વરસાદ રોકાા જતા ધીમે-ધીમે ફરી યાત્રાનો પ્રારંભ થયો છે, પરંતુ ભારે વરસાદ અને ચક્રવાતની અલર્ટને કારણે જોખમ
રવિવારે ચમોલીમાં પચીસથી ૩૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ લાગ્યો હતો.
ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા ગઈ કાલે થોડા કલાકો માટે સ્થગિત કરવામાં આવી હતી. ભારે વરસાદ અને ઑરેન્જ અલર્ટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગઢવાલના કમિશનર આનંદ સ્વરૂપે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે સુરક્ષાનાં કારણોસર યાત્રાળુઓને અસ્થાયી રૂપે રોકવામાં આવ્યા છે. શ્રીનગર અને હૃષીકેશમાં યાત્રાળુઓને રોકવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. ચમોલી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત પ્રખ્યાત સિખ તીર્થસ્થાન હેમકુંડ સાહિબમાં પણ હિમવર્ષા ચાલુ છે. બદરીનાથ મંદિરમાં નરનારાયણ અને નીલકંઠ પર્વતો પર હિમવર્ષા થઈ રહી છે.
કેદારનાથ ધામ અને સમગ્ર કેદારઘાટીનો સમાવેશ થાય છે એવા રુદ્રપ્રયાગ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ગયા શનિવારથી સતત વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ પ્રશાસને ગુપ્તકાશી, ફાટા, રામપુર, શેરશી, સોનપ્રયાગ અને ગૌરીકુંડ જેવાં સલામત સ્થળોએ હજારો યાત્રાળુઓને રોક્યા છે.
ADVERTISEMENT
કેદારનાથ ધામથી પાછા ફરી રહેલા યાત્રાળુઓને તબક્કાવાર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.
બચાવ-કામગીરીના મુદ્દે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ‘જિલ્લા-મૅજિસ્ટ્રેટની સૂચના પર પોલીસ, સ્ટેટ અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF અને NDRF) અને અન્ય વિભાગોની ટીમો અલર્ટ પર છે. રૂટ અને યાત્રીઓ જ્યાં રોકાય છે એવાં સ્થળો પર ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી છે કે હવામાન સ્થિર નહીં થાય ત્યાં સુધી રોકાઈ-રોકાઈને જ યાત્રાળુઓએ આગળ વધવાનું રહેશે.
૪ મહિનામાં રેકૉર્ડબ્રેક વરસાદ
ઉત્તરાખંડમાં છેલ્લા ૪ મહિનામાં સામાન્ય કરતાં ૪૫ ટકા વધુ વરસાદ પડ્યો છે. દેહરાદૂન, હરિદ્વાર, રુડકી અને કાશીપુર સહિત ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે. જોકે છેલ્લા ૪૮ કલાકમાં હવામાન બદલાયું છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
૩૯ દિવસમાં ૧૦ લાખ લોકોએ કર્યાં કેદારનાથનાં દર્શન
આ વર્ષે કેદારનાથ ધામની યાત્રામાં માત્ર ૩૯ દિવસમાં ૧૦ લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથનાં દર્શન કરીને એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. બાબા કેદારમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા એટલી નોંધપાત્ર છે કે ઉત્તરાખંડની ચારધામ યાત્રાના ઇતિહાસમાં આ સિદ્ધિ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં ભક્તો પહેલાં ક્યારેય કેદારનાથ ધામ પહોંચ્યા નથી. હવામાનની પ્રતિકૂળતા છતાં બાબા કેદારના ભક્તોનો ઉત્સાહ જોવા લાયક છે અને દરરોજ ભગવાન કેદારનાથનાં દર્શન માટે ભક્તોની ભીડ ઊમટી રહી છે.
