ટેક્નૉલૉજી એવી મળી જેને કારણે વિશ્વના અનેક દેશોને સમજાયું કે આ ઍરશિપ પ્લૅટફૉર્મ કમર્શિયલી અને મિલિટરી ઉપયોગમાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે એમ છે. અને ત્યાર બાદ જિંદગીમાં પહેલી વાર આપણે જોઈ ગૂગલ લૂમ નામની ઍરશિપ.

બરાક -૮ MR-SAMઃ ભારત અને ઇઝરાયલે સાથે મળીને ડેવલપ કરેલી આ સિસ્ટમ ૭૦થી ૧૦૦ કિલોમીટરથી વધુ અંતરના ટાર્ગેટ્સને મારવામાં સક્ષમ છે. આ એવી સિસ્ટમ છે જે વિમાન, હેલિકૉપ્ટર, ઍન્ટિ-શિપ મિસાઇલ, બૅલિસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ અને ફાઇટર જેટ જેવા તમામ હવાઈ હુમલાઓના બચાવ માટે ડિઝાઇન કરવામાં આવી છે. એ ૩૬૦ ડિગ્રી કવરેજ અને વર્ટિકલ મિસાઇલ-લૉન્ચની ક્ષમતા રાખે છે. એ જમીન અને દરિયા બન્ને પરથી લૉન્ચ કરી શકાય છે.

કોની-કોની પાસે શું-શું છે?  

અમેરિકા : અમેરિકા પાસે પોતાની સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ છે. લોખિડ માર્ટિન હાઈ ઍલ્ટિટ્યુડ ઍરશિપ જેને (HAA) તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય ઍરોસ્ટારની હાઈ સેન્ટિનલ ઍરશિપ પણ છે જે ૨૦૦૫ની સાલમાં ૭૪ હજાર ફીટની ઊંચાઈ સુધી ગઈ હતી.
જપાન : જપાનનું પણ પોતાનું સ્ટ્રૅટોસ્ફેરિક ઍરશિપ પ્લૅટફૉર્મ છે જે એણે ૧૯૯૦ની સાલમાં લૉન્ચ કર્યું. JAXA નામની તેમની ઍરશિપ એક સોલાર પાવરથી ચાલતી અને ફ્યુઅલ સેલ્સનું રીજનરેશન કરતી ઍરશિપ છે. ત્યાર બાદ ૨૦૦૯ની સાલની આસપાસ જપાન દ્વારા એમાં વધુ શોધખોળ અને ડેવલપમેન્ટ્સ કરવામાં આવ્યાં અને એમણે HAPS સિસ્ટમને વધુ ઍડ્વાન્સ સ્ટેજ સુધી ડેવલપ કરી.
સાઉથ કોરિયા - HAPS સિસ્ટમ સાઉથ કોરિયાએ પણ ૨૦૦૦ની સાલ પછી ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એનાં રિઝલ્ટ્સ એને ખૂબ મર્યાદિત મળ્યાં. 
ચાઇના : યુનાનમેન્ગ નામની ચાઇનીઝ ઍરશિપ ૨૦૧૫ની સાલમાં ટેસ્ટ કરવામાં આવી હતી જેનો ચાઇના આજે પણ ઉપયોગ કરી રહ્યું છે અને આ શિપનો મહત્તમ ઉપયોગ મિલિટરી સર્વેલન્સ માટે થાય છે.
આ જૂજ દેશોની યાદીમાં જાતે ડેવલપ કરાયેલા ઍરશિપ પ્લૅટફૉર્મને કારણે ભારતનું નામ પણ સામેલ થઈ ગયું છે. DRDOની આ ઍરશિપને ભારત પોતાના અનેક આયામો પર ઉપયોગમાં લાવશે જ એમાં કોઈ બેમત નથી.

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2025 02:42 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK