નવી વંદે ભારતમાં સ્ટુડન્ટ્સે RSSનું ગીત ગાતાં કેરલા સરકારના શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો, એના જવાબમાં સરસ્વતી વિદ્યાનિકેતન પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલે નરેન્દ્ર મોદીને પત્ર લખીને પૂછ્યું...
RSSનું ગણગીત ગાવા બદલ થયેલા વિવાદ વિશે સરસ્વતી વિદ્યાનિકેતન પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલે નરેન્દ્ર મોદીને પત્ર લખીને સ્પષ્ટીકરણ આપ્યું હતું
શુક્રવારે એર્નાકુલમ અને બૅન્ગલોર વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન દરમ્યાન ટ્રેનમાં બાળકો દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં ગીતો ગાવાની ઘટનાની કેરલા સરકારે તપાસ શરૂ કરી છે. શિક્ષણપ્રધાન શિવનકુટ્ટીએ શિક્ષણ નિયામક પાસેથી રિપોર્ટ માગ્યો છે. સરકારે જણાવ્યું હતું કે રાજકીય અથવા સાંપ્રદાયિક હેતુઓ માટે બાળકોનો ઉપયોગ બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે. શિવનકુટ્ટીએ કહ્યું હતું કે ‘કોઈ પણ ચોક્કસ સંગઠનને પ્રોત્સાહન આપવા માટે સરકારી કાર્યક્રમોમાં બાળકોનો ઉપયોગ કરવો ખોટું છે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.’
મુખ્ય પ્રધાન વિજયને પણ આ ઘટનાની નિંદા કરી હતી. કૉન્ગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ ઘટનાની નિંદા કરી છે. કૉન્ગ્રેસના નેતા વી. ડી. સતીસને કહ્યું હતું કે ‘આ BJP દ્વારા કેરલાને સાંપ્રદાયિક બનાવવાનો બીજો પ્રયાસ છે. સરકારી કાર્યક્રમમાં RSSનાં ગીતો કેમ ગાવામાં આવ્યાં?’ ડાબેરી પક્ષોએ એને લોકશાહી માટે પડકાર ગણાવ્યો હતો.
ADVERTISEMENT
જોકે કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપીએ કહ્યું હતું કે ‘બાળકોએ ઉત્સાહપૂર્વક ગીત ગાયું હતું. એમાં કંઈ ખોટું નથી. એ આતંકવાદી ગીત નથી.’ કેન્દ્રીય પ્રધાન જ્યૉર્જ કુરિયને પણ કહ્યું હતું કે ‘જેઓ ભારતવિરોધી વિચારો ફેલાવે છે તેમને આ ગીત ગમશે નહીં. તે ગાન ગીતમ છે. એમાં કઈ સાંપ્રદાયિકતા છે?’
સ્કૂલે નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં શું કહ્યું?
RSSનું ગણગીત ગાવા બદલ થયેલા વિવાદ વિશે સરસ્વતી વિદ્યાનિકેતન પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલે નરેન્દ્ર મોદીને પત્ર લખીને સ્પષ્ટીકરણ આપ્યું હતું. પત્રમાં પ્રિન્સિપાલ ડિન્ટો કે.પી.એ લખ્યું હતું કે ‘વિદ્યાર્થીઓએ પહેલાં વન્દે માતરમ્ ગયેલું અને પછી મલયાલમ ગીતની ડિમાન્ડ પર એવું ગીત ગાયું જેમાં ભારત માતાની સ્તુતિ છે અને બાળકોમાં એકતા અને સમર્પણની ભાવના જગાડે છે. આ ગીત ધર્મનિરપેક્ષતા કે રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધ એક પણ શબ્દ નથી ધરાવતું, માત્ર ભારત માતા પ્રત્યે શ્રદ્ધા અને રાષ્ટ્ર પ્રત્યે ગર્વ વ્યક્ત કરે છે. શું બાળકો દેશભક્તિનું ગીત પણ ન ગાઈ શકે?’