ચંપાવતમાં નદી છલકાઈ, ૪૦૦૦ યાત્રાળુઓ ફસાયા
ઉત્તરાખંડના ચંપાવતમાં શ્રી રીઠા સાહિબ ગુરુદ્વારા પાસે રવિવારે ભારે વરસાદને કારણે નદીઓ તોફાને ચડતાં ૪૦૦૦થી વધુ યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. નદીના પ્રવાહમાં અચાનક પાણીનો ધસારો વધી જતાં ૬૦ શ્રદ્ધાળુઓ પાણીમાં ફસાઈ ગયા હતા. તેમણે બચાઓ... બચાઓની બૂમો લગાવતાં બીજા છેડે મોજૂદ લોકોએ પોલીસને સૂચના આપી હતી અને તરત જ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ના જવાનોએ પગલાં લઈને તમામ યાત્રાળુઓને બચાવી લીધા હતા. પૂરની સ્થિતિને કારણે અહીં યાત્રાળુઓને આગળ યાત્રા કરતાં રોકી દેવામાં આવ્યા છે.
હવે જેસલમેરમાં ઊઠ્યું રેતીનું બવંડર આજે ૧૯ રાજ્યોમાં વરસાદ-આંધીની અલર્ટ
શનિવારે રાજસ્થાનના પાંચ જિલ્લામાં રેતીનું તોફાન આવ્યું હતું એવું જ અને એનાથી વધુ તીવ્ર બવંડર જેસલમેરમાં રવિવારે સાંજે ઊઠ્યું હતું. આ ધૂળની ડમરી લગભગ ૨૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ઊઠી હતી. દેશમાં ભીષણ ગરમી પછી મોસમ વિભાગે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે. આજે દેશનાં ૧૯ રાજ્યોમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે.
હિમાચલમાં ચંબામાં ૫૦૦ મીટર ખાઈમાં પડી કાર, ૮ પ્રવાસીનાં મોત
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ચુરાહ સબ-ડિવિઝન પાસે એક કાર લગભગ ૫૦૦ મીટર ઊંડી ખાઈમાં પડી જતાં ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત શુક્રવારે મોડી રાતે થયો હતો, પરંતુ એની જાણકારી છેક શનિવારે મળી હતી. વાહન બરફથી ઢંકાયેલા દુર્ગમ સચ પાસ તરફ જઈ રહ્યું હતું. આ રસ્તો ખતરનાક વળાંકો, સાંકડા રોડ અને ભારે બરફવર્ષાને કારણે લપસણો હોવાને કારણે જોખમભર્યો મનાય છે. છેક શનિવારે બપોરે રસ્તા પરથી પસાર થતા કેટલાક ગ્રામીણોએ દુર્ઘટનાગ્રસ્ત વાહનના અવશેષો જોયા ત્યારે પ્રશાસનને સૂચના આપી હતી. એ પછી બચાવદળોની ટીમ પહોંચી હતી. જોકે ખાઈનો સીધો ઢોળાવ અને બરફથી ઢંકાયેલા વિસ્તારને કારણે બચાવકાર્યમાં મુશ્કેલી આવી રહી છે અને ગઈ કાલે મોડી રાત સુધીમાં તમામ શબ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયાં હતાં.
મૃત પરિજનનું શબ લઈને જતા પરિવારની કાર ખાઈમાં પડી : ૩ જણનાં મૃત્યુ, ૩ ઘાયલ
ઉત્તરાખંડમાં ચમોલી પાસેના લ્વાણી ગામ પાસે શનિવારે સવારે એક ઇકો વૅન ૪૦૦ મીટર ખાઈમાં પડી ગઈ હતી. આ કારમાં કુલ ૬ જણ સવાર હતા. એમાંથી ૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ૩ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દેહરાદૂનની હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા પોતાના પરિજનનો મૃતદેહ લઈને આ પરિવાર પોતાના ગામ પાછો આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. હવે ગામમાં પરિવારના એક વ્યક્તિના મૃતદેહને બદલે ૪ મૃતદેહ પહોંચ્યા હતા.
