કંગના રનૌતે તેના પર થયેલા બદનક્ષીના આરોપના મામલામાં માફી માગી લીધી
કંગના રનૌત
હિમાચલ પ્રદેશના મંડીની ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદસભ્ય અને ઍક્ટ્રેસ કંગના રનૌત ગઈ કાલે એક બદનક્ષીના કેસમાં પંજાબની ભટિંડા કોર્ટમાં હાજર થઈ હતી અને તેણે એક વૃદ્ધ ખેડૂત મહિલા વિશે ૨૦૨૧માં કરેલા ટ્વીટ બદલ માફી માગી લીધી હતી. હવે આ મામલાની આગામી સુનાવણી ૨૪ નવેમ્બરે થશે.
આ વિવાદના મામલે મીડિયા સાથે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘મેં સપનામાંય વિચાર્યું નહોતું કે આ વિવાદ આ રીતે આગળ વધશે. દરેક માતા, પછી ભલે તે પંજાબની હોય કે હિમાચલની, મારા માટે આદરણીય છે. હું દરેક બહેન-દીકરીની આભારી છું જેઓ મારી પ્રશંસા કરે છે. આ મારી એક ગેરસમજ થઈ છે. મારો આવું કરવાનો કોઈ ઇરાદો નહોતો.’
ADVERTISEMENT
આ વિવાદ વિશે સ્પષ્ટતા કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘જો તમે આ કેસને નજીકથી જુઓ તો એમાં મારું પોતાનું એક પણ વાક્ય નહોતું. આ એક રીટ્વીટ હતું જેનો મીમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેં મહિન્દરજીના પતિ સાથે પણ એની ચર્ચા કરી હતી. એ મીમમાં ઘણી સ્ત્રીઓ હતી અને કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી. જે ગેરસમજ થઈ એ બદલ મને દુઃખ છે અને માતાને થયેલી વ્યથાથી અમે દુખી છીએ.’
શું છે મામલો?
કંગના રનૌત બદનક્ષીના જે કેસમાં હાજર થઈ છે એ ૨૦૨૧નો છે. એ સમયે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું એ દરમ્યાન કંગનાએ ભટિંડાના બહાદુરગઢ જંડિયા ગામનાં ૮૭ વર્ષનાં ખેડૂત મહિલા મહિન્દર કૌરને ૧૦૦-૧૦૦ રૂપિયા લઈને ધરણાં કરનારી મહિલા તરીકે દર્શાવતું ટ્વીટ કર્યું હતું. મહિન્દર કૌરે આની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગઈ કાલે મહિલા ખેડૂત મહિન્દર કૌર કોર્ટમાં હાજર રહ્યાં નહોતાં પણ તેમના પતિ હાજર રહ્યા હતા. આ મામલામાં કંગના રનૌતે ફરિયાદીના પતિ સાથે વાત કરી હતી. કોર્ટમાં કંગના વતી કંગનાના પિતા દ્વારા જામીન-બૉન્ડ દાખલ કરવામાં આવ્યો છે.


