ચૉકલેટની લાલચે અજાણી જગ્યાએ લઈ જનાર વ્યક્તિ પાસેથી ૭ વર્ષની બાળકી હિંમત કરીને છટકી ગઈ અને આખી રાત અંધારામાં છુપાયેલી રહી
અંધારામાં આખી રાત છુપાઈને પોતાને બચાવનાર સાત વર્ષની બહાદુર છોકરી.
ભિવંડીમાં રહેતી ૭ વર્ષની બાળકી સતર્કતા દાખવીને અપહરણકર્તા પાસેથી છટકી ગઈ હતી. આખી રાત અંધારામાં છુપાઈને જીવ બચાવનાર બહાદુર બાળકી એક ટેમ્પો-ડ્રાઇવરની મદદથી મમ્મી-પપ્પા પાસે પાછી પહોંચી શકી હતી.
પોલીસે આપેલી માહિતી મુજબ ૮ નવેમ્બરે ગેબીનગરમાં રહેતી આ બાળકી તેના ૯ વર્ષના ભાઈ સાથે નજીકની દુકાનમાં સામાન લેવા ઘરેથી નીકળી હતી. ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ તેને ચૉકલેટ અને રમકડાંની લાલચ આપીને પોતાની સાથે આવવા કહ્યું હતું અને તેના ભાઈને ઘરે મોકલી દીધો હતો. બાળકીના ભાઈએ ઘરે જઈને મમ્મી-પપ્પાને આની જાણ કરતાં તેઓ નજીકના શાંતિનગર પોલીસ-સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં. પોલીસે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને બાળકીની શોધ શરૂ કરી હતી.
ADVERTISEMENT
આ દરમ્યાન બાળકીને આરોપી ગાયત્રી રોડ પર આવેલા ભુસાવળ કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો. બાળકીને જગ્યા અજાણી લાગતાં તેને જોખમનો અંદાજ આવી ગયો હતો એટલે તે અંધારાનો લાભ લઈને ત્યાંથી ભાગી ગઈ હતી. આખી રાત બાળકી અંધારામાં છુપાઈને બેસી રહી હતી. સવારે એક ટેમ્પો-ડ્રાઇવરે બાળકીને જોઈ ત્યારે બાળકીની શોધ માટે પોલીસે વાઇરલ કરેલા ફોટો પરથી તેને ઓળખી કાઢી હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીને તેનાં મમ્મી-પપ્પાને સોંપી હતી.


