ડોમ્બિવલીના માનપાડા રોડ પર MMRDAની ભૂલને લીધે થયેલા ટ્રાફિક જૅમથી સ્ટુડન્ટ્સ હેરાનપરેશાન, આ ઘટના બાદ ટ્રાફિક વિભાગે MMRDAને નોટિસ પાઠવીને કોના કહેવાથી આ કામ કરવામાં આવ્યું હતું એનો તાત્કાલિક ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે.
શિળફાટા રોડ પર માનપાડા સિગ્નલ નજીક ટ્રાફિક જૅમ થયો હતો, સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા માટેની માહિતી આપવામાં આવી હતી.
ડોમ્બિવલી-ઈસ્ટના માનપાડા રોડ પર મંગળવાર મોડી રાતે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મેટ્રોના કામ માટે માનપાડા સિગ્નલ નજીક ટ્રાફિક વિભાગની જાણ બહાર મોટો ખાડો ખોદીને અમુક વિસ્તારમાં બૅરિકેડ્સ મૂકી દીધાં હતાં જેને પરિણામે મંગળવારની મોડી રાતથી શિળફાટા રોડ પરની બન્ને લેનમાં વાહનોની લાંબી કતાર લાગી જતાં ચારે બાજુ રસ્તા બ્લૉક થઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગઈ કાલે શિળફાટા અને માનપાડાની સ્કૂલોએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દીધી હતી એટલું જ નહીં, આશરે ૨૫૦ વિદ્યાર્થીઓ આ ટ્રાફિકને કારણે સ્કૂલમાં ન પહોંચી શકતાં તેઓ પરીક્ષા આપી શક્યા નહોતા. આ ઘટના બાદ ટ્રાફિક વિભાગે MMRDAને નોટિસ પાઠવીને કોના કહેવાથી આ કામ કરવામાં આવ્યું હતું એનો તાત્કાલિક ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે.
બેદરકારી અને બેજવાબદાર કામ માટે જેકોઈ જિમ્મેદાર હોય તેની સામે કડક પગલાં લેવાં જોઈએ, તંત્રની એક ભૂલને કારણે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાલાકી વેઠવી પડી હતી એમ જણાવતાં ડોમ્બિવલીના માનપાડા રોડ પર આવેલી વિદ્યા નિકેતન સ્કૂલના સિનિયર શિક્ષક અતુલ પંડિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનપાડા સિગ્નલ નજીક મેટ્રોના કામ માટે ખોદવામાં આવેલા ખાડાને લીધે કલાકો સુધી શિળફાટા રોડની બન્ને લેનમાં ટ્રાફિક જૅમ હતો જેને કારણે ગઈ કાલે વહેલી સવારે સાડાસાત વાગ્યે સ્કૂલ પહોંચતી બસો સાડાનવ વાગ્યે પહોંચી હતી એ જોતાં અમે આગળ બીજા બૅચમાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ન ભોગવવી પડે એ માટે ૧૩૫૦થી વધારે વિદ્યાર્થીઓને માહિતી આપીને સ્કૂલમાં ન આવવાનું કહી દઈ તેમને રજા આપી દીધી હતી. જોકે એ વિદ્યાર્થીઓમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા હતી, પણ તેમની પરીક્ષા પોસ્ટપોન કરવામાં આવી હતી. આ ટ્રાફિકમાં માત્ર અમારી સ્કૂલમાં નહીં, શિળફાટા પર આવેલી ચાર-પાંચ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. આવી ઘટના ફરી ન બને એ માટે ઘટના પાછળના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.’

