સિંધુ જળ સંધિ વિશે કોર્ટ ઑફ આર્બિટ્રેશનના ચુકાદાને નકારીને ભારતે કહ્યું...સંધિ સ્થગિત કરવાનો ભારતનો નિર્ણય યથાવત્ છે
સિંધુ જળ
ભારતે સિંધુ જળ સંધિ અંગે હેગમાં કહેવાતી કોર્ટ ઑફ આર્બિટ્રેશન (CoA)ના તાજેતરના નિર્ણયને સંપૂર્ણપણે નકારીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ અદાલત ગેરકાયદે રીતે રચવામાં આવી હતી અને એનું કોઈ કાયદેસર અસ્તિત્વ નથી એટલે ભારત એના કોઈ પણ નિર્ણયો, આદેશો અથવા કાર્યવાહીને માન્યતા આપતું નથી.
આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે ‘ગેરકાયદે રીતે રચાયેલી કહેવાતી આ કોર્ટે ૧૫ મેએ સિંધુ જળ સંધિ હેઠળ મહત્તમ પાણીના જથ્થા સંબંધિત કેસમાં એક કહેવાતો નિર્ણય જાહેર કર્યો હતો. ભારત આ કહેવાતા નિર્ણયને સંપૂર્ણપણે નકારે છે. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ભારતનો નિર્ણય યથાવત્ છે.’
ADVERTISEMENT
ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરવાનો પણ આરોપ મૂક્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આ બનાવટી મધ્યસ્થી પ્રક્રિયાનો આશરો આંતરરાષ્ટ્રીય મંચોનો છેતરપિંડી અને દુરુપયોગની એમની લાંબા સમયથી ચાલતી નીતિનો એક ભાગ છે. ભારતે એમ પણ કહ્યું હતું કે આવી કાર્યવાહી દ્વારા પાકિસ્તાન આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકે એની જવાબદારીથી છટકી જવાનો પ્રયાસ કરી રહ્યું છે.
