સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી નવી ફિલ્મની
પૂજા ભટ્ટ, જિતેન્દ્ર કુમાર
પૂજા ભટ્ટે પોતાની નવી ફિલ્મની જાહેરાત સોશ્યલ મીડિયા પર કરી છે. આ જાહેરાત સાથે પૂજાએ ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ ભારતની ‘કબૂતરબાજી’ની સંસ્કૃતિ પર આધારિત હશે. ફિલ્મમાં તેની સાથે ‘પંચાયત’ સિરીઝથી લોકપ્રિયતા મેળવનાર જિતેન્દ્ર કુમાર જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં પૂજા મમ્મીનો રોલ કરશે જ્યારે જિતેન્દ્ર કુમાર તેના દીકરા તરીકે જોવા મળશે.
પૂજા ભટ્ટે સોશ્યલ મીડિયા પર જિતેન્દ્ર કુમાર સાથેની એક તસવીર શૅર કરીને લખ્યું છે, ‘બે શક્તિશાળી કલાકાર, એક ગહન વાર્તા. મારી આગામી ફિલ્મની જાહેરાત કરતાં આનંદ અનુભવું છું. આ
ફિલ્મ ભારતની સદીઓ જૂની કબૂતરબાજી પરંપરાની પૃષ્ઠભૂમિ પર આધારિત દિલને સ્પર્શી જતી વાર્તા છે.’
૫૩ વર્ષની પૂજા ભટ્ટે ૨૦૨૦માં ‘સડક 2’ દ્વારા કમબૅક કર્યું હતું. એ પછી તેણે ૨૦૨૧માં વેબ-સિરીઝ ‘બૉમ્બે બેગમ્સ’માં કામ કર્યું હતું અને ૨૦૨૨માં સની દેઓલ સાથે ‘ચુપ’માં મોટા પડદે દેખાઈ હતી. ત્યાર બાદ ગયા વર્ષે તે ઇંગ્લિશ વેબ-સિરીઝ ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’માં જોવા મળી હતી.


