Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇસરોએ ૬૧૦૦ કિલોગ્રામના અમેરિકન સૅટેલાઇટને અવકાશમાં લૉન્ચ કર્યો

ઇસરોએ ૬૧૦૦ કિલોગ્રામના અમેરિકન સૅટેલાઇટને અવકાશમાં લૉન્ચ કર્યો

Published : 25 December, 2025 12:30 PM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતથી છોડવામાં આવેલો સૌથી ભારે સૅટેલાઇટ: અમેરિકન કંપનીનો બ્લુબર્ડ બ્લૉક-2 આગામી પેઢીનો કમ્યુનિકેશન સૅટેલાઇટ, સ્માર્ટફોનથી સીધી હાઈ-સ્પીડ સેલ્યુલર બ્રૉડબૅન્ડ કનેક્ટિવિટી, પૃથ્વી પર ગમે ત્યાંથી વિડિયો-કૉલિંગ શક્ય બનાવશે

બુધવારે સવારે શ્રીહરિકોટાના બીજા લૉન્ચ-પૅડ પરથી રૉકેટે સૅટેલાઇટ સાથે ઉડાન ભરી હતી.

બુધવારે સવારે શ્રીહરિકોટાના બીજા લૉન્ચ-પૅડ પરથી રૉકેટે સૅટેલાઇટ સાથે ઉડાન ભરી હતી.


ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)એ ગઈ કાલે સવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M6 રૉકેટનો ઉપયોગ કરીને અમેરિકન સૅટેલાઇટ બ્લુબર્ડ બ્લૉક-2 લૉન્ચ કર્યો હતો. ૬૧૦૦ કિલોગ્રામ વજન ધરાવતો બ્લુબર્ડ ભારતથી લૉન્ચ કરાયેલો અત્યાર સુધીનો સૌથી ભારે સૅટેલાઇટ છે. આ પહેલાં નવેમ્બરમાં લૉન્ચ કરાયેલા LVM3-M5 કમ્યુનિકેશન સૅટેલાઇટ-03નું વજન આશરે ૪૪૦૦ કિલોગ્રામ હતું અને એને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટ (GTO)માં મૂકવામાં આવ્યો હતો. આશરે ૪૩.૫ મીટર ઊંચા LVM3-M6 રૉકેટે બુધવારે સવારે શ્રીહરિકોટાના બીજા લૉન્ચ પૅડ પરથી ઉડાન ભરી હતી અને લગભગ ૧૫ મિનિટ પછી બ્લુબર્ડ બ્લૉક-2 સૅટેલાઇટ રૉકેટથી અલગ થઈ ગયો હતો અને અવકાશથી લગભગ ૫૨૦ કિલોમીટર ઉપર લો અર્થ ઑર્બિટ (LEO)માં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો હતો. લૉન્ચ ટાઇમ ૮.૫૪ વાગ્યાનો હતો પણ અન્ય સૅટેલાઇટ સાથે અથડામણના જોખમને ટાળવા માટે મિશનનો પ્રક્ષેપણ સમય ૯૦ સેકન્ડ લંબાવવામાં આવ્યો હતો.

બ્લુબર્ડ બ્લૉક-2 લૉન્ચ કરનાર LVM3-M6 રૉકેટનું વજન ૬૪૦ ટન છે. એ ભારતનું સૌથી ભારે લૉન્ચવેહિકલ છે. બ્લુબર્ડ બ્લૉક-2 એ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સૅટેલાઇટ છે જેનો ઉદ્દેશ સામાન્ય સ્માર્ટફોન સુધી સીધી હાઈ-સ્પીડ સેલ્યુલર બ્રૉડબૅન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાનો છે. એ પૃથ્વી પર ગમે ત્યાંથી ટાવર વિના 4G અને 5G વૉઇસ કૉલ્સ, વિડિયો કૉલ્સ, મેસેજિંગ, સ્ટ્રીમિંગ અને ડેટા સેવાઓને ઉપલબ્ધ કરાવશે. આ મિશન ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) અને અમેરિકાની AST સ્પેસ મોબાઇલ (AST & Science, LLC) વચ્ચેના કમર્શિયલ કરારનો એક ભાગ છે. ન્યુ સ્પેસ ઇન્ડિયા એ ઇસરોની કમર્શિયલ બ્રાન્ચ છે.



પ્રક્ષેપણ પછી ઇસરોના ચૅરમૅન વી. નારાયણને બ્લુબર્ડ બ્લૉક-2 કમ્યુનિકેશન સૅટેલાઇટના સફળ પ્રક્ષેપણને એક મોટી સિદ્ધિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ અમેરિકન કંપની AST સ્પેસ મોબાઇલ માટેનું પ્રથમ ડેડિકેટેડ કમર્શિયલ લૉન્ચ છે. શ્રીહરિકોટાથી આ ૧૦૪મું પ્રક્ષેપણ છે અને LVM-3 લૉન્ચ વ્હીકલ માટે ૯મું સફળ મિશન છે જે એની ૧૦૦ ટકા વિશ્વસનીયતા સાબિત કરે છે. બાવન દિવસમાં LVM-3 માટે આ સતત બીજું મિશન છે.


નરેન્દ્ર મોદીએ આપ્યાં અભિનંદન
નરેન્દ્ર મોદીએ પણ ઇસરોને અભિનંદન આપતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘ભારતના અવકાશ ક્ષેત્રમાં આ એક મોટી સિદ્ધિ છે. ભારતની અવકાશયાત્રામાં આ એક ગૌરવપૂર્ણ માઇલસ્ટોન છે. આ ભારતની હેવી-લિફ્ટ લૉન્ચ ક્ષમતાને મજબૂત બનાવે છે અને વૈશ્વિક કમર્શિયલ લૉન્ચ માર્કેટમાં આપણી વધતી ભૂમિકાને મજબૂત બનાવે છે.’

ચંદ્રયાન-3 પણ આનાથી લૉન્ચ થયું હતું
LVM3-M6ને GSLV Mk-III તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ઇસરોનું ત્રણ-તબક્કાનું રૉકેટ છે. LVM3એ સતત ૮ સફળ લૉન્ચ પૂર્ણ કર્યા છે જેમાં ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 જેવા મુખ્ય મિશનનો સમાવેશ થાય છે. આ જ રૉકેટે ૨૦૨૩માં ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર પહોંચાડીને ઇતિહાસ રચ્યો હતો. એના ભારે વજનને કારણે LVM3ને લોકો બાહુબલી રૉકેટ તરીકે પણ ઓળખે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2025 12:30 PM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK