ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહની ગુરુવારે ૬૯મી વર્ષગાંઠ હતી
ઇન્ટરનૅશનલ રૅન્કિંગમાં ૧૦૨મો રૅન્ક ધરાવતા ‘અશ્વ જોહનિસબર્ગ’એ ૩૮ આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગ લીધો છે
ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહની ગુરુવારે ૬૯મી વર્ષગાંઠ હતી, જે ઉત્તર પ્રદેશના ગોંડામાં ચર્ચાનો વિષય રહી હતી. અહીં ‘નેતાજી’ના બર્થ-ડેની ઉજવણી અઠવાડિયા સુધી ચાલી હતી અને અનેક કાર્યક્રમો યોજાયા હતા.
જોકે લોકોનું સૌથી વધારે ધ્યાન એક સ્પેશ્યલ ગિફ્ટે ખેંચ્યું હતું. ગિફ્ટમાં બ્રિજભૂષણ સિંહ માટે લંડનથી એક સ્પેશ્યલ ગેસ્ટ આવ્યા હતા. એ ગેસ્ટ એટલે ૨.૫ કરોડ રૂપિયાનો ચૅમ્પિયન ઘોડો. ‘અશ્વ જોહનિસબર્ગ’ નામનો આ ઘોડો લંડનથી સ્પેશ્યલ ફ્લાઇટમાં ભારત લાવવામાં આવ્યો હતો. આ ઘોડો ઇન્ટરનૅશનલ રેસિંગ ટ્રૅકનો ચૅમ્પિયન હોવાનું કહેવાય છે. હરિયાણામાં વિશાળ ફાર્મ અને એમાં ૩૦૦ ઘોડા ધરાવતા કપલ રવીન્દ્ર પાલ સિંહ ચૌહાણ અને તેમનાં વાઇફ સંગીતા સિંહ ચૌહાણે બ્રિજભૂષણ સિંહને આ ગિફ્ટ આપી છે.
ADVERTISEMENT
અહેવાલો પ્રમાણે ઇન્ટરનૅશનલ રૅન્કિંગમાં ૧૦૨મો રૅન્ક ધરાવતા ‘અશ્વ જોહનિસબર્ગ’એ ૩૮ આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગ લીધો છે, જેમાંથી સાતમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું છે. આ ઉપરાંત બે વાર બીજા નંબરે, પાંચ વખત ત્રીજા નંબરે અને ચાર વખત ચોથા નંબરે રહ્યો છે.
છેલ્લાં થોડાંક વર્ષમાં મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરવાના આરોપોનો સામનો કરી ચૂકેલા રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહને આ પહેલાં પણ પંજાબથી ૧.૨૫ કરોડ રૂપિયાની કિંમતનો ઊંચી જાતિનો ઘોડો ગિફ્ટમાં મળ્યો હોવાના સમાચાર પણ આવ્યા હતા.


