હોટેલમાં મિત્રો સાથે ડિનર કરવા ગયેલી વ્યક્તિનું નજીવી વાતમાં મર્ડર થઈ ગયું
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલીના માનપાડામાં શનિવારે બે વ્યક્તિ વચ્ચે મામૂલી વાત પર ઝઘડો થયો હતો, જે મર્ડરમાં પરિણમ્યો હતો. જીવ ગુમાવનાર ૩૮ વર્ષનો આકાશ ભાનુ સિંહ તેના બે મિત્રો સાથે હોટેલમાં ડિનર કરવા ગયો હતો. આ સમયે તે આરોપી સાથે અજાણતાં અથડાયો હતો અને આરોપીને આકાશનો ધક્કો વાગ્યો હતો. ધક્કાને લીધે ગુસ્સે ભરાયેલા આરોપીએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આરોપીએ તેના સાથીદારો સાથે મળીને આકાશ સિંહ પર હુમલો કરી દીધો હતો અને તેને ચાકુ મારી દીધું હતું. એ વખતે આકાશને બચાવવા વચ્ચે પડેલા તેના બે મિત્રો પર પણ આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો એટલે તે બન્ને પણ જખમી થયા હતા. ચાકુના હુમલામાં ગંભીર ઈજા થવાથી આકાશનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે ૪ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને તેમની શોધ ચાલુ કરી છે.


